આ અહેવાલ - નક્કી કરાયેલા અનુમાન પ્રમાણે ખોસલા-પંચમાં બન્યું તેવો - નથી. નેહરુને રાજી રાખવા માટે શાહનવાઝ-સમિતિએ અહેવાલ તૈયાર કર્યો તેવું પણ નથી. નવી દિલ્હીની સુવિધાયુક્ત એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને તે તૈયાર થયો હોત તો અગાઉના અહેવાલો જેવી નિયતિ હોત. આજે તો તે બન્ને અહેવાલો સરકારી ચોપડે પણ અભેરાઈના કોઈ ખૂણે ધૂળ ખાતા પડ્યા હશે. હા, તેના પર કેટલાંક પુસ્તકો જરૂર લખાયાં છે તેમાંનું એક ન્યાયમૂર્તિ ખોસલાનું અને તેના બીજા છેડે સમર ગુહાનું તેમ જ ‘નેતાજી મિશન’ ઉભું કરીને સદૈવ મથામણ કરનારા અનુજ ધરનાં ચાર પુસ્તકોનું છે.
કેન્દ્ર સરકારનાં ગભરૂ કે જડ અફસરોએ તો આ પંચની કામગીરીમાં યે રોડાં નાખવાની જ પ્રવૃત્તિ કરી! વિદેશ ખાતું તો ગજગતિએ જ ચાલતું રહ્યું. તેના પત્રવ્યવહારમાંથી કશું નિપજ્યું નહીં. ‘૫૦ વર્ષ પહેલાંની ફાઇલોને શોધી કાઢવી સરળ છે ખરી?’ ૧૬ એપ્રિલ, ૨૦૦૪ના ખુદ જસ્ટિસ મુખરજીએ અફસોસ વ્યક્ત કરવો પડ્યો કે વિદેશ ખાતું તાઈવાન યાત્રા માટે સંમત નથી. ગૃહખાતાનું વલણ વિચિત્ર હતું. પછીની સરકારના નાણા પ્રધાન પી. ચિદમ્બરમે રોકડું પરખાવી દીધું કે આ તપાસ પંચની મુદત વધારવામાં નહીં આવે. જસ્ટિસ મુખરજીને માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવી કફોડી હાલત હતી. છતાં તેમણે તાઈવાન મુલાકાત લીધી કારણ કે ત્યાંની તપાસ કર્યા વિના અહેવાલ અધૂરો રહી જાય તેમ હતું. સરકારે તેમને સૌથી મહત્ત્વની કડીરૂપ દસ્તાવેજો આપ્યા. ૧૯૪૫માં તાઈપેઈના જૂના સ્મશાનગૃહમાં જેમની અંત્યેષ્ટિ થઈ તેનું રજિસ્ટર. ૨૫ પાનાંમાં ૨૭૩ મૃતકોની યાદી હતી. જાપાની, ચીની, ફ્રેન્ચ મૃતદેહોની યે નોંધ હતી, જે ૧૭ ઓગસ્ટ, ૧૯૪૫થી ૨૭ ઓગસ્ટ ૧૯૪૫ સુધીમાં વીજ ભઠ્ઠીમાં જલાવવામાં આવ્યા હતા.
મુખર્જી સ્તબ્ધ બની ગયાઃ તેમાં ક્યાંય નેતાજી સુભાષચંદ્ર બોઝનો નિર્દેશ નહોતો!
- તો આટલાં વર્ષો સુધી ભારત સરકારે અને તેની તપાસ જુઠ્ઠાણું જ ચલાવ્યે રાખ્યું કે સુભાષ ૧૮ ઓગસ્ટે અવસાન પામ્યા અને દુર્ઘટનાગ્રસ્ત મૃતદેહને આ સ્મશાનમાં અંતિમ સંસ્કાર અપાયા હતા?
આ દસ્તાવેજોની તપાસ નિષ્ણાતોએ પણ કરી. તેમણે ય જણાવ્યું કે નેતાજી કે શિદેઈ કે મેજર તાકીજાવા - કોઈ કરતાં કોઈનો અહીં સ્મશાનદાહ થયો નથી. હા, એક ઇચિરો ઓકુરા જરૂર મર્યો હતો, જેને ‘નેતાજી’ ગણાવીને ઐતિહાસિક જૂઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું.
