આ સવાલ પણ ઉત્તર પ્રદેશના પરિણામોની આડ પેદાશ છે! જો ઉત્તર પ્રદેશમાં ભાજપ ફત્તેહ મેળવે તો ગુજરાતમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં સમયસર થનારી વિધાનસભા ચૂંટણી વહેલા કરવી એવો એક અભિપ્રાય અને અનુમાન હજુ સુધી ચાલુ છે!
કોંગ્રેસે તો તેના સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી છે એમ કહેવાયું છે. ભાજપની તૈયારી સરકાર અને સંગઠન મોરચે શરૂ થઇ ગઈ એટલે આ અટકળને વેગ મળ્યો કે ચૂંટણી મે-જૂનમાં આવશે. ચૂંટણી પંચે પોતાની તૈયારી કરી રાખી છે અને ગમેત્યારે ચૂંટણી આવે તેને માટે તૈયાર હોવાનું પંચના વડા શ્રી સ્વેને કહ્યું છે. ટીવી અને અખબારોમાં આ ચર્ચા ગાજતી રહી છે. અમિત શાહ અમદાવાદ આવે કે વિજય રૂપાણી જૂનાગઢમાં સ્વર્ગસ્થ નેતા સૂર્યકાંત આચાર્યના સ્મરણ ગ્રંથના વિમોચનમાં ના જાય કે તુર્ત સમાચારના ઝબકારા શરૂ થઇ જાય છે કે વહેલા ચૂંટણી આવી રહી છે!
છેવટનો નિર્ણય વડા પ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખ ભલે લેતા હોય, પણ તેમણે ય તેલ જૂઓ તેલની ધાર જૂઓની પુખ્ત વ્યૂહરચના માટે ગુજરાતના તમામ પાસાં તપાસવાના આવે. હવેની ચૂંટણી કઈ નાનકડો ખેલ રહી નથી. એ દૃષ્ટિએ ડહાપણનું કામ પૂરી મુદત સુધી વધુને વધુ પ્રજાકીય કામો કરવા અને પક્ષ એકજુટ રહીને આગળ વધે એ વ્યૂહરચના બરાબર રહે. મુખ્ય પ્રધાને તો કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાનો કોઈ પ્રશ્ન જ નથી. છતાં આ મુદ્દો વારંવાર ચમકતો રહે છે.
ઉત્તર ભારતમાં ગુજરાત...
ચૂંટણીના જે પરિણામો આવ્યા તેણે ખ્યાત સ્તંભલેખક અને રાજકીય સમીક્ષક તવલીન સિંહના શબ્દોમાં ‘પોલીટીકલ પંડિતો’ના ચહેરા શ્યામ બનાવી દીધા છે. બધા એક સાથે આ ચૂંટણીને બિનસાંપ્રદાયિકતા, જાતિવાદ અને બાબરીની સાથે જોડીને જ ચર્ચા કરતા હતા અને એ જ જૂની ફૂટ પટ્ટીથી મૂલ્યાંકન કરતા હતા. તેમાં નોટબંધીથી પ્રજાને પડેલી મહામુશ્કેલીની મીમાંસા કરીને જણાવતા હતા કે ઉત્તર પ્રદેશ સહિતની ચૂંટણીમાં નાગરિકો જવાબ માગશે. પણ આનાથી વિપરીત થયું.
અંક્લેસરિયા જેવા સમીક્ષકે તો પરિણામ પહેલા પ્રવાસ કરીને કબૂલ્યું કે હું પણ નહોતો માનતો છતાં જીત તો ભાજપની થશે. એનડીટીવી જેવી ભાજપ અને મોદી-વિરોધી ચેનલે કરેલા સર્વેક્ષણમાં પણ આવું કહેવાતું. પણ જેમ અમિત શાહે કબૂલ્યું છે તેમ પ્રજા તમામ નાત-જાત- કોમ-સંપ્રદાયને ભૂલીને આટલા મોટા પાયે જીતાડશે એવું તો અમે પણ માનતા નહોતા. હા, ઉત્તર પ્રદેશ ભાજપને સત્તા તરફ લઇ જશે એવી ખાતરી જરૂર હતી.
