વિરાટ વસંતદાદાની જન્મશતાબ્દીની વામણાઓ થકી ઉપેક્ષા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Sunday 12th March 2017 06:53 EDT
 
 

ગુજરાતીમાં એક કહેવત છેઃ ‘દીવા પાછળ અંધારું’. મહારાષ્ટ્રના રાજકારણમાં જ નહીં, સમગ્રપણે સમાજકારણમાં અને પ્રજાકારણમાં પણ જે વિરાટ વ્યક્તિત્વે સુપેરે યોગદાન આપ્યું, વિરોધી મતનાને પણ વહેરોવંચો રાખ્યા વિના મદદ કરી. અરે, પીઠમાં ખંજર હુલાવનાર એટલે કે ગાદીએથી ઊઠાડી મૂકનાર શરદ પવાર જેવાને માટે પણ શક્તિ પ્રદર્શનથી ગાદીએ બેસાડવાની વ્યવસ્થા કરનાર એ મહાપુરુષ વસંતદાદા પાટીલ (૧૬ નવેમ્બર ૧૯૧૭ - ૧ માર્ચ ૧૯૮૯)ની જન્મશતાબ્દીનું અડધું વર્ષ વીત્યા છતાં એમના વ્યક્તિત્વને અનુરૂપ ઓચ્છવ કે સ્મૃતિવંદના હજુ લગી થઈ નથી.

સાંગલી પાસેના પદમાળામાં જન્મેલા વસંતદાદાએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેલવાસ પણ ભોગવ્યો અને ક્રાંતિકાર તરીકે પણ સાહસ દેખાડવા જેલ તોડતાં ગોળીઓને પણ અંગ પર ઝીલી. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી કોંગ્રેસના સમાજકારણમાં એ સક્રિય રહ્યા. રાજ્યના સહકારમહર્ષિ ગણાયા. ચાર-ચાર વખત મુખ્ય પ્રધાન બન્યા. સંસદસભ્ય પણ રહ્યા. રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યા અને સ્વમાનભેર જીવવા ટેવાયેલા આ મજબૂત મરાઠા નેતાએ કાયમ સ્વાભિમાન ખાતર હોદ્દા છોડ્યા, પણ એમની સેવાઓને ભારત સરકારે પદ્મભૂષણ ઈલકાબથી નવાજી ત્યારે પણ દાદા નિર્લેપ હતા.

દાદાના પરિવારમાં જ રાજકીય તડાં

વસંતરાવ બંડુજી પાટીલને ખૂબ નજીકથી જોવાનો, મળવાનો અને સમજવાનો અવસર મળ્યો. અન્યો માટે જીવતો માણસ એ અનુભવાયો. શાલિનીતાઈ પાટીલ સાથે બીજાં લગ્ન કરવા એ તૈયાર થયા ત્યારે યશવંતરાવ ચવ્હાણ જેવા શુભચિંતકે વાર્યા. તો દાદા મદ્રાસ (હવેનું ચેન્નાઈ) જતા રહેવા પણ તૈયાર થયેલા. લગ્ન કરીને રહ્યા. તાઈના આગલા લગ્નથી થયેલી ચાર કન્યાઓને પિતાના ભાવથી દત્તક લીધા પછી પણ જ્યારે રાજકીય વારસ નક્કી કરવાનો અવસર આવ્યો ત્યારે ‘બ્લડ ઈઝ થીકર ધેન વોટર’ એ ન્યાયે પોતાના સગ્ગા પુત્ર પ્રકાશબાપુ પાટીલને જ નક્કી કર્યા.

