ટોરોન્ટોઃ આપણે સહુ માનીએ છીએ કે પીવાનું ચોખ્ખુ પાણી સ્વાસ્થય માટે સારું છે પણ નવાં સંશોધનો કહે છે કે આપણા આરોગ્યની સુરક્ષા માટે થોડી અશુદ્ધિ પણ જરૂરી છે. દરેકને માટે પીવાનું ચોખ્ખું પાણી એ દાયકાઓથી સ્વાસ્થ્યનું મુખ્ય ધ્યેય રહ્યું છે પણ એક અભ્યાસે આંચકો આપે તેવાં તારણો સાથે જણાવ્યું કે પીવાનું ચોખ્ખું પાણી ઘણા જીવલેણ રોગોની શક્યતા ઘટાડે છે. તો બીજી તરફ તે બાળપણથી અસ્થમાનાં જોખમમાં પણ વધારો કરે છે.
કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાના સંશોધકોના મતે અસ્થમાનાં જોખમ અને પર્યાવરણની શુદ્ધતા વચ્ચે સંબંધ હોઈ શકે છે. તારણો જણાવે છે કે અસ્થમાને અટકાવવામાં નાનાં જીવાણુઓની ભૂમિકા મહત્ત્વની છે. તો બીજી તરફ પિચિયા તરીકે ઓળખાતી સૂક્ષ્મ ફુગ કે યિસ્ટ અસ્થમા સાથે જોડાયેલી છે. તેથી અસ્થમાને રોકવાને બદલે પિચિયાની હાજરી બાળકોને શરૂઆતના દિવસોમાં અસ્થમાનાં જોખમમાં મૂકે છે.
પિચિયા નામની આ પ્રકારની ફૂગ બાળકોમાં અસ્થમાનું જોખમ ઊભું કરે છે એમ અભ્યાસના લેખક બ્રેટ ફિન્લેએ જણાવ્યું હતું. તેનાથી અમને ખૂબ નવાઈ લાગી હતી કારણ કે આપણે એવું માનીએ છીએ કે ચોખ્ખાઈ એ સારી વાત છે પણ હવે અમને સમજાયું છે કે સ્વાસ્થ્યનાં રક્ષણ માટે કેટલીક ગંદકી જરૂરી છે, એમ ફિન્લેએ ઉમેર્યું હતું. આ નવું સંશોધન આપણા સર્વાંગી આરોગ્યમાં સૂક્ષ્મ જીવાણુઓની ભૂમિકા અંગેની સમજણમાં વધારો કરે છે. ફિન્લે અને તેમના સાથીઓના અગાઉનાં સંશોધનોએ બાળકોનાં જીવનના શરૂઆતના ૧૦૦ દિવસોમાં અસ્થમાને અટકાવે તેવા ચાર પ્રકારના જીવાણુઓની ઓળખ કરી હતી.