નેતાજીનાં મૃત્યુનું પ્રમાણપત્ર આપનારા જાપાની તબીબોનીયે જસ્ટિસ મુખરજીએ ફરી તપાસ કરાવી. તેમાં તબીબોએ એકબીજા પર દોષ ઢોળવાનું કામ કર્યું. અર્થાત્ એ પણ એક યોજના જ હતી. છેક ૧૯૫૫માં જ જાપાન સરકારે જણાવી દીધું હતું કે ‘ઇચિરો ઓકુરા’ નામનો ઉપયોગ નેતાજીને બચાવીને બીજે પહોંચાડવા માટે કરાયો હતો. આ ઓકુરાની કર્મકુંડલી પણ જાહેર થઈ. તે ૯ એપ્રિલ, ૧૯૦૦ના જન્મ્યો હતો અને ૧૯ ઓગસ્ટ, ૧૯૪૫ હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યો.
... તો પછી નેતાજી તાઈવાનમાં મૃત્યુ ન પામ્યા તો ક્યાં ગયા?
જસ્ટિસ મુખરજીએ તેની ખોજ માટે રશિયાનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું. વિદેશ ખાતાંએ તેમનું સૂચન રશિયાની સરકારને પહોંચાડ્યું. ૨૦૦૧થી ૨૦૦૫ઃ આટલાં વર્ષો સરકારો નક્કી ન કરી શકી કે મુખરજીને રશિયામાં તપાસ કરવા માટે જવું જોઈએ કે નહીં?
મને ગુજરાતના એક પૂર્વ મુખ્યમંત્રીએ તેમના મિત્ર માહિતી નિયામક ભૂપત વડોદરિયાને કહેલી વાતનું સ્મરણ થઈ આવે છે. મુખ્યમંત્રી સોલંકીએ તેમને પોતાનાં ઓફિસની બારીમાંથી બહાર સચિવાલયની ઇમારત બતાવતાં કહ્યું હતું કે જુઓ, આ આકાર ડાઇનેસોર જેવો લાગે છે કે નહીં? સ્થપતિએ તેવું ઇરાદાપૂર્વક કર્યું હશે કેમ કે ડાઇનેસોર એવું વિરાટ પ્રાણી હતું કે જેની પૂંછડીએ કોઈ જીવજંતુ કરડે તો તેની ખબર દિમાગ સુધી પહોંચતા છ મહિના થાય અને ડાઇનેસોરને તેનો અમલ કરતાં બીજા છ મહિના લાગી જાય!
શું ગાંધીનગર કે શું દિલ્હી, સામાન્ય રીતે આ વાત સાચી જ રહે છે. ત્યાં ગૃહમંત્રી શિવરાજ પાટિલ (મુખરજીના નસીબે બદલાતા મંત્રીઓ સાથે દરેક વખતે વસ્તુસ્થિતિને સમજાવવાની જહેમત લેવી પડતી હતી.) કહેઃ પંચની મુદત પૂરી થવામાં આવી છે. વધુ ખર્ચ કરવો ઠીક નથી. પછીના મંત્રી ડો. મુરલી મનોહર જોશીએ તપાસનું ઐતિહાસિક મહત્ત્વ સમજીને મુદત વધારી આપી. વડા પ્રધાન વાજપેયી પણ તેમાં સંમત હતા.
૨૦થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૦૫ની રશિયાયાત્રા પણ મુખરજી સાહેબને તરેહવારના અનુભવ કરાવી ગઈ. સરકાર તેનાં પાછલાં કૃત્યો પર પરદો નાખવા માગતી હતી. દસ્તાવેજો એક જગ્યાએથી બીજી જગ્યાએ હશે એવા જવાબ અપાયા. મોસ્કો, ઓમ્સ્ક, ઇર્કુવ્સક, સેન્ટ પીટ્સબર્ગનાં અભિલેખાગારોમાં તપાસ કરાઈ. પણ સેન્ટ્રલ આર્કાઇવ્ઝમાં જઈ ન શકાયું. અભિલેખાગારોમાં બે મોટા ગ્રંથોમાં કેદીઓની નામાવલિ હતી તેમાં ક્યાય નેતાજીનો નિર્દેશ નહોતો. શક્ય એ હતું કે કેજીબીના દસ્તાવેજોમાં તે હોય. લુબ્યાંકા - એલેકઝાડર સોલ્ઝેનિત્સીને તેની મહાનવલ ‘ગુલાગ આર્કીપિલેગો’માં આ જેલનું ખળભળાવી મૂકે તેવું બયાન કર્યું છે -ના અભિલેખાગારમાં કંઈક ઠોસ વિગત મળી શકે તેમ હતું. એ જ કેજીબીનું પૂર્વ મુખ્ય કાર્યાલય પણ ગણાતું. પાયોનિયરના વરિષ્ઠ સંપાદક ઉદયન નાંબુદ્રી અને જાદવપુર યુનિ.ના ઇતિહાસ-નિષ્ણાત ડો. પુર્વી રોય પણ પંચની સાથે તપાસમાં આવ્યા હતાં. પણ લાગ્યું કે રશિયનો કોઈક તથ્યને છૂપાવી રહ્યાં હતાં. સ્તાલિન સમયની આ યાદીમાં મૂળ નામોનો જ આદેશ હતો. નેતાજી ભલે રશિયા આવ્યા હતા, તેમણે પોતાની ઓળખ - અગાઉ કરેલું તેમ - બદલી નહોતી. સ્તાલિન માટે તે સુભાષચંદ્ર બોઝ જ હતા. એક માત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝના મા. ઇ.એન. કોમોરોવે આટલો સંકેત આપ્યોઃ
‘મેં અગાઉ ડો. પૂર્વી રોયને નેતાજીના રશિયા નિવાસની સ્થિતિ વિષે સંભવિત મુદ્દા કહ્યા હતા. સોવિયેત રશિયાએ હંમેશા પોતાને ત્યાં શરણાર્થી રહેલા તમામ દિગ્ગજોને માનપૂર્વક રાખ્યા છે જેમ કે ડો. સુકર્ણો. સ્તાલિન નેહરુને નહીં, બોઝને પસંદ કરતા હતા.’ (તપાસપંચનું પરિશિષ્ટ, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૫).
