સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૪૦)

સુભાષ અને એમિલી ભૌગોલિક રીતે એકબીજાંથી દૂર હતા, પણ શબ્દોથી નિકટ

Wednesday 15th February 2017 07:08 EST
 
 

બીજા પત્રમાં- સુભાષે એમિલી શેન્કલને લખ્યુંઃ
‘પટેલ (વિઠ્ઠલભાઈ)ના પત્રો વળી પાછા મારે વાંચવા છે. ક્યાં રાખ્યા હતા, જાણે છે?’
અહીં (બેડગેસ્ટિનમાં) મેં સિરિયન રાષ્ટ્રવાદી નેતા મોન્શ્યોર અલ-જબ્રીને મળવાનો ઇરાદો રાખ્યો છે. તારો પ્રથમ લેખ જોઈ ગયો છું. મળી જાય એટલે અખબારને મોકલી આપજે. કદાચ લેખ ટૂંકો છે, શબ્દોની ગણતરી કરીને, તંત્રીની માગણી મુજબ ઉમેરજે.
૧૦ માર્ચ, ૧૯૩૬ ‘તારો લેખ સંતોષજનક નથી. તું માત્ર વિયેનાની સંવાદદાતા નથી, બાલ્કન અને પૂર્વનું યે પ્રતિનિધિત્વ કરે છે તે ભૂલવું જોઈએ નહીં. તેમાં ભૂલો પણ ઘણી છે. મારે તારા માટે પ્રથમ લેખ લખવો પડશે. શીર્ષક ‘ધ બાલ્કન્સ બિફોર ધ વોર’.
પ્રિય પ્રત્યેની કેટલી ગાઢ દરકાર છે, પત્ર પૂરો થયા પછી પણ કંઈક બાકી રહી જાય છે, એટલે નોંધમાં ઉમેરોઃ ‘ખરાબ અંગ્રેજીમાં લખ્યું છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી સરકારમાં નહીં, માત્ર વિયેના શહેરમાં સત્તા પર હતી. કેથોલિક પાર્ટીને કેન્દ્રીય ગણવી ન જોઈએ, તે માત્ર ક્રિશ્ચિયન કેથોલિક સોશિયલ પાર્ટી છે. ઇટાલીએ ‘હેપ્સબર્ગ રિસ્ટોરેશન’નો વિરોધ નહોતો કર્યો, ઇટાલીએ નહીં પણ જર્મનીએ જ કર્યો હતો.’ પછી લખે છેઃ
Very Very bad! Very disappinting! English also bed!
આટલું લખીને બીજાં બે પાનામાં સંપૂર્ણ તુર્ક રાજનીતિનો ઇતિહાસ લખ્યો હતો!
ચંદ્ર બોઝ હસી પડ્યા. ઘોર એકાંતમાં યે આ કેવું મોહક સ્મિત હતું! તેમને લાગ્યું કે સામે શેન્કલ બેઠી છે અને આ અભિપ્રાયથી તેની આંખો નમી ગઈ, શબ્દો ન નીકળ્યાં, કદાચ આંખમાં આંસુ પણ આવી ગયાં.
પણ ૧૨ માર્ચ, ૧૯૩૬ના પત્રમાં પ્રોત્સાહનના શબ્દો. પણ, વળી પાછો ગુસ્સો - ‘આ પાર્સલ મોકલવાનું તને કોણે સૂચવ્યું હતું? તે નિરર્થક છે મારા માટે અને પાછું મોકલું છું. કેટલો ખર્ચ કરવો પડ્યો હતો તેમાં? તે જણાવજે. હું તો તને બુદ્ધિશાળી માનતો હતો પણ તું તો બાલિશ નીકળી! સામાન્ય પાર્સલથી કપડાં મોકલ્યાં હોત તો યે ચાલ્યું હોત, તેને માટે સ્યૂટકેસની જરૂર નહોતી. હવેથી તારું દિમાગ ઓછું વાપરજે અને સૂચનાઓને વધુ અનુસરજે.’
