‘વિરાટ’ નેતૃત્વમાં સફળતાના પંથે ટીમ ઇંડિયા

Tuesday 14th February 2017 14:12 EST
 

ટીમ ઇંડિયાએ હૈદરાબાદમાં બાંગ્લાદેશને એકમાત્ર ટેસ્ટમાં ૨૦૮ રને હરાવીને ઇતિહાસ સર્જ્યો છે. ભારતે ટેસ્ટ ક્રિકેટના ૮૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સતત છ ટેસ્ટ શ્રેણી જીતવાનું બહુમાન મેળવ્યું છે. આ સિલસિલો ઓગસ્ટ ૨૦૧૫માં શ્રીલંકા સામેના શ્રેણી વિજય સાથે શરૂ થયો. પછી સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝિલેન્ડ, ઈંગ્લેન્ડ અને હવે બાંગ્લાદેશ. આ સિદ્ધિનો યશ જાય છે ‘વિરાટ’ કેપ્ટન કોહલીને. ભારતે આ તમામ ટેસ્ટ શ્રેણી તેના સબળ નેતૃત્વમાં જીતી છે. આ સાથે જ કોહલીએ વ્યક્તિગત સિમાચિહનો પણ અંકિત કર્યા છે. કેપ્ટન તરીકે તે સળંગ ૧૯ ટેસ્ટમાં અપરાજિત છે. તો સાથોસાથ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધારે - આઠ શ્રેણી જીતવાની સિદ્ધિ મેળવીને ભારતનો નંબર વન કેપ્ટન પણ બન્યો છે. અત્યાર સુધી આ રેકોર્ડ ધોનીના નામે હતો. તેણે જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૧૩ સુધીમાં સતત સાત શ્રેણી જીતી હતી.
કોહલી અત્યારે ફૂલ ફોર્મમાં છે અને તે જે ઝડપે એક પછી એક વિક્રમો સર્જી રહ્યો છે તે જોતાં ચાહકો તેનામાં ભાવિ સચિન તેન્ડુલકરની ઝલક નિહાળી રહ્યા છે. વિરાટે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ૨૦૪ રન ફટકારીને નવો, પણ વિરલ રેકોર્ડ કર્યો છે. સળંગ ત્રણ ટેસ્ટ શ્રેણીમાં ડબલ સેન્ચુરી ફટકારનારા બે બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેન અને રાહુલ દ્રવિડના રેકોર્ડને વિરાટે આંખના પલકારામાં તોડી નાંખ્યો છે. વાસ્તવમાં, આ એક જ રેકોર્ડ તેણે તોડ્યો નથી, પણ બીજા બે-ત્રણ વિક્રમો પણ તોડ્યા છે. ૨૩ ટેસ્ટની કારકિર્દીમાં કેપ્ટન તરીકે ચાર બેવડી સદી ફટકારનારો વિરાટ દુનિયાનો એકમાત્ર કેપ્ટન અને બેટ્સમેન છે. સળંગ ચાર સિરિઝમાં ચાર બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ કરનાર વિરાટના નામે ભારતીય ક્રિકેટમાં પણ એક વિક્રમ નોંધાયો છે. ભારતીય કેપ્ટન તરીકે ધોની, સચીન તેંડુલકર, સુનિલ ગાવસ્કર અને મનસૂર અલી ખાન પટૌડી એક-એક બેવડી સદી ફટકારી ચૂક્યા છે, જ્યારે વિરાટે ચાર વેંત ચઢે તેવો વિક્રમ કર્યો છે.
એકાદ વર્ષ પહેલાંની જ વાત છે. ક્રિકેટ ચાહકોથી માંડીને દિગ્ગજ ક્રિકેટરો કોહલીને વન-ડે ક્રિકેટનો ખેલાડી માનતા હતા. ટેસ્ટ ક્રિકેટ પણ તે રમતો હતો, પરંતુ તેના બેટમાંથી વન-ડે ક્રિકેટ જેવો ધોધ વહેતો નહોતો. તેના નામે એકેય બેવડી સદી નહોતી. જોકે તેણે થોડાક જ મહિનામાં બધું સાટું વાળી દીધું છે. તેની આ ચારેય ડબલ સેન્ચ્યુરી જુલાઈ-૨૦૧૬થી નોંધાયેલી છે. મતલબ કે છેલ્લા આઠ મહિનામાં જ તેણે આ રેકોર્ડ કર્યો છે. જુલાઈમાં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ૨૦૦ રન ફટકાર્યા, પછી ઇન્દોરમાં ન્યૂઝિલેન્ડ સામે ૨૧૧, મુંબઇમાં ઈંગ્લેન્ડ સામે ૨૩૫ અને હવે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે ૨૦૪ રન! આ સાથે જ કોહલીએ વિરેન્દ્ર સહેવાગના હોમ સીઝનમાં સૌથી વધુ ૧૧૦૫ રન કરવાનો વિક્રમ પણ તોડ્યો છે. સહેવાગે ૨૦૦૪-૦૫માં ૧૧૦૫ રન બનાવીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કોહલીએ આ સિઝનમાં ૧૧૬૮ રન ફટકારી સહેવાગથી આગળી નીકળી ગયો છે.
કોહલીના બેટમાંથી રનનો ધોધ વહેવાનો શરૂ થયા પછી દુનિયાના કોઇ પણ બોલર માટે તેને રોકવો મુશ્કેલ થઇ જાય છે. આથી જ પ્રતિસ્પર્ધી ટીમના કેપ્ટનનું એક જ લક્ષ્ય હોય છે વિરાટની વિકેટ. તેઓ જાણે છે કે વિરાટને જેટલો ઝડપથી આઉટ કરાશે તેટલો જ સ્કોર નીચો રહેશે. તેના ‘રનવિસ્ફોટ’થી ડરીને જ તેઓ વિરાટને છંછેડવાનું ટાળે છે. સ્લેજિંગ કરીને પ્રતિસ્પર્ધી ટીમનું મનોબળ તોડવા માટે ‘જાણીતી’ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે પહોંચી છે ત્યારે ભૂતપૂર્વ કેપ્ટન સ્મિથે કરેલી ટિપ્પણી બહુ સૂચક છે. તેણે એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયન ટીમને ચેતવતા કહ્યું છે કે ‘(આડાઅવળાં) નિવેદનો કરીને વિરાટને છંછેડવાનું વલણ ટાળજો, નહીં તો તે ભારે પડી જશે.’ પ્રતિસ્પર્ધી ટીમનો આ ડર જ કોહલીની એક ખેલાડી તરીકેની વિરાટની પ્રતિભા દર્શાવે છે.


comments powered by Disqus