વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષોપૂર્વે રોટી, કપડા ઔર મકાન નામની એક હિન્દી ફિલ્મ બની હતી. આપનામાંથી ઘણા લોકોએ કદાચ તે જોઇ પણ હશે. સામાન્ય માનવી માટે આ ત્રણ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. અલબત્ત, આપણું આરોગ્ય, શિક્ષણ, પરિવાર એ પણ જીવનના અગત્યના પાસાં છે. બ્રિટનમાં આર્થિક પ્રગતિને મૂલવવા માટે કેટલા પરિવારો પોતીકા મકાનમાં વસવાટ કરે છે તેનો આધાર લેવામાં આવે છે. સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ દર્શાવે છે તે પ્રમાણે બ્રિટનમાં ગુજરાતી પરિવારોમાંથી ૮૭ ટકા પરિવારો - નાના કે મોટા, પણ પોતીકા મકાનોમાં વસવાટ કરે છે. ગુજરાતી સમુદાયની આ સૌથી વિશેષ નોંધપાત્ર સિદ્ધિ ગણી શકાય. સ્થળાંતર વેળા આપણી પહેલી પેઢીએ નોકરી-વ્યવસાયની સાથે સાથે જ સત્વરે પોતીકા રહેઠાણ પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું તેનું આ પરિણામ છે. નાના રહેઠાણમાંથી મોટું મકાન, ટેરેસ, એપાર્ટમેન્ટમાંથી સેમી-ડિટેચ્ડ કે ડિટેચ્ડ મકાન કે સ્વતંત્ર બંગલો... આ બધું સમાજની પ્રગતિના પંથે આગેકૂચ દર્શાવે છે.
બ્રિટિશ કાયદા અનુસાર પોતીકા મકાનની કિંમતમાં ભલે ગમેતેટલો વધારો થયો હોય, પણ તેના વેચાણ વેળા કોઇ પણ પ્રકારનો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડતો નથી. આ એક ખૂબ જ લાભદાયી કરવેરા જોગવાઇ સામાન્યપણે મૂડીરોકાણકર્તા માટે, પોતીકું મકાન ખરીદવા ઇચ્છતા લોકો માટે ખૂબ આકર્ષક ગણાય છે.
બ્રિટનમાં અત્યારે સુયોગ્ય રહેઠાણની અછત માથાના દુઃખાવારૂપ રાષ્ટ્રીય સમસ્યા બની ગઇ છે. દર વર્ષે આશરે બે લાખ ફ્લેટ કે મકાનોનું નિર્માણ થાય છે તેમ છતાં ડિમાન્ડ અને સપ્લાયનું સમીકરણ જળવાતું ન હોવાથી હાઉસીંગ ક્ષેત્રે તીવ્ર અછત પ્રવર્તી રહી છે. અર્થશાસ્ત્રનો સીધોસાદો નિયમ છેઃ માગ કરતાં પુરવઠો વધે તો ઉત્પાદનના ભાવ ઘટે ને માગના પ્રમાણમાં પુરવઠો ન હોય તો ભાવ ઊંચકાય. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવર્તતી તેજીનું આ મુખ્ય કારણ છે. મુખ્ય કારણ ઉપલબ્ધ જમીન ગણાય.
ક્યાંય જમીનનું ઉત્પાદન થતું નથી ને! રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પુરવઠો ઓછો હોવાનું કારણ શું છે? વસ્તી વધારો કે નવા ઇમિગ્રન્ટ્સનું આગમન અલગ બાબત છે, પરંતુ આ સિવાય પણ અનેક કારણ જવાબદાર છે. જેમ કે, અત્યારે પચાસ - પંચાવન વર્ષની વયના દાંપત્યજીવન બાદ અલગ રહેવાની વૃત્તિ જોર પકડી રહી છે. આ જ પ્રમાણે યુવક કે યુવતી ૩૫ કે ૪૦ વર્ષના થયા હોય તો પણ ઘર માંડવામાં થોડાક આઘાપરાછા થાય છે. જોકે, તેમને પણ પોતીકા - સ્વતંત્ર - નિવાસસ્થાન જોઇએ છે.