આવો પાક્કો વિશ્વાસ હોવાનું મૂળ કારણ એ રહ્યું કે નરેન્દ્ર મોદી-અમિત શાહની જુગલબંધીએ સમગ્ર પક્ષને ‘જીદ અને ઝનૂન’ સાથે મેદાનમાં ઉતારવાની પ્રેરણા આપી હતી. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્યાપક નેટવર્ક અને સંઘ પરિવારના વિશ્વ હિંદુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, મઝદૂર સંઘ સહિતના પરિવારોનો સક્રિય સહયોગ મળ્યો. ભાજપને હવે સત્તા અને પ્રભાવ ગુમાવવા પોસાય તેમ નથી કેમ કે તમામ રાજકીય પક્ષો - ડાબેરીઓ અને ભાજપને માત્ર કોમવાદી અને કટ્ટર માનતા પ્રગતિશીલ ગણાતા બૌદ્ધિકો ભાજપને એટલા જ ઝનૂનપૂર્વક શક્તિહીન બનાવવા માંગે છે. આમ કરવા માટે આતંકવાદીઓ અને અલગાવવાદીઓની સાથે હાથ મેળવવા તૈયાર છે. જેએનયુના કેટલાક અધ્યાપકો અને છાત્રો ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા નીકળી પડ્યા હતા. પંજાબમાં ‘આપ’ અને અરવિંદ કેજરીવાલે કેનેડાથી ખાલિસ્તાનતરફી પરિબળોને સાથે લીધા એટલે સ્થાનિક મતદારો ચેતી ગયા. કેજરીવાલને પંજાબ સર કરવું હતું તેની ગણતરી લોકોએ ઉંધી વાળી દીધી.
ઉત્તર પ્રદેશમાં આ વખતે વિકાસ માટેની આશા અને શ્રદ્ધા કામ કરી ગઈ. નરેન્દ્ર મોદી દેશ માટે સારું કામ કરી રહ્યા છે અને કરશે એવું વાતાવરણ પેદા થયું. સામે સપામાં પારિવારિક વિખવાદ અને ભાગલાએ સ્પષ્ટ કરી આપ્યું કે હવે તેને શાસન સોંપી શકાય નહીં. બસપાનો અનુભવ લોકોને ઠીક લાગ્યો નહોતો. અને મુસ્લિમ મહિલાઓએ તો સ્પષ્ટ માની લીધું કે ત્રિપલ તલાકના મામલે બાકી પક્ષો સેકયુલરિઝમના નામે મુસ્લિમ મહિલાઓને અન્યાય કરવામાં પાછળ રહેતા નથી.
બસપામાં આંતરિક ઉદ્વેગ હતો કે કાંશીરામ અને માયાવતીએ દલિતોના નામે સત્તા હાંસલ કરી અને હવે હાથમાંથી બધું સરકી રહ્યું છે તેવા કારણે બ્રાહ્મણ સહિત બીજા નેતાઓ અને કોમને રાજી કરવામાં લાગ્યા છે. કોંગ્રેસ તો ભાંગેલું વહાણ છે તેને બચાવવાનો ઠેકો માત્ર ગાંધી પરિવારને હોય તેવી રીતે પ્રચારમાં રાહુલ પ્રિયંકાને રજૂ કરતા હતા.
ભાજપે પોતાની વાત તો એકદમ સીધી રીતે મૂકી કે અમે તો સબ કા વિકાસમાં માનીએ છીએ. આ પ્રચારની અસર થઇ. દેવબંદ તો મુસલમાનોનો મતવિસ્તાર છે ત્યાં પણ ભાજપનો ઉમેદવાર જીત્યો એટલે સોશિયલ મીડિયા પર એક કટાક્ષ આવ્યો કે ‘રેશમા બીબી અબ્દુલ કો બીના બતાયે ભાજપ કો વોટ દેને ગઈ...’
