વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક આગવો સંદેશ બુલંદ અવાજે સહુને આપી રહી છે. ભારતભરમાં, સવિશેષ ઉત્તર પ્રદેશમાં, મતદાન જ્ઞાતિ-જાતિ, ઊંચનીચના ભેદભાવના આધારે જ થતું હોવાનું અત્યાર સુધી માનવામાં આવતું રહ્યું છે. આશરે ૨૦ કરોડની જનતા કે જેમાં ૨૨ ટકા દલિત, ૨૦ ટકા મુસ્લિમ અને અછતવાળા ૧૮ ટકા એટલે કે ૬૦ ટકાની મતબેન્ક સાબદી કરવા માટે અત્યાર સુધી સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા) અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પ્રયત્નશીલ રહેતા હતા.
મતદારોની ગણતરીના આ આંકડાઓ જોતાં તો ભાજપને ૪૩.૫ ટકા મતો સાંપડ્યા હોય તો તે શું સૂચવે છે? તેમાં પણ ૪૦૩ બેઠકોમાંથી લગભગ ૪૫ બેઠકો પર તો અગાઉની ચૂંટણીમાં વિજેતાઓને જે સરસાઇ મળી હતી તેના કરતાં અધિકતમ મતદારો મુસ્લિમ હોય અને છતાં ભાજપ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરે તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે દ્યોતક છે.
રવિવારના વિજયોત્સવના ઐતિહાસિક પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતની એક કલ્પના જ નહીં, પણ તેની આકૃતિ પણ રજૂ કરી છે. નરેન્દ્ર મોદી અત્યંત લોકપ્રિય પણ છે, અને સાથે સાથે તેમને ધિક્કારનારાઓ પણ ખરા જ ને? ચાહકો પણ ખરા અને ટીકાકારો પણ એટલા જ ને?! ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કે ભારતના વડા પ્રધાન તરીકે તેમણે જે નીતિરીતિ કે કાર્યપદ્ધતિ અપનાવી છે તેમાં લગારેય વ્હાલા-દવલાનો ભેદભાવ જોવા મળતો નથી. ગોધરાકાંડના એ કષ્ટદાયી આક્ષેપોની શ્રૃંખલા પણ હવે ભૂલાઇ ગઇ છે. કારણ શું?
ભારતના સામાન્ય મતદારના હૈયામાં નરેન્દ્ર મોદી માટે પ્રચંડ વિશ્વાસ છે, તેમનામાં ભરોસો છે. અને નરેન્દ્ર મોદીએ પોતાના નામે મતો માગ્યા છે એ તો હકીકત છે. ‘અમારું ભલું આ જણ કરશે જ...’ એ લાગણીઓ આ મતદાનના આંકડાઓ પુરવાર કરે છે તેમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. પણ ભારતના મતદારોનો આ મિજાજ ત્રણ મુદ્દે મને વધુ આશાવંત બનાવે છે.
એક, ભારતમાં બિનસાંપ્રદાયિક્તાની નવી વ્યાખ્યા આપોઆપ ઉદભવી રહી છે.
બીજું, તર્કવિહિન અને અવાસ્તવિક અનામત પ્રથા વિશે ફેરવિચાર શાસકો કરી શકશે.
અને ત્રીજું, જમ્મુ-કાશ્મીર રાજ્યમાં બહુમતી પ્રજાજન મુસ્લિમધર્મી હોય તેથી તેઓ કંઇ ભારતીય મટી જતા નથી. તેઓ સર્વાંગી દૃષ્ટિકોણથી ભારતીય જ છે.
બહુમત, સર્વમતની નવી વ્યાખ્યા કરનાર લોકલાડીલા અને ભારતના અભૂતપૂર્વ કહેવાય તેવા વડા પ્રધાન નરેન્દ્રભાઇના દૃઢ નિશ્ચયી વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે તેવા કોઇ ગીત વિશે વિચારતો હતો. અને મારી નજરમાં આવ્યું ‘મેરુ રે ડગે રે...’
૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા ગંગાસતીએ તેમના મોટા ભાગના પદો પાનબાઇને ઉદ્દેશને લખ્યા છે. ‘મેરુ રે ડગે રે...’ કૃતિમાં ભારતના આ માડીજાયાની એક ઓળખનો અવાજ ગુંજતો સંભળાય છે. સાથે સાથે જ કવિ પ્રીતમ (ઇસવી સન ૧૭૧૮થી ૧૭૯૮)ની
એક હૃદયસ્પર્શી રચના ‘હરિનો મારગ છે શૂરાનો...’ની બે ટૂંક અત્યંત પ્રાસંગિક જણાતી હોવાથી ટાંકી રહ્યો છું.
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને,
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.
•
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને,
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
લોકશાહી સંપૂર્ણ રીતે ભારતના અદનામાં અદના મતદાર સુધી પહોંચી ગઇ છે તેનો આપણને સહુને ગૌરવસહ આનંદ થવો સહજ છે... (ક્રમશઃ)
•••
મેરુ રે ડગે
મેરુ રે ડગે ને જેના મન નો ડગે,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે;
વિપદ પડે પણ વણસે નહિ,
ઈ તો હરિજનનાં પરમાણ રે. મેરૂ રે.
ભાઈ રે! હરખ ને શોકની નાવે જેને હેડકી ને,
શીશ તો કર્યા કુરબાન રે;
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
જેણે મેલ્યાં અંતરના માન રે. મેરૂ રે.
ભાઈ રે! નિત્ય રે’વું સતસંગમાં ને,
જેને આઠે પોર આનંદ રે;
સંકલ્પવિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. મેરૂ રે.
ભાઈ રે! ભગતી કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનુંમાં વિશવાસ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે થાજો સતગુરુજીનાં દાસ રે. મેરૂ રે