આ સાથે જ સેકન્ડ હોમની ડિમાન્ડ પણ વધી રહી છે. શહેરી વિસ્તારમાં વસતો પરિવાર દોડધામભરી રોજિંદી જિંદગીમાંથી મુક્તિ ઝંખે છે. આનો ઉકેલ શું? ગ્રામીણ વિસ્તારમાં, કુદરતના ખોળે શાંતિમય માહોલમાં જઇને વસવાટ. અઠવાડિયે બે દિવસ તો બે દિવસ, પણ શહેરી વિસ્તારથી દૂર જઇને તેઓ વસવા માગે છે. આમ શહેરી વિસ્તારોમાં વસતાં પરિવારોમાં વીકેન્ડ હોમ વસાવવાનો ઉપાય પ્રચલિત થઇ રહ્યો છે.
આ ઉપરાંત રીઅલ એસ્ટેટમાં રોકાણ ફળદાયી પણ ખરું. રહેઠાણ કે મકાનમાં મૂડીરોકાણથી - વર્ષોના વહેવા સાથે - ફુગાવાનો પણ અસરકારક રીતે સામનો કરી શકાય છે. એક કરતાં વધુ આર્થિક અભ્યાસોમાં પુરવાર થયું છે કે બ્રિટનમાં ફુગાવાના દર કરતાં વધુ આર્થિક વળતર મેળવવું હોય તો અન્ય કોઇ પણ આર્થિક વિકલ્પ (ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ)માં રોકાણ કરવા કરતાં મહદઅંશે રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મૂડીરોકાણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તમે તમારા મૂડીરોકાણ પર ઓછા સમયમાં વધુ સારું વળતર મેળવી શકો છો. આથી જ તો ચીન, રશિયા, મિડલ ઇસ્ટ, ભારત સહિત દુનિયાના કેટલાય દેશોમાંથી હજારોની સંખ્યામાં રોકાણકારો બ્રિટનમાં મૂડીરોકાણ કરીને મકાન કે રહેઠાણ ખરીદવાનું પસંદ કરે છે. મકાન ખરીદે, ભાડે આપે અને અહીં આવે ત્યારે રહે. સમયના વહેવા સાથે પ્રોપર્ટીની મૂલ્યવૃદ્ધિ થતી રહે છે તે મુખ્ય આકર્ષણ છે.
વળી, એક કારણ એ પણ ખરું કે બ્રિટનમાં કરન્સી એક્સચેન્જ કન્ટ્રોલ નથી. કાયદા-નિયમના કોઇ કરતાં કોઇ ગૂંચવાડા નહીં, કાનૂની જોગવાઇઓની કોઇ જફાબાજી નહીં. કોઇ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદી શકે, કોઇ પણ વેચી શકે. સારો ભાવ મળતા હોય તો પ્રોપર્ટી વેચીને નફો રળીને પોતાના દેશભેગો કરી શકો છો. કોઇ ભોજિયો ભાઇ પણ તમને કંઇ પૂછે નહીં. કદાચ કોઇને સવાલ પણ થશે કે આનાથી બ્રિટનના અર્થતંત્રને નુકસાન ન થાય? ના. સીધી વાત છે - જેટલા આર્થિક અંકુશ ઓછા, તેટલું મૂડીરોકાણ વધુ. વધુ વળતર મળતું હોય તો મૂડીરોકાણ આપમેળે આવવાનું જ.