એ જ નગર - બેડગેસ્ટિન-થી ૧૫ માર્ચના પત્રમાં જણાવ્યું કે ભારત સરકાર અને સ્વતંત્રપણે રહેવા દેવા માગતી નથી એવી આધિકારિક સૂચના મને મળી ગઈ છે... પણ હું જઈશ. Yes, I must go home... આ બધું તારા પૂરતું ગુપ્ત રાખજે. સરકારી આદેશ વિશે હમણાં જાહેર કરવું જરૂરી નથી. તું આવીને મળી જા. પ્રવાસ ખર્ચ મોકલું છું. બની શકે તો એક સફેદ ટોપી લેતી આવજે. સાંજે આ પત્ર મળી જશે, આવતીકાલે અહીં આવવા માટે નિકળી જજે... અને છેલ્લો શબ્દ જર્મન ભાષામાં ‘Aufwiedrshen!’
એ જ દિવસે (૧૬ માર્ચ) બીજો પત્ર પણ લખ્યોઃ ‘સવારે એક પત્ર લખ્યો પણ કેટલીક વાત ભૂલી ગયો એટલે આ બીજો પત્ર. મારું પુસ્તક ‘ઇન્ડિયન સ્ટ્રગલ’ની એક પ્રત લેતી આવજે. ટાઇપ રાઇટર અને કાર્બન પેપર. ઉપરાંત પોસ્ટ કરવા માટેનાં એરમેલ લેટર્સ. કદાચ સમય ના મળે તો જરૂર નથી પણ ટાઇપરાઇટર તો લાવજે જ. તે ખૂબ જરૂરી છે.’
ત્રીજા પત્રમાં - ‘અહીં એક મહિલા પાસેથી ટાઇપરાઇટર મળી ગયું તેના પર તું કામ કરી શકે, તો ત્યાંથી મશીન લાવીશ નહીં.’
પત્રમાં વિયેનાની ટ્રેનના સમય પણ લખ્યા. જેમાં કયાં સ્ટેશનેથી ટ્રેન બદલાવવી પડશે તેની નોંધ પણ કરી.
પછીના પત્રો, ટ્રેનની રાહ જોતાં લખાયેલો પત્ર, વિયેનાથી જ મોકલેલો લેખ, વિયેનાથી નાપોલી પહોંચતાં લખાયેલો ટૂંકો પત્ર, નેપલ્સની સમુદ્ર સફર (‘હવે હું મોટો થયો, સાવ યુવા વયે સમુદ્ર ગમે તેવો હોય, સહન થઈ શકતો.’) ભૂરા આકાશે સૂર્યોદય અને દૂ...ર સુધી પથરાયેલો સમુદ્ર...) તેમને માટે સમુદ્રની ભેજવાળી હવા અનેક તકલીફો પેદા કરતી.
‘સમુદ્ર જહાજનો અનુભવ (અહીં વિવિધ ભોજન છે. બેડ-ટીથી શરૂઆત, પછી નાસ્તો, બપોરનું ભોજન, વળી ચા અને કેક, રાત્રે સાડા સાતે ટેબલ પર થાળી... જહાજમાં જ સ્નાનાગાર, ‘ડેક સ્પોર્ટસ’, અને નિશાનબાજીનો ખેલ... આ ઇટાલિયનો તેમાં ભારે કુશળ છે! મારી કેબિનમાં ભારતીય અને અફઘાની સજ્જન છે. અત્યારે સારું છે કે સમુદ્ર-મોસમ ઠીક છે. ક્યારેક તોફાની હવા આવી ચડે છે. અહીં વાયરલેસ ન્યૂઝપેપરથી ખબર પડી કે ડી વેલેરાએ ઝુરિચમાં આંખનું ઓપરેશન કરાવ્યું છે અને જર્મન ચૂંટણી આજે થશે. અહીંથી જ બંધ કવરમાં ૧૫૦ ‘લિરા’ મોકલું છું, ભારત પહોંચતા તેનો વિનિમય મોંઘો પડશે... તારાં ભોજનમાં પૂરતું દરકાર રાખજે. હવે કફની મુશ્કેલી નહીં હોય. તબિયતને જાળવીશ તો ગોલ બ્લેડરનું ઓપરેશન ટાળી શકાશે.. તક મળે તો લંડન જરૂર જજે, વચ્ચે પારિસ આવશે. એકવાર નિહાળવા જેવું નગર છે. ફ્રેન્ચ ભાષા શીખવાનું ચાલુ હશે, સ્પેનિશ ક્યારે?)
