લંડનઃ ચ્યુંઇગમ, બ્રેડ કે પ્રોસેસ્ડ ફૂડ તમારાં આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. સંશોધકોનું કહેવું છે કે લાંબા સમય સુધી આવા પદાર્થો તમારા પેટમાં જતાં ઇન્ફેકશન થઈ શકે છે. વિવિધ તૈયાર સામગ્રીમાં ઈ-૧૭૧નાં સ્વરૂપમાં જેની હાજરી હોય છે તે ટિટેનિયમ ડાયોકસાઈડ કોષ-બંધારણનાં માળખાંને નુકસાન પહોંચાડે છે. તેના પગલે પેટમાં નુકસાનકારક બેકટેરિયા પહોંચે છે. એટલું જ નહીં, પરંતુ કેટલાક પોષક દ્રવ્યોનું પાચન થવાની કામગીરી પણ અટકી જતી હોય છે.
સંશોધકોએ નાનાં આંતરડાંનાં કોષ મોડેલને એક સમયનાં ભોજન દરમિયાન પેટમાં જતાં ટિટેનિયમ ઓકસાઈડના જથ્થા સાથે ચાર કલાક સુધી સંપર્કમાં રાખ્યા હતા. આ પછી કોષનાં એ જ મોડેલને ત્રણ સમયનાં ભોજનમાં પેટમાં જતાં ટિટેનિયમ ઓકસાઈડના જથ્થા સાથે પાંચ દિવસ સંપર્કમાં રાખીને આ પ્રયોગો કર્યા હતા.