જીવનમાં સતત પરિવર્તન ચાલ્યા કરે છે
એક જમાનો હતો જ્યારે પતિ-પત્નીને બે-ત્રણ સંતાનો હોય, ૩-૪ બેડરૂમનું મકાન હોય, અને તો પણ વસવાટ માટે નાનું પડતું હોય. તે સમયે લોકો એક સાથે - એક છત નીચે રહેવાનું પસંદ કરતા હતા. સંતાનો પરણીને સંસાર વસાવે ત્યાં સુધી સાથે રહેવાનું પસંદ કરતા હતા. સહુ એકમેકના સુખે સુખી અને દુઃખે દુઃખી હતા. હવે સામાજિક સિનારિયો બદલાઇ ગયો છે. પરિવારો વેરવિખેર થઇ રહ્યા છે. દીકરો કે દીકરી અભ્યાસાર્થે યુનિવર્સિટીમાં એડમિશન લે તે સાથે જ પરિવારથી છૂટા પડવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ જાય છે. મોટા ભાગનો સમય અભ્યાસ માટે યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાનું હોય. અભ્યાસ આગળ વધે તેમ વર્કશોપ, સેમિનાર કે સ્ટડી ટુરમાં વ્યસ્તતા વધતી જાય. ઇચ્છા હોવા છતાં રજાઓમાં પરિવારને મળવા આવી શકાય નહીં. અને (જાણ્યે-અજાણ્યે) પરિવારથી દૂર તેનો પોતાનો ‘આગવો’ પરિવાર આકાર લેવા લાગે છે.
આ પરિવર્તન એટલું સહજ અને સરળ રીતે થતું હોય છે કે મા-બાપ કે સંતાન કોઇને તેની ગંધ સુદ્ધાં આવતી નથી. જ્યારે ખાલી ઘર ખાવા દોડે છે ત્યારે મા-બાપને પ્રશ્ન થાય છે કે જેના માટે માળો વસાવ્યો હતો તે ‘પંખી’ તો ઊડી ગયું, હવે આ ખાલી માળાનું કરવું શું? આપણા હજારો પરિવારોમાં આવા સંજોગો જોવા મળે છે, અને આ માટે મા-બાપ કે સંતાન, કોઇ એક પક્ષને દોષ દઇ શકાય તેમ નથી. આખરે તો પરિવર્તન જ જીવનનો અફર નિયમ છે - પછી તે પરિવર્તન સમયનું હોય, સ્થળનું હોય કે પછી સંબંધનું.
એક સમયે જે મા-બાપને ૩-૪ બેડરૂમનું મકાન થોડુંક ગીચતાભર્યું લાગતું હોય છે તે જ મા-બાપને આ મકાન હવે ‘બહુ મોટુ’ લાગવા માંડે છે... ના, વર્ષોના વહેવા સાથે મકાન મોટું નથી થયું હોતું, પણ પરિવાર નાનો બન્યો હોય છે. તેમને લાગે છે કે બે બેડરૂમ તો બહુ થઇ ગયાઃ એક, અમારા માટે ને બીજો - ગેસ્ટ રૂમ તરીકે, દીકરો કે દીકરી આવે ત્યારે રહી શકે!
તેઓ ડ્રોઇંગ રૂમની દિવાલોને તો દીકરા-દીકરી કે ગ્રાન્ડ ચિલ્ડ્રનના બાળપણથી માંડીને ગ્રેજ્યુએશન સુધીના ફોટોગ્રાફ્સ કે ડિગ્રી સર્ટિફિકેટ્સથી ભરી દે છે, પણ અંદરથી ભયંકર ખાલીપો અનુભવતા હોય છે. કોઇ પરિચિત સ્વજન મળવા આવી ચઢે કે તરત જ તેમની સામે આલબમ ખૂલ્લું મૂકી દે - સંતાનો સાથેના ભૂતકાળના સંસ્મરણોનું અને તેમની છેલ્લામાં છેલ્લી તસવીરોનું. આ માતા-પિતાને સૌથી વધુ સતાવતી સમસ્યા કોઇ હોય તો તે છે એકલતા. ગુજરાતીમાં ભલે કહેવાતું હોય કે પહેલો સગો પડોશી, પણ અહીં બ્રિટનમાં?! બહુ ઓછા લોકો એવા હશે જેઓ પોતાના પાડોશીનું નામ પણ જાણતા હશે.