અને એ જ પત્રમાં, ભારત પહોંચતાં પૂર્વેના પત્રમાં-
"Just one thing more before I close this long letter. For your life, never pray for any selfish object or aim. Always pary for whtat is good for humanity - for what is good for all time - for what is good for in eyes of God. pray in ‘NISHKAMA’ way."
પત્ર-યાત્રાના કેવા, કેટલા પડાવ હતા? સુએઝ કેનાલથી મુંબઈ... સ્થાન આર્થર રોડ કારાગાર! ત્યાંથી યરવડા કેન્દ્રીય કારાગાર, પૂણે. (તને અંદાજ હશે કે વિયેનાથી મુંબઈ પહોંચ્યો ત્યારે મારી ધરપકડ થઈ હતી, (૮ એપ્રિલ), મને મારા સ્વજનોને મળવાની મનાઈ છે એક માત્ર મોટાભાઈ - ભાભી મળી શક્યા છે અને તને એ વાતમાં રસ પડશે કે અગાઉ જે વોર્ડમાં મહાત્મા ગાંધીને રાખવામાં આવ્યા હતા, ત્યાં જ અહીં યરવડા જેલમાં, મને અત્યારે રાખવામાં આવ્યો છે.)
પૂણેથી દાર્જિંલિંગ. (‘આ જગ્યા વિશે તો તું કશું જાણતી નહીં હોય. નકશામાં જોઈશ તો ઉત્તરમાં બંગાળથી છેક છેવાડે આ જગ્યા છે.’)
પછી કેદી અવસ્થાનો અંદાજ આ શબ્દોમાંઃ ‘હવે હું જેલમાં નથી. એક બંગલામાં ‘Interned’ છું! આ શબ્દ તને અજાણ્યો જ હશે. દાર્જિલિંગ ૭૦૦૦ ફૂટની ઊંચાઈએ છે અને મને જ્યાં રાખવામાં આવ્યો છે તે ૫૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે. હું ‘મુક્ત’ નથી, માત્ર ‘જેલ’માં નથી! પૂણેની યરવડામાં તો સખત ગરમી હતી..’
દાર્જિલિંગ નજર કેદી અવસ્થામાંથી બીજા ઘણા પત્રો લખાયા. એક બીજાનાં મનોજગતને ખૂલ્લું કરવાનો આ પત્ર-માર્ગ હતો. તેમાં તરેહવારની દુનિયાને શબ્દદેહ મળતો રહ્યો. બ્રાતિસ્લાવામાં કોઈ ભારતીયના ખરાબ વર્તનના સમાચાર વાંચ્યા તો તેનું નામ શોધી કાઢવા જણાવ્યું. સર વિશ્વેશ્વરૈયાનું ‘પ્લાનેડ ઇકોનોમી’ પુસ્તક મોકલી આપવા તાકિદ કરી. જર્મન Kattee એ જ અંગ્રેજી Cafe અને તે પીણું એ કોફી... આવી રમતિયાળ સૂચના આપી... તેમણે વિયેનાની ‘ફેફસાની સારવાર માટેની ઉત્તમ નગરી’ના તબીબોનાં યે નામ આપ્યાં... ‘હવે હું એકલો છું, ગ્રામોફોન પર ગીતો સાંભળું છું, ઉત્તમ યુરોપીય સંગીતકારોનાં નામ મોકલજે... તારા પત્રોમાં જર્મન-અંગ્રેજી વ્યાકરણના ભારે દોષ રહી જાય છે એમ ઉદાહરણ સાથે લખ્યું. ૧૯૩૬ના જુલાઈથી એક આખું વર્ષ જેલ અને નજરબંદ અવસ્થા, પછી ૧૯૩૭ના જાન્યુઆરીમાં