ફિલ્મ મેકર કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર તળે બનેલી ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’સાચા અર્થમાં રોમકોમ મૂવિ છે. ‘હમ્પ્ટી શર્માકી...’ના જ ડિરેક્ટર શશાંક ખેતાન આ ફિલ્મના રાઈટર - ડિરેક્ટર છે. ફિલ્મની માવજત એટલી કમાલની છે કે કોઈ ઇમોશનલ સીન આવે ને તમારી આંખમાંથી આંસુ ટપકે એ પહેલાં જ એક કોમિક ડાયલોગ કે સિચ્યુએશન મુકાઈ ગઈ હોય એટલે તમે આ ફિલ્મ જોતા હો ત્યારે રડતાં રડતાં હસી પડો અને હસતાં હસતાં રડી પણ પડો. સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે.
વાર્તા રે વાર્તા
દીકરો એટલે લોકર ખોલવાની ચાવી અને દીકરી એટલે સાપનો ભારો. આ એક જ વાક્યમાં આખી ફિલ્મની કહાની આમ તો વર્ણવી શકાય, પણ ફિલ્મનો મસાલો આખી ફિલ્મ જોવા પ્રેરે છે. ઝાંસીમાં રહેતા દસમી પાસ અને ઠાકુરશાહી પરિવારના પુત્ર બદ્રીનાથ બંસલ (વરુણ ધવન)ના લગ્ન માટે સુકન્યા શોધાઈ રહી છે. બદ્રીના રૂઢિચુસ્ત અને અતિધનાઢ્ય પિતા (ઋતુરાજ સિંહ) બદ્રી માટે એવી દુલ્હનિયાની શોધમાં છે કે જે ભણેલી ગણેલી, સંસ્કારી હોય અને તે માગ્યું દહેજ લઈને આવે, પણ લગ્ન પછી આર્થિક રીતે પગભર થવાની વાત ન કરે. આ બધા વચ્ચે બદ્રીની મુલાકાત તેના મિત્રના લગ્નમાં વૈદેહી ત્રિવેદી (આલિયા ભટ્ટ) સાથે થાય છે. વૈદેહી આર્થિક રીતે પગભર બનીને જીવનમાં પ્રોફેશનલી સફળ બનવા માગે છે, જોકે તેના સરકારી નોકરી કરતા પિતા (સ્વાનંદ કિરકિરે) વૈદેહી અને તેની મોટી બહેન કિરણના જલદી લગ્ન થાય એવું ઇચ્છે છે. બદ્રીને વૈદેહી ગમતાં ચુટકી શાદી ડોટ કોમ નામની મેરેજ મેચ મેકિંગ કંપની ચલાવતો બદ્રીનો મિત્ર સોમદેવ મિશ્રા (સાહિલ વૈદ) તિકડમ ચલાવીને વૈદેહીનો બાયોડેટા બંસલ પરિવારમાં પાસ કરાવે છે, પણ વૈદેહી બદ્રીને કહે છે કે કિરણના લગ્ન પછી તે વિચારશે ત્યાં સુધી બદ્રી તેનો દોસ્ત. બદ્રી કિરણ માટે યોગ્ય વરની શોધ કરીને વૈદેહીના દહેજની વ્યવસ્થા પણ કરે છે. ત્યાં સુધીમાં વૈદેહી બદ્રી સાથે લગ્ન માટે માની જાય છે. બંને બહેનોના એક જ મંડપમાં હોય છે ત્યારે વૈદેહી સપનાંને પૂરાં કરવા ઘર છોડી જાય છે ને પછી ફિલ્મમાં ટ્વિસ્ટ આવે છે.
સિચ્યુએશનલ ગીતો
ફિલ્મનું મ્યુઝિક અમાલ મલિક, તનિષ્ક બાગચી અને અખિલ સચદેવે આપ્યું છે. ટાઈટલ ટ્રેક, ‘રોકે ના રૂકે નૈના’ અને ‘હમસફર’ ગીતો વખણાયાં છે. વરુણ, આલિયા સહિત દરેક કલાકારની એક્ટિંગ દાદ માગી લે તેવી છે.