આ બધી તો નરી આંખે નજરે ન ચઢતી ‘તકલીફ’ની વાત થઇ. એકલા રહેતા મા-બાપને આ સિવાય પણ મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. મોટું મકાન હોય એટલે તેની નિયમિત સાફસફાઇની ઝંઝટ, કાઉન્સિલનો ઊંચો ટેક્સ ભરવો, મકાનમાં નાનામોટા સમારકામની ઝંઝટ...
જોકે આ અને આવી બધી સમસ્યા માત્ર આપણા સમાજને જ કનડે છે તેવું નથી, અન્ય સમુદાય પણ આવી જ તકલીફોના દોરમાંથી પસાર થઇ રહ્યા છે. ઊંટ કાઢે ઢેકાં તો માણસ કાઢે કાઠાં એ ન્યાયે સમાજ આવી સમસ્યાનો અકસીર ઇલાજ શોધવા પ્રયત્નશીલ છે, અને આ દિશામાં કંઇક અંશે સફળતા મેળવી પણ છે એવું જરૂર કહી શકાય.
અમુક જાગ્રત સમાજમાં એકલા જ રહેતા વડીલો, પરિવારજનો પોતપોતાની રીતે આઘાપાછા રહેતા હોય તેવા લોકો માટે હાઉસિંગ સોસાયટીનું નિર્માણ કરવાનો કન્સેપ્ટ આકાર લઇ રહ્યો છે. આ કંઇ ઓલ્ડ એજ હોમ કે કેર હોમની વાત નથી. આવી સોસાયટીમાં નિવૃત્ત થયેલા કે વૃદ્ધો જ રહેતા હોય છે એવું પણ નથી. અહીં છતે પરિવારે છૂટાછવાયા રહેતા લોકો વસે છે. બ્રિટનમાં વસતાં યહૂદી સમાજમાં આવી સોસાયટી વધુ પ્રચલિત થઇ રહી છે. આમાં એક એવી હાઉસિંગ સોસાયટીની રચના કરવામાં આવે છે, જે મકાનનું વહીવટી સંચાલન કરે છે. દરેક રહેવાસી કે કપલનો અલગ બેડરૂમ હોય, અને કિચન પણ સ્વતંત્ર હોય. પરંતુ પાંચ-સાત પડોશીઓ વચ્ચે એક કોમન એરિયા હોય, એક કોમન ટીવી રૂમ હોય, કોમન એન્ટરટેઇન્મેન્ટ રૂમ હોય અને ક્લબ પણ હોય. સહુ સાથે રહે, પરંતુ સાથે રહેવા છતાં તમામની સ્વતંત્રતા અકબંધ રહે.
વાચક મિત્રો, આ વિશે લખવાનું મુખ્ય પ્રયોજન એટલું જ છે કે પરિવારજનો સાથે રહેતા હોય કે દૂર, સંજોગો અનુસાર જીવનમાં અને જીવનશૈલીમાં આવશ્યક ફેરફાર કરવા જ રહ્યા. સમયની સાથે ચાલ્યા વગર સુખી થવું શક્ય નથી. પરિવારજનો એક સાથે રહી શકે તેવા કારણમાત્રથી મા-બાપે સંતાનોની પ્રગતિ ન અવરોધવી જોઇએ તો સંતાનોએ પણ સિદ્ધિના શીખરો કરવાની લ્હાયમાં મા-બાપના પ્રેમ-લાગણીને નજરઅંદાજ કરવાનું વલણ ટાળવું જોઇએ. પરિવાર અને કારકિર્દી વચ્ચે સંતુલન જાળવીને પ્રગતિ હાંસલ કરવાનું થોડુંક મુશ્કેલ જરૂર હશે, પરંતુ અશક્ય તો નથી જ.