કલકત્તાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર... અને ૧૮ માર્ચ, ૧૯૩૭ના મુક્તિ... આ દિવસો ચિંતનના, એકાંતિક ક્ષણોમાં સંગીતનાં , ક્યારેક વળી પરિવારજનો થોડા કલાકના સાથેનાં મિલનના, ભગવદ્ગીતાને વાંચવાનો આગ્રહ કરતા, કાંચનજંઘા અને હિમાલયનું વર્ણન, ‘આધ્યાત્મિક ખરો પણ કર્મયોગી છું’ તેનો એકરાર, ભારતીય ‘ચા’ની ખૂશબુ, ગેટે એ ‘શકુંતલા’ પર લખેલું કાવ્ય, ભોવાલ - રાણી - કુમાર - રૂપિયો - સંન્યાસી - ફરિયાદી - નાગાસાધુ - લાખ - યોગ... જેવા શબ્દોની ઓળખ, દૂર્ગાપૂજાનો ઉત્સવ, જર્મન-અંગ્રેજી પુસ્તકોનું વાંચન, મોર્ડન રિવ્યૂ અને ઇલસ્ટ્રેટેડ વિકલીના અંકો, રેડિયો પર વિભિન્ન દેશોની ખબરો, ‘દેશની સૌથી મોટી કલકત્તા હોસ્પિટલમાં, અવાજ અને ઘોંઘાટ જરૂર છે પણ લાંબા સમયના એકલાપણા પછી તે ય સારું લાગે છે’ એવો અનુભવ... આ બધું અભિવ્યક્ત થતું રહ્યું અને તેના પ્રત્યુત્તરો પણ એમિલી શેન્કલના શબ્દોમાં મળતા રહ્યા...
ઓગસ્ટ ૫, ૧૯૩૬ના પત્રમાં એમિલી કહે છે કે આમ તો હું ‘ડ્રિન્ક’ લેતી નથી પણ પિતાજીના જન્મદિવસની ઉજવણીમાં લીધો હતો. રોમન કેથોલિક પાદરી પણ તેમાં સામેલ થયા હતા.. હમણાં એક દિવસે મને સપનું આવ્યું. તે દાર્જિલિંગનું તો નહોતું પણ હિમાલયનાં સર્વોચ્ચ શિખરે પહોંચી તેવું હતું!
બીજા પત્રમાં... ‘અહીં કંઈ જ રસપ્રદ નથી અને એવું હોય ત્યારે તમને કઈ રસપ્રદ બાબતોનું વર્ણન કરું? હા. પર્વતારોહણનો આનંદ માણ્યો. પણ તેની સુંદરતાનું વર્ણન જર્મન ભાષામાં જરૂર કરી શકું, અંગ્રેજીમાં નહીં. આ સાથે ‘KLEE’ નામના છોડના પાન મોકલું છું. અહીં માન્યતા એવી કે જાતે મેળવેલા આ પાન જેની પાસે સચવાય તેનાં નસીબ સારાં થાય છે. તમે તમારી પાસે સાંચવજો... મેં જાતે જ વીણેલાં છે.’
બીજા પત્રમાં શકુંતલા વિષેનું ગેટેનું કાવ્ય મોકલ્યું અને લખ્યુંઃ ગેટે ‘શકુંતલા’ને બદલે ‘Sakontla’ કહે છે... તમે મને એક વાર કહ્યું હતું કે બે પુસ્તકો બંગાળીમાં લખ્યાં છે. પણ અત્યાર સુધીમાં - કેમ છો, સુપ્રભાત, તમારું નામ શું - એવાં થોડાંક વાક્યો જ બંગાળીમાં બોલી - જાણી શકું છું... મારે આ પુસ્તકો વાંચવાં છે...
પત્રોમાં એમિલી સારી નોકરીની તલાશમાં નિષ્ફળ રહ્યાની વાત કરે છે. ‘ફ્રેન્ચ ભાષા શીખવવાનું યે એટલા માટે બંધ કરવું પડ્યું’ તેમ જણાવે છે.