એક ત્રીજી મહત્વની બાબત એ રહી કે ભાજપે આ વખતે પૂરા ઝનૂન અને જીદ સાથે નક્કી કરી લીધું હતું કે ઉત્તર પ્રદેશમાં જીત મેળવવી જ છે. ઉત્તર પ્રદેશ આમેય પૂરોગામી જનસંઘ સમયથી મુખ્ય કર્મભૂમિ રહ્યો છે. અટલ બિહારી વાજપેયી લખનૌથી જીત્યા હતા. ઉત્તર પ્રદેશમાં કલ્યાણ સિંહ સહિતના ભાજપ નેતાઓ મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૪ વર્ષ પૂર્વે ભાજપ સત્તાસ્થાને હતા. જોકે ઉત્તર પ્રદેશ દેશને વડા પ્રધાન આપે છે એ રાજકીય તથ્ય અનેક વાર સાબિત થયું છે તેમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેના ઉદાહરણો છે. જવાહરલાલ, લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશમાંથી વડા પ્રધાન બન્યા અને વારાણસીથી ચૂંટાઈ આવીને નરેન્દ્ર ભાઈ મોદીએ તે પરંપરા જાળવી. પણ આ જ રાજ્યમાં ભાજપની સરકાર ના હોય તે કેવું? આ સવાલનો જવાબ આપવા માટે આ વખતે ભાજપની જુગલ જોડી સક્રિય થઇ તે નરેન્દ્રભાઈ અને અમિત શાહ. આ પહેલા પ્રથમ વાર કેન્દ્રમાં સત્તાપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરનાર અટલજી- અડવાણીની ભેરુબંધી કામ લાગી હતી.
ગુજરાતમાંથી ઘણા કાર્યકર્તાઓ ઉત્તર પ્રદેશમાં જુદી જુદી જગ્યાએ ડેરો નાખીને કામ કર્યું એ ગુજરાતનું ઉત્તર પ્રદેશ કનેક્શન હતું. હવે આ પરિણામો દેશની રાજકીય અને સંસ્કૃતિક તસ્વીરનો નકશો બદલશે.
સાહિત્ય - સંસ્કૃતિ - સત્તા વચ્ચેના પરસ્પર વિનિયોગનું પ્રતિક
આમ ગણો તો રાષ્ટ્રીય સ્તરના સન્માન પણ કોઈ એક વર્ગ કે સમુદાય માટે વધુ હર્ષનો અનુભવ રહે છે, પરંતુ ૨૦૧૭ના પદ્મ પુરસ્કારોનો એહસાસ થોડો જુદો રહ્યો. અત્યાર સુધી નિરંતર જે પ્રતિભાવ મળતા રહ્યા છે અને જેમાં હજુ ઉમેરો થતો આવ્યો છે તેની પાછળ ગુજરાત અને ગુજરાતીપણાનો રણકો અનુભવાયો તેની વાત કરવી છે.
૨૫ જાન્યુઆરીની બપોરે અમદાવાદથી આણંદ જઇ રહ્યો હતો. તેનું નિમિત્ત રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની આ વર્ષની ઉજવણી આણંદમાં રાખી હતી તેની પૂર્વસંધ્યાએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘આણંદની અસ્મિતા’નું આયોજન હતું. ૨૦૦૫થી તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કાર્યક્રમો - સ્વાતંત્ર્ય દિવસ, પ્રજાસત્તાક દિવસ અને ગુજરાત સ્થાપના દિન - ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રાજ્યસ્તર સ્વરૂપે ઉજવવાનું નક્કી કર્યું અને સાંસ્કૃતિક ઉત્સવ સ્થાનિક ઈતિહાસ સાથે જોડવાનો વિચાર મૂક્યો. તે મુજબ લગભગ ૩૫ સ્થાનોએ આવી પ્રસ્તુતિ કલાકારોએ કરી તેની પટકથા મારી રહી. અત્યાર સુધીમાં ૧૫-૨૦ લાખ લોકો સુધી ગૌરવભર્યો ઈતિહાસ નાટ્ય, નૃત્ય, ગીત, સંગીત, દૃશ્યાવલિ સ્વરૂપે વ્યક્ત થયો તેના સંધાન સ્વરૂપે આ વખતે આણંદનો વારો હતો. તેમાં જવા માટે નીકળ્યો અને વચ્ચે સફર દરમિયાન એક ફોન આવ્યો. દિલ્હીના એક ઉપસચિવે ખબર આપી કે તમને પદ્મશ્રી સમ્માન આપવાનું નકી થયું છે. સાંજે આણંદ પહોંચ્યો ત્યારે ૧૦ હજાર દર્શકોની વચ્ચે રાજ્યપાલ શ્રી કોહલીજી અને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ અભિનંદન આપીને આ સન્માનને ગુજરાતનું ગૌરવ ગણાવ્યું.
