લંડનઃ કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ જ્યારે ચાલતાં ચાલતાં પડી જાય છે ત્યારે તેમની તંદુરસ્તી અને શરીર માટે તે જીવલેણ પુરવાર થઈ શકે છે. જોકે હવે તમે તમારા ઘરમાં મોનિટરિંગ સિસ્ટમ ગોઠવી શકો તેવાં હોમસેન્સર્સ આવી ગયાં છે જે કોઈ પણ વ્યક્તિ પડવાની હોય તેનાં ૩ અઠવાડિયાં પહેલાં તેની આગાહી કરે છે. આ વાત આમ તો વિજ્ઞાનની કથાવાર્તા જેવી લાગે છે પણ ઇન્ફ્રારેડ મોનિટર્સ કોઈ વૃદ્ધ વ્યક્તિનું પડવાનું જોખમ છે કે કેમ તેની અગાઉથી જાણ કરે છે.
સંભવિત અકસ્માતથી સાવધાન
આ સેન્સર્સ મોનિટરિંગ સિસ્ટમમાં રહેલાં સેન્સર્સ દરેક રૂમમાં વ્યક્તિની ચહલપહલ પર દેખરેખ રાખે છે અને તેઓ પડી જાય કે તેમની સાથે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તેનાથી સાવચેત કરે છે અને ડોક્ટરોની સલાહ અને માર્ગદર્શન મેળવી શકાય છે. વૃદ્ધ વ્યક્તિને અગાઉથી જાણ થવાથી તેઓ સંભવિત અકસ્માતને નિવારી શકે છે. આમ તેમનાં આયુષ્યમાં સરેરાશ અઢી વર્ષનો વધારો થઈ શકે છે. આ ઉપરાંત તેમના મેડિકલ ખર્ચમાં બચત કરી શકાય છે.
ઝડપ અને પગલાં પરથી અનુમાન
આ સાધન વૃદ્ધ વ્યક્તિની ચાલવાની ઝડપ તેમજ તેનાં પગલાંની લંબાઈ નોંધતું રહે છે અને તેના પરથી તેમની ભવિષ્યમાં પડવાની સંભાવના છે કે કેમ તેમજ તેમને અકસ્માત થશે કે કેમ તેની આગાહી કરે છે. વ્યક્તિની ચાલમાં કે શરીરમાં થતાં અન્ય નાના નાના ફેરફારોને ધ્યાનમાં લઈને તેમને થનારા અકસ્માતની આગાહી કરાય છે. આ સિસ્ટમમાં દીવાલમાં મૂવમેન્ટ સિસ્ટમ ફિટ કરવામાં આવે છે, જે વૃદ્ધ વ્યક્તિનાં શરીરમાં સહેજ પણ ફેરફાર થાય એટલે આપોઆપ ટેક્સ્ટ મેસેજ દ્વારા કે ઈમેલ દ્વારા તેને સાવધાન કરે છે. આ સેન્સર્સમાં ઇન્ફ્રારેડ લાઇટનો ઉપયોગ કરાયેલો છે. જે મોશન સેન્સર ડિટેક્ટર્સની જેમ કામ કરે છે, જે એક્સબોક્સ જેવી વીડિયો ગેમ્સમાં ઉપયોગમાં લેવાય છે.
ઝડપ ઘટે એટલે અંદાજ મળે
કોઈ વૃદ્ધ વ્યક્તિની ચાલવાની સ્પીડમાં ઘટાડો થાય એટલે તેમના પડવાના ચાન્સિસ ચાર ગણા વધી જાય છે. જો ચાલવાની સ્પીડમાં સેકન્ડદીઠ ૫.૧ સે.મી.નો ઘટાડો થાય તો ત્રણ અઠવાડિયામાં તેની પડવાની શક્યતા ૮૬ ટકા વધી જાય છે. જો પગલાં ભરવાની લંબાઈ ૭.૬ સે.મી. ઘટે તો તેની પડવાની શક્યતા ૫૧ ટકા વધે છે.
યુકેમાં દર ત્રણમાંથી એક પેન્શનર્સ એક વર્ષમાં ઓછામાં ઓછા એક વખત પડી શકે છે, જેને પરિણામે તેમના થાપાની તૂટવાની શક્યતા વધે છે અને તેઓનો સારવારનો સરેરાશ ખર્ચ વર્ષે ૨.૩૬ બિલિયન ડોલર થાય છે. આ સિસ્ટમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હોય તેમનાં આયુષ્યમાં અઢી વર્ષનો વધારો થાય છે.

