શિલોંગ (મેઘાલય)ઃ ભારત અને બાંગ્લાદેશ સરહદે એક બજાર એવું પણ છે જે બંને દેશોની સરહદ વચ્ચે આવેલું સરોવર સુકાતા ભરાય છે. સરોવર સુકાતા બીએસએફના જવાન સરોવરની વચ્ચોવચ એક દોરડું બાંધી દે છે જેથી લોકો સરહદ ના ઓળંગી શકે. દોરડાની બંને બાજૂ સ્થાનિક લોકો પર્યટકો માટે બજાર ભરે છે. રસપ્રદ વાત છે કે બજારમાં ભારત અને બાંગ્લાદેશ બંને દેશની કરન્સી ચાલે છે.
મેઘાલયના શિલોંગથી લગભગ ૮૦ કિલોમીટર દૂર ડાવકી સરોવરને સૌથી સ્વચ્છ સરોવર પૈકીનું એક મનાય છે. તે કારણે દર વર્ષે મોટી સંખ્યામાં બંને દેશના પર્યટકો અહીં પહોંચે છે. વર્ષમાં કેટલાક મહિના એવા પણ હોય છે, જેમાં સરોવરનું પાણી સુકાઇ જાય છે. બીએસએફ જવાનોને સરોવરની વચ્ચોવચ દોરડું બાંધવુ પડે છે, જેથી લોકો સરહદ પાર ના જાય. આ પ્રસંગે સ્થાનિક લોકો સુકા સરોવરમાં બજાર ભરે છે જેમાં સામાન્ય રીતે ખાવા-પીવાની સ્થાનિક વસ્તુઓ હોય છે. પોતાની રીતના આ અનોખા બજારમાં લોકો બીજા દેશના દુકાનદારો અને પર્યટકો સાથે વાતચીત કરી શકે છે, પણ દોરડાને પાર કરીને બીજી તરફ નથી જઇ શકતા. બાંગ્લાદેશના જાફલાંગ વિસ્તારથી આવેલા દુકાનદાર મોહમ્મદ અલાઊદ્દીનના અનુસાર, ‘હું અહીં પાણી સુકાઇ જાય તે બાદ અથાણુ વેચું છું. અને બંને દેશોની કુલ મળીને ૨૫૦૦ રૂપિયાની કમાણી કરી લઉ છું.’ ડાવકી ચેકપોસ્ટ પર બીએસએફના જવાન હંમેશા રહે છે જેઓ એ વાત પર નજર રાખે છે કે કોઇ દોરડું તો નથી ઓળંગી રહ્યાને. સ્થાનિક લોકોને તો તેઓ ઓળખે છે, પણ પર્યટકો પર તેમની બાજ નજર રહે છે. આવી સતર્કતા બાંગ્લાદેશ તરફથી પણ હોય છે પણ બંને વચ્ચે દોરડુ એક હોય છે.
સ્થાનિક વેપારીઓ જણાવે છે કે અહીં બંને દેશોની કરન્સીનું ચલણ હોવાથી ઘણી વાર બીજા દેશની કરન્સી વધારે આવી જાય છે. બજાર સમાપ્ત થાય તે બાદ દુકાનદાર પરસ્પર પોતાની કરન્સી બદલી લે છે.
