હૈદરાબાદઃ ભારતે હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચમાં અશ્વિન અને રવીનદ્ર જાડેજાની ઘાતક બોલિંગના સહારે બાંગ્લાદેશને ૨૦૮ રને કારમો પરાજય આપ્યો છે. ભારતે જીત માટે ૪૫૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ મેચના પાંચમા અને અંતિમ દિવસે બીજા સેશનમાં ૨૫૦ રન બનાવી ઓલ આઉટ થઈ ગઇ હતી. અશ્વિન અને જાડેજાએ ૪-૪ વિકેટ જ્યારે ઇશાંતે બે વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં ૨૦૪ રન બનાવનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ભારતે પ્રથમ દાવમાં કેપ્ટન વિરાટ કોહલીના ૨૦૪ રન ઉપરાંત મુરલી વિજય અને સહાની સદીના સહારે આઠ વિકેટે ૬૮૭ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ઊંચા લક્ષ્યાંક સાથે ઉતરેલી બાંગ્લાદેશની ટીમનો દાવ ૩૮૮ રનમાં જ સમેટાઇ ગયો હતો. આ પછી ભારતે ચાર વિકેટે ૧૫૯ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. જોકે બાંગ્લાદેશનો દાવ ૨૫૦ રનમાં જ સમેટાઇ જતાં ભારતનો ભવ્ય વિજય થયો હતો.
૧૬૦૫ રન સાથે પૂજારાએ ચંદુ બોરડેનો રેકોર્ડ તોડ્યો
ચેતેશ્વર પૂજારાએ ઘરઆંગણે ફર્સ્ટ ક્લાસ સહિત તમામ પ્રકારની ક્રિકેટની ૨૧ ઇનિંગ્સમાં છ સદી સાથે ૮૯.૧૬ની સરેરાશથી ૧૬૦૫ રન બનાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે ૧૯૬૪-૬૫ની સિઝનમાં ચંદુ બોરડેએ ૨૮ ઇનિંગ્સમાં ૬૪.૧૬ની સરેરાશથી નોંધાયેલા ૧૬૦૪ના રેકોર્ડને તોડી નાખ્યો હતો. પૂજારાએ ઘરઆંગણે રમેલી ૨૬ ટેસ્ટમાં ૬૩.૧૮ની એવરેજથી ૨૩૩૮ રન પણ નોંધાવ્યા છે.
ઓસી. સિરીઝ પર ફોક્સ છેઃ વિરાટ કોહલી
વિરાટ કોહલીએ જીત બાંગ્લાદેશ સામે જીત બાદ કહ્યું કે, ટીમના ખેલાડીઓનું ફોકસ ઓસ્ટ્રેલિયા સામેની મોટી સિરીઝ પર છે. જેની પ્રથમ ટેસ્ટ મેચ ૨૩મી ફેબ્રુઆરીથી પૂણેમાં રમાશે. કોહલીએ કહ્યું કે, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ ઘણી લાંબી હતી. પરંતુ અમે ૪-૦થી જીત મેળવી હતી અને હવે અમે ઓસ્ટ્રેલિયા સામે પણ શાનદાર પ્રદર્શન કરવા આતુર છીએ. પોતાના રેકોર્ડ અંગે કહ્યું કે ગત વર્ષે જે સિદ્ધિ મેળવી તે અંગે વિચાર્યું નહોતું. હું દરેક મેચમાં નવા વિચાર સાથે ઉતરું છું. હું આક્રમક બનવાનો પ્રયાસ કરું છું. વધુ પડતો આક્રમક થતો નથી.
મેચ બાદ ટીમના કોચ અનિલ કુંબલેએ કહ્યું હતુ કે, બેટિંગની દૃષ્ટિએ આ પીચ ઘણી સારી હતી. બાંગ્લાદેશની ૨૦ વિકેટ ઝડપવા માટે અમારે ૨૦૦થી વધુ ઓવર બોલિંગ કરવી પડી હતી. મને લાગી રહ્યું હતું કે, ચોથા અને પાંચમા દિવસે વિકેટ તૂટશે પરંતુ તેવું થયું નહોતું. કુંબલેએ કહ્યું કે ખેલાડીઓ પીચની સામે જોવાને બદલે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટેસ્ટ મેચમાં જીત મેળવી રહ્યા છે.

