• બ્રેક્ઝિટથી નેટ માઈગ્રેશનમાં નજીવો ઘટાડો

Wednesday 15th February 2017 07:45 EST
 

બ્રેક્ઝિટ પછી યુકેની સરહદો પર અંકુશ મેળવવાના થેરેસા મેનાં પ્રયાસો થકી ઈયુમાંથી ૫૦,૦૦૦ જેટલું જ વાર્ષિક માઈગ્રેશન ઘટશે તેમ થિન્કટેન્ક ગ્લોબલ ફ્યુચરનો રિપોર્ટ જણાવે છે. જૂન ૨૦૧૬ સુધીના સત્તાવાર અંદાજ મુજબ વાર્ષિક નેટ ઈમિગ્રેશન ૩૩૫,૦૦૦ હતું, જે વાર્ષિક ૧૫ ટકાના ઘટાડા સાથે ૨૮૫,૦૦૦થી ઓછું નહિ થાય. બિન-ઈયુ દેશો સાથે ભાવિ મુક્ત વેપાર સમજૂતીઓને ધ્યાનમાં લઈએ તો આટલો ઘટાડો પણ ધોવાઈ જશે. સરકારે હજુ સુધી બ્રેક્ઝિટથી માઈગ્રેશનમાં કાપના પોતાના અંદાજ જોહેર કર્યા નથી. ઈયુ માઈગ્રન્ટ્સના ૨૨ ટકા પ્રોફેશનલ નોકરીઓમાં, ૨૨ ટકા કુશળ ધંધાઓમાં અને ૫૬ ટકા બિનકુશળ કાર્યમાં સંકળાયેલા છે.

• રોચડેલ અપરાધીઓને પાકિસ્તાન ડીપોર્ટ કરાશે

રોચડેલ ગ્રૂમિંગ ગેંગના ચાર અપરાધીને પાકિસ્તાન દેશનિકાલ કરાવાની શક્યતા વધી છે. ઈમિગ્રેશન જજીસે યૌનશોષણ અને બળાત્કાર સહિતના આરોપી શબીર અહમદ, આદિલ ખાન, અબ્દુલ રઉફ અને અબ્દુલ અઝીઝની બ્રિટિશ નાગરિકતા રદ કરવા સામેની અપીલ ફગાવી દીધી હતી. આ લોકો બેવડી નાગરિકતા ધરાવે છે. શબીર અહમદને ૨૦૧૨માં જ ૨૨ વર્ષની સજા કરાઈ છે અને તે જેલમાં છે, જ્યારે આદિલ ખાન, રઉફ અને અઝીઝને લાયસન્સ પર મુક્ત કરાયા છે. આ બધાની સજાનો સમય પૂર્ણ થયા પછી જ તેમને દેશનિકાલ કરવાની કાર્યવાહી આરંભી શકાશે.

• દુનિયાની સૌથી જૂની ઈમોજી મળી

વિજ્ઞાનીઓએ દુનિયાની સૌથી જૂની ઈમોજી શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. સ્લોવાકિયામાં ૧૬૩૫ના મ્યુનિસિપલ કાયકાદીય દસ્તાવેજમાં સ્મિત આપતો ચહેરો દોરાયેલો છે. સ્લોવાકિયાના સ્ટ્રજોવ માઉન્ટેન પાસેના ગામમાં એક વકીલે ડોક્યુમેન્ટ રિવ્યૂ કરતી વખતે પોતાના હસ્તાક્ષરની સાથે વર્તુળ બનાવીને તેમાં બે ડોટ અને એક નાની રેખા દોરી હતી, જે આજકાલ ઉપયોગમાં લેવાતી ઈમોજી જેવી આકૃતિ છે. આ અગાઉ સૌથી જૂનો સ્માઈલી ફેસ ઈંગ્લેન્ડમાં રોબર્ટ હેરિકની ૧૬૪૮ની એક કવિતા ‘ટુ ફોર્ચ્યુન’માં મળે છે. હવે આ નવી ઈમોજી તેનાથી પણ ૧૩ વર્ષ જૂની છે.

• બ્રિટિશ મહિલાએ ટ્યુમરને ‘ડોનાલ્ડ’ નામ આપ્યું

બ્રિટનની કેન્સરપીડિત યુવતી એલિસ સ્ટેપલેટને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવતા પોતાના ટ્યુમરને ‘ડોનાલ્ડ’ નામ આપ્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ડોક્ટરોએ ૨૪ વર્ષીય એલિસને તે હોડગ્કિન લિમ્ફોમથી પીડિત હોવાનું કહ્યું હતું. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે એલિસે કહ્યું હતું કે તેણે ગાંઠનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવા નિર્ણય કર્યો છે. તે એક કદરૂપા અને બેકાર માણસ છે, જે માત્ર એક જ વાતમાં સારા છે જેમકે લોકોને કષ્ટ આપવા. કિમોથેરાપીના કારણે તેનાં વાળ ખરી ગયા છે, જેનાથી શરમાવાના બદલે તેણે લોકોને પ્રેરિત કરવાં બ્લોગ લખવાનો નિર્ણય કર્યો હતો.

• જેગુઆર પ્લાન્ટમાંથી કિમતી એન્જિનની ચોરી

સોલિહલસ્થિત જેગુઆર લેન્ડ રોવર કાર પ્લાન્ટમાંથી ચોરો ૩.૭ મિલિયન ડોલરના મશીન ચોરી ગયા હતા. ચોરોએ મશીન ચોરવા મોટી રિગનો ઉપયોગ કરીને સુરક્ષા કર્મચારીઓને ગંધ સુદ્ધાં ના આવે એ રીતે બે ટ્રિપમાં ચોરી કરી હતી. જોકે, કંપનીએ ચોરીની આ રીતને સમર્થન આપ્યું નથી. જેગુઆર લેન્ડ રોવરે ચોરી સંબંધિત માહિતી માટે ઇનામની પણ જાહેરાત કરી છે.


    comments powered by Disqus