શાલિનીતાઈ સ્વયં ખૂબ મહત્વાકાંક્ષી રાજનેતા. દાદાના રાજકીય પ્રભાવને ટેકે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન થવાનો થનગનાટ અનુભવનારાં, પણ એ અબ્દુલ રહેમાન અંતુલેની સરકારમાં કેબિનેટ પ્રધાનથી વિશેષ ના થઈ શક્યાં. અંતુલેના પતનનું નિમિત્ત પણ એ. દાદા કોંગ્રેસમાં રહ્યા, પણ પ્રકાશબાપુ સાંસદ થયા પછી તાઈ દાદાની પીઠમાં ખંજર હુલાવીને એટલે કે એમને મુખ્ય પ્રધાન પદેથી ઊથલાવીને મુખ્ય પ્રધાન બનેલા શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં રહ્યાં. આજે દાદા રહ્યા નથી. પ્રકાશબાપુ પણ દિવંગત થયેલા છે ત્યારે એમના પુત્રો પ્રતીકદાદા અને વિશાલદાદા કોંગ્રેસમાં છે, શાલિનીતાઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં છે અને વસંતદાદાના સમૂળગા રજવાડા પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. સાંગલી દાદાનો ગઢ ગણાતું, હવે ત્યાં કમળ ખીલે છે.

જન્મશતાબ્દી અને દાદા પરિવાર ભણી ઉદાસીનતા

વસંતદાદાની જન્મશતાબ્દીની ઊજવણી માટે મહારાષ્ટ્રની ભાજપ - શિવ સેના સરકારે સર્વપક્ષી સમિતિની રચના તો ગયા વર્ષે કરી હતી, પણ હજુ એણે કામ આરંભ્યું નથી. સ્વયં વસંતદાદાના પૌત્ર અને કેન્દ્રમાં રાજ્ય પ્રધાન રહેલા પ્રતીકદાદાએ અમારી સાથેની વાતચીતમાં દાદાની જન્મશતાબ્દી ઊજવણી બાબતની સરકારી ઉદાસીનતા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

સાંગલીમાં દાદાની જન્મજયંતીના આગલા દિવસે એટલે કે ૧૨ નવેમ્બર ૨૦૧૬ના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાતાઈ પાટીલની ઉપસ્થિતિમાં સમારંભ યોજાવાનો હતો, પણ પ્રતિભાતાઈ આવ્યાં જ નહીં. જૂના કોંગ્રેસીઓનો સમારંભ બનીને રહી ગયો એ કાર્યક્રમ. હમણાં વસંતદાદાની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં શરદ પવાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાદાનું સ્મરણ કરવાનો સમારંભ યોજાયો તો ખરો, પણ આધુનિક મહારાષ્ટ્રના નિર્માતા અને રાજ્યના સહકારી ક્ષેત્ર જ નહીં, દેશના સહકારી ખાંડ ઉદ્યોગ પર ક્યારેક જેનો પડ્યો બોલ ઝીલાતો હતો, જેણે મહારાષ્ટ્રના ગ્રામીણ લોકોનાં સંતાનો માટે પ્રત્યેક સહકારી સાખર કારખાના સાથે શિક્ષણ સંસ્થાઓને જોડવાની મોકળાશ કરી આપી હતી એવા વસંતરાવની કાયમી સ્મૃતિ જળવાય એવા ભવ્ય જીવંત સ્મારક માટે પણ સરકાર નિર્ણય કરી નહીં શક્યાનું પ્રતીકદાદાને દુઃખ છે.

સત્તાકારણમાં પાછળ રહી ગયેલાં દાદાનાં વંશજો માટે નીચાજોણાના સંજોગો દીવા પાછળ અંધારાનો અનુભવ કરાવે છે. પ્રતીકદાદાનો નાનો ભાઈ વિશાલદાદા પોતે વસંતદાદા સહકારી સાખર કારખાના અને તેમની શિક્ષણ સંસ્થાઓનો અધ્યક્ષ છે. જોકે, સાખર ઉદ્યોગને બેપાંદડે કરીને મહારાષ્ટ્રની પ્રજાને પણ બેપાંદડે કરનાર વસંતદાદાના નામ સાથે જોડાયેલા સાખર કારખાનાની અવસ્થા સારી નથી. દેવાના ડુંગરમાં ડુબેલી આ સંસ્થા સરકાર કનેથી જપ્તીના આદેશ મેળવવા જેટલી કમનસીબ છે. સમગ્ર રાજ્યમાં ઈજનેરી અને અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા માટેની મોકળાશ કરી આપનાર વસંતદાદાના નેજા હેઠળની કે નામ હેઠળની શિક્ષણ સંસ્થાઓની અવસ્થા પણ બહુ સારી નથી.

