રિયાધઃ સાઉદી અરેબિયા દ્વારા છેલ્લાં ચાર મહિનામાં ૩૯ હજાર પાકિસ્તાનીઓને સાઉદીમાંથી પાછા ધકેલી દેવામાં આવ્યા હતા. ટોચના સિક્યોરિટી અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાનીઓ દ્વારા વિઝા અને ઈમિગ્રેશનના નિયમોનો ભંગ કરાયો હોવાથી તેમને સ્વદેશ પરત ધકેલી દેવાયા હતા.
આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવાયો હતો કે, જે પણ પાકિસ્તાની નાગરિક શંકાસ્પદ જણાય તેની સઘન પૂછપરછ કરવી અને શક્ય હોય તો તેને પરત ધકેલી દેવો. આઈએસના આતંકવાદીઓ અને સમર્થકો મુસ્લિમ હોવાના નામે અને પાકિસ્તાની નાગરિકો બનીને સાઉદીમાં પ્રવેશતા હોવાની ચેતવણી જાહેર કરાયા બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.
સાઉદીના સિક્યોરિટી સૂત્રોએ જાહેરાત કરી હતી કે, વિઝા અને ઈમિગ્રેશનના નિયમોના ભંગ બદલ છેલ્લાં ચાર મહિનામાં ૩૯ હજાર પાકિસ્તાનીઓને સ્વદેશ ધકેલી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ઘણા નાગરિકો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હોવાથી અને તેઓ અન્ય દેશોમાં આતંકવાદીઓને મોકલતા હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.

