નવી દિલ્હીઃ મિની લોકસભા ચૂંટણીઓ તરીકે ઓળખાવાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. આજે જાહેર થઇ રહેલા પરિણામો દર્શાવે છે કે ભાજપ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે-તૃતિયાંશ બહુમતી સાથે સરકાર રચશે. જ્યારે ગોવા અને મણિપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. બન્ને લગભગ સમાંતર ચાલી રહ્યા છે. પાંચ રાજ્યોમાંથી એક માત્ર પંજાબમાં કોંગ્રેસ સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે.
શનિવાર સવારે મતગણતરી શરૂ થયાના થોડાક જ સમયમાં જ ટ્રેન્ડ સ્પષ્ટ થઇ ગયો હતો કે ભાજપ ઉત્તર પ્રદેશમાં જંગી બહુમતી સાથે આગેકૂચ કરી રહ્યો છે. આ સાથે જ પક્ષના દિલ્હી સ્થિત વડા મથક ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ભાજપના કાર્યકરો દ્વારા હોળી-ધૂળેટી પૂર્વે જ અબિલ-ગુલાલની છોળો સાથે ઉજવણી શરૂ થઇ ગઇ હતી. ભાજપ ૧૯૯૧ બાદ પ્રથમ વખત રાજ્યમાં પોતાના જોરે સરકાર રચશે. ૪૦૩ બેઠકો ધરાવતા દેશના સૌથી મોટા રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે વિજય આપવા બદલ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશના મતદારોનો આભાર માન્યો છે.
ગુરુવારે સાંજે જાહેર થયેલા એક્ઝિટ પોલના તારણોમાં એવો નિષ્કર્ષ રજૂ થયો હતો કે ઉત્તર પ્રદેશમાં મતદારો ત્રિશંકુ ચુકાદો આપશે. ત્રણેય મુખ્ય પ્રતિસ્પર્ધીઓ ભાજપ, સમાજવાદી પાર્ટી (સપા) - કોંગ્રેસ યુતિ અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા)ને રાજ્યમાં વધતા-ઓછા અંશે સરખી બેઠકો મેળવશે. આ તારણોને આધારે ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ-બસપાની યુતિ સરકાર રચાય શકે છે તેવી શક્યતાઓ પણ વહેતી થઇ હતી. જોકે આ તારણોથી વિપરિત, ઉત્તર પ્રદેશમાં પ્રજાએ ભાજપની તરફેણમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે.
આ જ પ્રકારે પંજાબમાં અરવિંદ કેજરીવાલની ‘આપ’ સરકાર રચશે તેવું તારણ રજૂ થયું હતું. જોકે પંજાબમાં આ નિષ્કર્ષથી વિપરિત રાજ્યમાં કોંગ્રેસની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે રચાઇ રહી છે.
ઉત્તર પ્રદેશ
ભારતના સૌથી મોટા રાજ્યનું બહુમાન ધરાવતા ઉત્તર પ્રદેશમાં ૪૦૩ બેઠકો માટે મતદાન યોજાયું હતું. સાત તબક્કામાં યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે લઘુમતી મતો વહેંચાઇ જતા અટકાવવા તથા ભાજપને ટક્કર આપવા સાથે મળીને ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું. જોકે આ યુતિમાં કોઇને લાભ થયો નથી. રાજકીય વિશ્લેષકોના મતે આ યુતિથી સમાજવાદી પાર્ટીને નુકસાન થયું છે. મતદાન પૂર્વે ત્રીજી મહત્ત્વની પ્રતિસ્પર્ધી ગણાતી બસપાનો તો લગભગ સફાયો થઇ ગયો છે. માયાવતીના નેતૃત્વ હેઠળની બસપા ૨૦થી વધુ બેઠકો જીતી શકે તેવી સંભાવના નથી.
પંજાબ
સતત બે ટર્મથી રાજ્યની શાસનધૂરા સંભાળી રહેલી શિરોમણી અકાલી દળ (એસએડી) અને ભાજપની યુતિ સરકારને સત્તા ગુમાવવી પડી છે. રાજ્યમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા તરીકે ઉભરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમજ એક્ઝિટ પોલના તારણોમાં પણ એવા સંકેત હતા કે રાજ્યમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે હશે, જ્યારે શાસક યુતિ ગણતરીની બેઠકો પર સમેટાઇ જશે. જોકે થયું છે આનાથી ઉલ્ટું. રાજ્યમાં કેજરીવાલની ‘આપ’ બીજા નંબરે રહી છે. એસએડી-ભાજપ યુતિ અપેક્ષા અનુસાર ત્રીજા સ્થાને રહી છે. અલબત્ત, પૂર્વધારણાથી ઉલ્ટું તેનો ૧૮ બેઠકો જીતી છે.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં હરીશ રાવતના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને લોકોએ જાકારો આપ્યો છે. ૭૦ બેઠકોનું વિધાનસભા ગૃહ ધરાવતા રાજ્યમાં ભાજપે ૫૫ બેઠકો સાથે બે-તૃતિયાંશ બહુમતી મેળવી છે. કોંગ્રેસને માત્ર ૧૧ બેઠકો મળી છે. જ્યારે ત્રીજી મુખ્ય પ્રતિસ્પર્ધી બસપા તો સમ ખાવા પૂરતી પણ બેઠક જીતી શકી નથી.
ગોવા
કુલ ૪૦ બેઠકો ધરાવતા ગોવામાં શાસક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલે છે. પરિણામો જાહેર થઇ રહ્યા છે તેમ તેમ બન્ને એક બેઠક આગળ વધી રહ્યા છે. રાજ્યમાં ભાજપે ૧૨ બેઠકો તો કોંગ્રેસે ૧૫ બેઠકો જીતી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સાંજના છ વાગ્યે હજુ ત્રણ બેઠકોના પરિણામ જાહેર થવાના બાકી છે. રાજ્યમાં અન્ય પક્ષોના ૧૦ ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જે પ્રકારે ગોવાની પ્રજાએ ચુકાદો આપ્યો છે તે જોતાં લાગે છે કે રાજ્યમાં સરકારની રચનામાં આ અન્ય ઉમેદવારો નિર્ણાયક ભૂમિકા ભજવશે.
મણિપુર
રાજ્યમાં કોંગ્રેસની સરકાર બચી જાય તેવી શક્યતા છે. ૬૦ બેઠકોના ગૃહમાં સાદી બહુમતી માટે ૩૧ બેઠકો પર વિજય મેળવવો જરૂરી છે, પરંતુ કોંગ્રેસે ૨૫ બેઠકો જ મેળવી છે. તો ભાજપ ૨૦ બેઠકો પર વિજેતા થયો છે. મણિપુરમાં પણ અન્ય ઉમેદવારો ૧૦ બેઠકો લઇ ગયા છે. આ વિજેતા ઉમેદવારો રાજ્યમાં કોની સરકાર રચાશે તે નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું વિશ્લેષકોનું માનવું છે.

