જી હા, માનવ હંમેશા પોતાની માનવતા, દયાળુ અને પરોપકારી સ્વભાવને કારણે જીત્યો છે. પ્રસ્તુત તસવીર ન્યુ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડ ફેરવેલ સ્ટ્રીપના દિરયા કિનારાની છે. જ્યાં કોઇ અજ્ઞાત કારણોસર ૪૦૦ જેટલી પાઇલોટ વ્હેલ માછલીઅો કિનારે તણાઇ આવી હતી. જે વ્હેલ માછલીઅો દરિયામાં હોય ત્યારે માણસ જાત માટે જીવલેણ ગણાય છે તે જ માછલીઅોને બચાવવા માટે સ્થાનિક રહેવાસીઅોએ અગણિત પ્રયાસો કર્યા હતા. કેટલીક વ્હેલને પાછી સમુદ્ર તરફ ધકેલવામાં અને બચાવવામાં સફળતા પણ મળી હતી. કેટલાકે પાણીના પોતા મૂક્યા હતા જેથી તેઅો શ્વાસ લઇ જીવીત રહી શકે, પરંતુ કમનસીબે તે માછલીઅોને બચાવી શકાઇ નહોતી.
જ્યારે બીજી તસવીર એસેક્સના ચિંગ્ફર્ડ સ્થિત કોનોટ વોટરની છે. જેમાં તા. ૨૭ જાન્યુઆરીના રોજ થીજીને બરફ થઇ ગયેલા સરોવરમાં એક કુતરો ફસાઇ ગયો હતો. પોતાના કુતરાને જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી મહિલાએ પળનો પણ વિલંબ કર્યા વગર ભાંખડીયાભેર સરોવરની થીજેલી સપાટી પર સરકવા માંડ્યું હતું અને કુતરાને બચાવી લીધો હતો.
સરોવરની સપાટી પરનું બરફનું થીજેલું પડ ખૂબજ પાતળું હોવાના કારણે તુટી જતાં કુતરો ઠંડા પાણીમાં ફસાઇ ગયો હતો. કુતરાના વજનથી તુટેલી બરફની થીજેલી સપાટી મહિલાનું વજન તો કઇ રીતે ઝીલી શકે? કુતરાને બચાવવો મુશ્કેલ લાગતો હતો. પરંતુ મહિલાએ જીવના જોખમે ખૂબ જ જહેમત કરી કુતરાને બચાવી લીધો હતો. પ્રસ્તુત તસવીર ૭૮ વર્ષના એલાઇસ વાર્ડીલે લીધી હતી જે ઘણું કહી જાય છે.