મહારાષ્ટ્રમાં તો સત્તાકારણ અને સમાજકારણ સાથે જાય છે. ઉતર્યો અમલદાર કોડીનો એ કહેવતને સાર્થક કરવા જેવું વાતવરણ સત્તાકારણમાંથી ફેંકાઈ ગયેલા રાજનેતાઓ માટે જોવા મળે છે. વસંતદાદાના ઓવારણાં લેનારું સાંગલી બદલાયેલું લાગે છે.

વસંતદાદાનો અતૂટ વિક્રમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજ લગી જેમ માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ૧૯૮૫માં કોંગ્રેસને મળેલી ૧૪૯ બેઠકોનો વિક્રમ કોઈ તોડી શક્યું નથી એવું જ મહારાષ્ટ્રમાં વસંતદાદાના ૧૯૮૫ના વિક્રમનું છે. મહારાષ્ટ્રના ચાર - ચાર વખત મુખ્ય પ્રધાન થયેલા દાદા ૧૯૮૩માં મુખ્ય પ્રધાન થવા માટે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપીને પાછા ફર્યા હતા. એ પછી એમના નેતૃત્વમાં ૧૯૮૫માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં ૨૮૮ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને ૧૮૭ બેઠકો મળી હતી. એ ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ક્યારેય કોઈ પક્ષને આટલી બહુમતી મળી નથી. એટલું જ નહીં, ગઠબંધન સરકારનો યુગ એ પછી બેઠો.

વસંતદાદાનું ૧૯૮૯માં નિધન થતાં પ્રજા સાથે જોડાયેલો અને રાજ્યની પ્રજાથી લઈને દિલ્હીશ્વર સુધીનાને જેમાં ભરોસો પડે એવો લોકપ્રિય નેતા અલોપ થયો. શરદ પવાર પ્રજામાં ખૂબ લોકપ્રિય નેતા અને આદરપાત્ર ખરા, પણ એમનો ભરોસો કરવાનું જરા મુશ્કેલ. પવાર ક્યારે કોની સાથે જોડાણ કરશે કે કોને ઉથલાવશે એ વાતે બધાના જીવ કાયમ ઉચાટમાં રહે. કારણ એંસીના દાયકામાં એમણે વસંતદાદા પાટીલના નેતૃત્વવાળી સરકારને ઉથલાવીને રાજ્યના સૌથી યુવાન મુખ્ય પ્રધાન બનવા માટે જનસંઘ, સમાજવાદી કે શેતકરી કામગાર પક્ષ સહિતના કોંગ્રેસના એ વેળાના કટ્ટર શત્રુઓ સાથે હાથ મિલાવીને પુરોગામી લોકશાહી દળ (પુલોદ - પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ)ની સરકાર બનાવી હતી.

ખરા અર્થમાં લોકલાડીલા નેતા

વસંતદાદા ડંડો પછાડીને કે સત્તાનો ડર બતાવીને કોઈને વશ કરવાના મતના નહોતા. દાદા સૌને પ્રેમથી જીતનારા સહજ નેતા હતા. ધરતી સાથે જોડાયેલા, સાદગીનું આચરણ કરનારા, ગામઠી છબી સદૈવ જાળવનારા, ગામડાના છેવાડાના માણસનો પ્રશ્ન કેમ ઉકેલાય એની સતત ખેવના કરનારા નેતા અને શાસક હતા. લોકોએ પણ એમને દિલ ફાડીને પ્રેમ કર્યો છે અને એમણે પણ લોકો માટે જ જીવવાનું પસંદ કર્યું હતું. કમનસીબે એમના પછીની મહારાષ્ટ્રની વહેંતિયાઓની રાજકીય પેઢીને મન વસંતદાદાને અવગણવાનું રાજકારણનો ભાગ હશે, પણ એ સદાય અમર રહેવાના.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


    comments powered by Disqus