માધુરી દીક્ષિત દ્વારા કેલિફેર્નિયામાં ઈન્ડિયન એકેડમી એવોર્ડ્ઝનો પ્રારંભ

Wednesday 15th February 2017 06:15 EST
 
 

સાન્ટા ક્લારા, કેલિફોર્નિયાઃ બોલિવુડ, હોલિવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ આધારિત મનોરંજનના ભારત અને વિશ્વભરમાં વધી ગયેલા ક્રેઝને પારખીને ભારતના સિનેયુગ અને બ્રેઈનસ્ટોર્મ એન્ટરટેઈનમેન્ટે પ્રેક્ષકો સમક્ષ પ્રથમ ઈન્ડિયન એકેડમી એવોર્ડ્ઝ રજૂ કરવા હાથ મિલાવ્યા છે. આગામી ૭ અને ૮ જુલાઈએ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ઓરેકલ એરેનામાં સિલિકોન વેલી ખાતે ગ્લેમર અને એક્શન જોવા મળશે. તેમાં બોલિવુડના બે સમર્થ કલાકાર શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત તેના પર્ફોર્મન્સ દ્વારા દર્શકોને મનોરંજન પૂરું પાડશે.
સાન્ટા ક્લારામાં ગત ૨૭ જાન્યુઆરીએ હયાત રીજન્સીમાં પત્રકાર પરિષદમાં જાણીતી ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત તેમજ આયોજકોએ શાનદાર ‘ગોલ્ડન ટ્રોફી’ લોંચ કરી હતી. બ્રેઈનસ્ટોર્મ એન્ટરટેઈનમેન્ટના સહ-સ્થાપક વંદના કૃષ્ણાએ ઓપન વોટિંગ સિસ્ટમની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વોટિંગ પ્રક્રિયા પારદર્શક, પ્રામાણિક અને સંપૂર્ણપણે આધારભૂત હશે. વિશ્વભરના સિનેરસિકો પસંદગીના કલાકારને મત આપવા અને તેને પસંદ કરવા ગ્લોબલ વોટિંગ કરી શકશે.
વૈશ્વિક દર્શકો જ્યુરીનો ભાગ બનશે તેમ કહીને તેમણે પ્રશંસકોને તેઓ ટૂંક સમયમાં જ ૧૭ કેટેગરીમાં પોતાને ગમતી ફિલ્મો અને સ્ટાર્સને મત આપી શકશે એમ જણાવ્યું હતું. એક વિશ્વાસપાત્ર સર્ટિફાઈંગ એજન્સી દ્વારા આખી પ્રક્રિયાનું ઓડિટ કરાશે.
આ એવોર્ડ્ઝના હોસ્ટ તરીકે સુપરસ્ટાર શાહરૂખ ખાન હશે. કાર્યક્રમમાં બોલિવુડ, સાઉથ ઈન્ડિયન સિનેમા અને હોલિવુડના ટોચના સ્ટાર્સ લાઈવ પર્ફોર્મન્સ રજૂ કરશે.


comments powered by Disqus