અને, ચંદ્ર બોઝને જેલ - પ્રતિબંધ - મુક્તિનો દિવસ યાદ આવી ગયો. ૧૮ માર્ચ, ૧૯૩૭ના પત્રમાં શેન્કલને લખ્યુંઃ ‘સવારે દસ વાગે હોસ્પિટલમાંથી ઘરે આવ્યો છું. મને અચાનક મુક્ત કર્યો!’
વીસ મહિનાથી વધુ દિવસો બન્ને ભૌગોલિક રીતે એક બીજાંથી દૂર હતા, માત્ર શબ્દોથી નિકટ. ‘પણ હવે હું મુક્ત રીતે જીવીશ, પત્રવ્યવહાર પર સેન્સરશિપ નહીં રહે. જોકે ગુપ્ત રીતે તો તેઓ દરેક પત્રની તપાસ કરી લેતા હોય છે. હવેથી હું દરેક સપ્તાહે એક પત્ર તો અવશ્ય લખતો રહીશ.’
થોડાક સમય સુધી એ રીતે પત્રવ્યવહાર અ-વિરત રહ્યો. સુભાષ કલકત્તા, લાહોર, ડલહાઉસી અને કુર્સિયોગથી પત્રો લખતા રહ્યા. ૧૯૩૭ના ગિષ્મ પૂર્વે એક પત્રમાં તેમણે હૃદયભાવને વ્યક્ત કરી જ દીધાઃ
I have been longing to write to you for sometime past - but you can easily understand how difficult it was write to you about my feelings. I just want to let you know now that I am exactly what I was before, when you knew me. Not a Single day passes that I do not Think of you. You are with me all the time. I cannot possibly think of anyone else in this world...
હૃદયવલોણું હતું તો કારાવાસ અને તે પૂર્વેના સમગ્ર વિદેશયાત્રાનું. પણ એવી ક્ષણ જ હજુ ઉદિત નહોતી થઈ કે સંપૂર્ણ અભિવ્યક્ત થઈ શકાય. સુભાષે લખ્યુંઃ ‘હું તને કહી શકતો નથી કે આ મહિનાઓમાં મેં કેવી એકલતાનો દર્દભર્યો અનુભવ કર્યો છે. માત્ર એક જ વાતથી હું રાજી હતો, ખૂશ હતો તે શક્ય છે કે નહીં તે ય હું જાણતો નથી. પણ, હું વિચારું છું કે એ દિવસ અને રાત્રિ આવે, તેને માટે ઇશ્વર મને શક્તિ આપે.’
ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ તરીકે સુભાષ ચંદ્ર બોઝની પસંદગીની વાસંતી હવા ચોતરફ ફેલાઈ હતી. ૧૯૩૮નું તે અધિવેશન ગુજરાતનાં હરિપુરામાં યોજાઈ રહ્યું હતું. સ્વયં ગાંધીજીએ તેમના અધ્યક્ષપદ માટે સંમતિ આપી હતી.
તેના પૂર્વે ૨૬ ડિસેમ્બર, ૧૯૩૭નો દિવસ ઊગ્યો... સુભાષ - એમિલીનાં પરિણયનો પથ હવે લગ્નમાં પરિણમ્યો! ચાર વર્ષની પગદંડીએ અનેક વળાંક આવ્યા. મળ્યા ત્યારે બન્ને એકબીજાથી અજનબી હતા. સુભાષચંદ્રને વિયેનામાં ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ’ના લેખન સમયે એક સેક્રેટરીની જરૂરત હતી, જે અંગ્રેજીના જાણકાર ઉપરાંત ટાઇપ કરવાનું જ્ઞાન હોય. મિત્ર ડો. માથુરને તેવી વ્યક્તિ શોધી આપવા જણાવ્યું. બે વ્યક્તિની મુલાકાત કરાવી તેમાંની એક એમિલી શેન્કલ, ૨૩ વર્ષીય ઓસ્ટ્રિયન યુવતી. પિતા તો રાજી નહોતા કે કોઈ ભારતીય સાથે તે કામ કરે. પણ પછીથી આ મહાનુભાવને મળવાનું થયું એટલે બધા પૂર્વગ્રહો સમાપ્ત થઈ ગયા.