બસ, ત્યારથી આ સિલસિલો શરૂ થયો છે. આદરણીય મોરારીબાપુએ તેમના કથાસ્થાનેથી ફોન કર્યો, તો છેક કન્યાકુમારીથી સ્વામી વિવેકાનંદ શિલાસ્મારકના એક સંયોજક શ્રી અંગીરસે પણ હર્ષ વ્યક્ત કર્યો. વિવિધ યુનિવર્સિટીઓએ તેને અભિવાદનનું સ્વરૂપ આપ્યું. તેમાં ગાંધીનગર ટીચર્સ યુનિવર્સીટી અને ઉપકુલપતિ શશિરંજન યાદવ આગળ રહ્યા. ભાવનગર કૃષ્ણકુમાર યુનિવર્સિટીમાં કુલપતિ ડો. શૈલેશ પંડ્યાએ પદવીદાન સમારોહના દિક્ષાંત પ્રવચન માટે બોલાવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ તેમજ સમગ્ર યુનિવર્સિટી અને કુલપતિશ્રીએ અભિવાદન સમારોહ આયોજિત કર્યો તે ૧૬મીએ થશે. આ પછી કચ્છ યુનિવર્સિટી બોલાવી રહી છે. અમદાવાદની એનઆઈએમસીજે જેવી ખ્યાત પત્રકારિતા શિક્ષણ સંસ્થા અને તે જ રીતે વલ્લભ વિદ્યાનગર પત્રકારત્વ કોલેજે પણ સરસ સમારોહ કર્યા. અમદાવાદમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’ના સ્થાનિક કાર્યાલય તેમજ અધિપતિ સી.બી. પટેલે તો શરૂઆત કરી. તેનાથી વિદેશવાસી ગુજરાતીઓનો આનંદ અનુભવાયો. બ્રિટનની સમગ્ર ગુજરાતીઓની સંસ્થા એનસીજીઓ, વિશ્વ ગુજરાતી સમાજ, અમેરિકાથી ‘ગુજરાત ટાઈમ્સ’ના શ્રી પરીખ અને ગુજરાતના તંત્રી દિગંત સોમપુરા, એશિયા ટીવીના મુખ્ય અધિકારી ગાયત્રી જોશી, ગુજરાત યુનિવર્સિટીઓના વર્તમાન અને પૂર્વ કુલપતિઓ, મેગ્સેસે વિજેતા ઇલાબહેન ભટ્ટ, વિશ્વકોષના સંવાહક પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણી, પત્રકાર - તંત્રી મિત્રો અજય ઉમટ, એબીપીના બ્રિજેશ સિંહ, ‘જનસત્તા’ના તંત્રી તરુણ દત્તાણી, દિલ્હીના ખ્યાત પત્રકાર વિજય ત્રિવેદી... આ નામોની યાદી અધૂરી છે. ગુજરાત ન્યુઝ અને દૂરદર્શન તેમજ આકાશવાણીએ વિશેષ મુલાકાતો પ્રસારિત કરી.
એકંદરે બધેથી એક પ્રતિભાવ અવશ્ય વ્યક્ત થયો કે ગુજરાતી પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણને માટે આ ગૌરવની ઘટના છે. આ ત્રણે ક્ષેત્રોમાં ૫૦ વર્ષથી અવિરત કામ કરતો રહ્યો છું તેવું રાષ્ટ્રપતિના નામે થયેલી ઘોષણામાં ય આમ જણાવ્યું છે. હું આને સાહિત્ય, સંસ્કૃતિ, અને સત્તા વચ્ચેના પરસ્પર વિનિયોગનું પ્રતિક માનું છું. જો આ ત્રણે ક્ષેત્રો સંઘર્ષને બદલે સંવાદ અને સંવર્ધનનું વાતાવરણ રચે તો તે ભારતીય વૈચારિક દૃષ્ટિકોણની પ્રતિષ્ઠા ગણાશે.