આ બાબતમાં - આપ સહુ વાચક મિત્રોને - મારું એટલું જ નમ્ર સૂચન છે કે સમય-સંજોગ અનુસાર છૂટા પડવાની વેળા આવે ત્યારે તેને સહજતાથી આવકારો અને સાથે મળીને નવા વિકલ્પ વિષે વિચારવિનિમય કરો. આટલું કરશો તો પરિવારના સભ્યો વચ્ચેનું અંતર માત્ર ભૌગોલિક જ બની રહેશે, અંતરમનથી તો સહુ કોઇ વધુ નજદીક જ આવશે.
•••
બ્રિટનના પ્રોપર્ટી જગતનું સૌથી સબળ વ્યક્તિત્વ શ્રી ટોની પીડલી, CBE
વાચક મિત્રો, આપનામાંથી કદાચ બહુ ઓછા લોકો આ વ્યક્તિના નામથી પરિચિત હશે, પરંતુ તેમની કંપનીના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હશે તે પણ એટલી જ સાચી વાત છે. તેમની કંપનીનું નામ છે બર્કલે હોમ્સ. સેન્ટ્રલ લંડનમાં કેન્સીંગ્ટન વિસ્તારમાં એક અફલાતુન પેન્ટહાઉસમાં ટોની પીડલી નિવાસ કરે છે. તેમના નિવાસસ્થાનમાંથી આસપાસ માઇલો દૂર પથરાયેલું લંડન જોઇ શકાય છે. ટોની પીડલી ગર્વભેર એમ કહી શકે એમ છે કે તમે લંડનમાં જ્યાં પણ નજર ફેરવશો ત્યાં અમારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે કેમ કે ૫૧ સ્થળે બર્કલે ગ્રૂપ દ્વારા ઇમારત નિર્માણનું કાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે.
આ જણની જીવનગાથા જાણવા જેવી છે, સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. તેમનું બાળપણ તો સાવ જ કંગાળ હાલતમાં વીત્યું હતું એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. બાળપણમાં જ મા-બાપની છત્રછાયા ગુમાવી દેનાર ટોનીભાઇનો ઉછેર અનાથાશ્રમમાં થયો હતો. જીપ્સી પરિવારે તેને દત્તક લીધો. તે વેળા વય હતી માત્ર ૧૨ વર્ષ.
આ પૂર્વેનું તેનું જીવન કેવું હતું? ભણવામાં કોઇ રસ નહીં. આખો દિવસ રઝળપાટ કરે. એક વખત મધરાત્રે ભૂખ્યા પેટે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુ પર મોટી આઇસક્રીમ વાન પાર્ક થયેલી જોઇ. ટોની આઇસક્રીમ ખાવાની લાલચ રોકી ન શક્યો. ટ્રકમાં ઘૂસી ગયો ને ભરપેટ આઇસક્રીમ ઝાપટ્યો. જોકે તે ટ્રકમાંથી બહાર નીકળીને ઘરભેગો થાય તે પહેલાં તો પોલીસમામા પહોંચી ગયા હતા. પોલીસે આઇસક્રીમ-હાથ પકડ્યો હોવાથી ગુનો કબૂલ્યા વગર છૂટકો જ નહોતો. ટોનીની કુમળી વય જોઇને કોર્ટે - કાયદાનુસાર - તેને મેન્ટરીંગ સ્કૂલમાં મોકલી આપ્યો.
આવી સ્કૂલોમાં અવળા રસ્તે ચઢી ગયેલા ટીનેજર્સને ઉદ્દેશપૂર્ણ જીવન કઇ રીતે જીવી શકાય તે શીખવવામાં આવતું હોય છે. ટોનીભાઇને કંઇ વાંચતા-લખતા તો આવડે નહીં. આમ તમામ રીતે તે છેલ્લી પાટલીનો મહેમાન બની રહ્યો.