એમિલીએ સુભાષ બાબુનાં લેખનને ટાઇપ કરવાનું કામ ૧૯૩૪ના જૂનથી શરૂ કરી દીધું હતું. સુભાષને બિમાર પિતાને મળવા માટે ભારત-પ્રવેશની બ્રિટિશ સરકારે છૂટ આપી હતી એટલે ડિસે્બર, ૧૯૩૪માં કલકત્તા આવ્યા... બન્ને વચ્ચેનો પત્ર સેતુ બંધાતો રહ્યો.
૮ જાન્યુઆરી, ૧૯૩૫ સુભાષનું કલકત્તાથી યુરોપ પ્રસ્થાન થયું, તે યાત્રાનું વર્ણન સુભાષે એમિલી પરના પત્રોમાં કર્યું હતું. ૧૯૩૫ના જાન્યુઆરી ૨૯મીએ વિયેના પહોંચ્યા. કાર્લ્સબેડ - જે હવે ચેકોસ્લોવેક પ્રજાસત્તાકનો ભાગ છે -માં રમણીય સ્પા રિસોર્ટમાં બન્ને રહ્યા. ઓસ્ટ્રિયાના બેડગેસ્ટિને તો સુભાષ-જીવનનો એક નવો વળાંક સરજ્યો હતો. એપ્રિલ ૧૯૩૫ના એપ્રિલમાં સુભાષબાબુના ગોલબ્લેડરનું ઓપરેશન વિયેનાના તબીબ પ્રા. ડેમેલે કર્યું. આ શસ્ત્રક્રિયા પીડાદાયક હતી. લાંબા સમયે તેમાં સુધારો થયો. એમિલી દરરોજ તેમની મુલાકાત લેતી રહી.
અને બેડગેસ્ટિન - ઓસ્ટ્રિયાના આ રમણીય સ્થાને - છવીસમી ડિસેમ્બરે સુભાષ-એમિલીનાં દામ્પત્યની કેડી શરૂ થઈ...
આ કેડી પણ ક્યાં સહજ - સરળ હતી?
આ રશિયન જેલમાં ચંદ્ર બોઝ સ્મૃતિ ધુમ્મસમાં ખોવાઈ ગયા..
બર્લિનથી ટોકિયોની મહામુશ્કેલ સમુદ્ર યાત્રા પૂર્વે તે છેલ્લી વાર એમિલી શેન્કલને મળ્યા. ૧૯૪૧ની વસંતનો એ વિપ્લવ રાગ હતો. સુધૂર જપાનમાં ગદ્ર ક્રાંતિવીર બુઝર્ગ રાસબિહારી બોઝ તેમની રાહ જોતા હતા... થોડાક જ મહિનાઓ સુભાષ-એમિલી સાથે ૧૯૪૧માં રહ્યાં, બર્લિનનાં સોફિન સ્ટ્રાસમાં. વિયેનામાં ૨૯ નવેમ્બર, ૧૯૪૨ના દિવસે અનિતાનો જન્મ થયો. ૧૯૪૩માં બર્લિનથી ટોકિયો જવાની રણનીતિ નક્કી થઈ હતી એટલે ૮ ફેબ્રુઆરી ૧૯૪૩ના કીલ બંદરગાહેથી સબમરીનમાં અનિશ્ચિત ભવિષ્યની ગઠરિયાં બાંધીને બોઝ નિકળી પડ્યા, બર્લિનમાં જ એમિલીને કહ્યુ,ં ‘અલવિદા!’
છાવણીમાં ચંદ્ર બોઝે યુદ્ધકાલિન પત્રો ફંફોસ્યા. એ તો માત્ર હૃદયના ફલક પર જ અંકિત હતા. અહીં રશિયાથી યે પત્રો લખવાની ક્યાં છૂટ હતી?
(ક્રમશઃ)


comments powered by Disqus