પરંતુ એક દિવસ તેના નસીબ આડેનું પાંદડુ ખસી ગયું. સ્કૂલમાં એક મુલાકાતી આવ્યા, જેઓ સ્કૂલમાંથી એક બાળક દત્તક લેવા માગતા હતા. ટોનીને જોતાં જ તેમના દિલમાં પ્રેમનું ઝરણું ફૂટ્યું. તેમણે ટોનીને દત્તક લેવા ઇચ્છા દર્શાવી તો તેમને સમજાવાયું કે આ તો ભારે ખેપાની બાળક છે, પણ તેમને ટોનીમાં કંઇ કૌવત દેખાયું હશે કે ગમેતેમ તેઓ ટોનીને જ દત્તક લેવા માગતા હતા. તેઓ ટોનીને ઘરે લઇ ગયા. ટોનીનું પાલનપોષણ તો કર્યું જ, પરંતુ સાથોસાથ તેનામાં વૈચારિક રીતે, પ્રેરણા-પ્રોત્સાહનનું ભરપૂર સિંચન કર્યું. ટોનીએ માત્ર ૧૫ વર્ષની વયે શાળાનો અભ્યાસ છોડ્યો. નાની-મોટી જે કોઇ નોકરી મળે તેમાં મન દઇને કામ કરવા લાગ્યો.
થોડાક સમય બાદ મિની ટ્રક લઇને માલસામાનની હેરફેર શરૂ કરી. મહેનત રંગ લાવી. ૨૧ વર્ષ થતાં સુધીમાં તો તેણે હોલેજ કંપની ઉભી કરી નાખી હતી. નાની-મોટી ટ્રકોના કાફલા દ્વારા તેણે માલસામાનની હેરફેરનું અસરકારક નેટવર્ક ઉભું કર્યું હતું.
તેને કંઇક નવું કરવાની ધૂન ચઢી. તેણે હોલેજ કંપની વેચી નાખી. આ વર્ષ હતું ૧૯૭૬નું. આ જ વર્ષે તેણે બર્કલે હોમ્સ નામની પ્રોપર્ટી કંપનીની સ્થાપના કરી.
ટોનીએ બ. ક. ઠાકોરને ભલે વાંચ્યા ન હોય, પરંતુ તેના નિશાન નીચા નહોતા, ઊંચા હતા. લંડનના અતિશય ધનાઢય વિસ્તાર તરીકે સુપ્રસિદ્ધ મેફેરમાં Berkeley Square સુવિખ્યાત છે. ટોનીએ એ નામથી જ કંપની શરૂ કરી. ટોનીભાઇની કંપની નવી ઇમારતનું નિર્માણ તો કરે જ છે, પરંતુ સાથોસાથ જૂની ઇમારતો ખરીદીને તેને નવા રંગરૂપ આપી તગડા નફા સાથે વેચવાનું કામ પણ કરે છે.
ધન + ધો = ધંધો
વાચક મિત્રો, આપને કદાચ માનવામાં નહીં આવે, પરંતુ એક સમયે રસ્તે રઝળી-ભટકી ખાતા આ ટોની પીડલીની કંપનીનું આજે વર્ષેદહાડે ટર્નઓવર ૨.૬ બિલિયન પાઉન્ડ છે, અને પ્રોફિટ છે ૪૯૭.૯ મિલિયન પાઉન્ડ. આમાંથી તેણે ૨૧.૫ મિલિયન પાઉન્ડની ચોખ્ખી કમાણી કરી છે.
ટોની પીડલી તેની સાફલ્યગાથા વિશે કહે છેઃ I didn't go to Eaton. I can barealy read and write but what I can do is run businesses. અર્થાત્ ટોનીભાઇ કહે છે કે હું ઇટન (સ્કૂલમાં) નથી ગયો, હું ભલે માંડ વાંચી કે લખી શકતો હોઉં, પરંતુ ધંધો કરી જાણું છું.’ ટોની પીડલીની જ્વલંત સફળતા જોતાં એટલું તો આંખી મીંચીને પણ કહી શકાય કે તેને ધન + ધો = ધંધો કરતાં તો આવડે જ છે! ખરુંને? (ક્રમશઃ)