જેમણે અગાઉ દસ્તાવેજ જોયાનો દાવો કર્યો હતો તે કોલેસ્નિકોવને તો ‘રશિયામાં ક્યાંય છે જ નહીં’ તેમ સરકારે જણાવી દીધું! તપાસ પંચે પૂછપરછ કરી તો તે તુર્કીમાં કાર્યરત છે એટલું જાણવા મળ્યું.
તપાસ પંચે જે નિષ્કર્ષ તારવ્યો તે તેમના જ શબ્દોમાં-
‘તમામ પ્રમાણો અને તથ્યોની તપાસ પરથી સાબિત થાય છે કે ૧૭ ઓગસ્ટે સાઇગોનથી યાત્રા કરી રહેલા નેતાજીએ મિત્ર રાષ્ટ્રોની આંખમાં ધૂળ નાખી હતી. એ વાતને છૂપાવવા માટે વિમાન દુર્ઘટના, તેમાં ઘાયલ નેતાજીનું મોત, તેમની અંતિમ વિધિ, આ બધું જાપાની સેના અને હબીબુર રહેમાને પાથરેલી છદ્મ જાળ હતી. તેમાં બે ડોક્ટરો પણ સામેલ હતા. તેમના કહેવા પર એસ. એ. અય્યરે અહેવાલ તૈયાર કર્યો અને આઝાદ હિન્દ ફોજ દ્વારા તે અહેવાલને માન્ય કરવામાં આવ્યો એ ઘટના પછી નેતાજી રશિયા પહોંચ્યા કે નહીં તેનાં કોઈ પ્રમાણ ન મળતાં તેનો જવાબ આપી શકાય તેમ નથી.’ (જસ્ટીસ મુખરજી કમિશન ઓફ ઇન્કવાયરી રિપોર્ટ ગ્રંથ-૧, પૃ. ૫૩)
૧૮ મે, ૨૦૦૬ના સંસદમાં સરકાર તરફથી પ્રણવ મુખરજીએ આ અહેવાલનો અસ્વીકાર કર્યો. ‘અમે પહેલાં પણ ઘણા તપાસપંચના અહેવાલોને ખારિજ કર્યા છે. એટલે આમાં નવું કશું નથી.’
પરંતુ, સરકાર હા-ના કરી શકે છે, પ્રજાની પાસે તો એક જ શબ્દ છે. હા, સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
જસ્ટિસ મુખરજી એ તેમની મર્યાદામાં રહીને આ કામ કરી બતાવ્યું, ભલે કેન્દ્ર સરકારે તેનો ઇન્કાર કર્યો હોય.
•
ક્યાં ક્યાં હતા તમે સુભાષ?
મંચુરિયામાં?
સાઇબીરિયન ‘ગુલાગ’ જેલમાં?
ચીનમાં માઓ-ત્સે-તુંગની સાથે?
બાંગ્લાદેશની મુક્તિના જંગમાં?
શોલમારી આશ્રમમાં?
કે ભગવાનજી તરીકે ફૈઝાબાદમાં?
લાલબહાદુર શાસ્ત્રીની સાથે તાશ્કંદ કરારમાં?
...અને, ખરેખર તમે ત્યાં સદેહે હતા કે પછી ભારતજનની આસ્થાના વીરનાયકરૂપે કેવળ કલ્પનાશીલ કહાણીમાં?
કેટલાં વર્ષો તમે જીવિત રહ્યાં? શું હજુ પણ...
જેટલા પ્રશ્નાર્થો છે એટલી જ તેની અનોખી ઘટનાઓ છે.
કેટલાક કિસ્સાઓ તરફ વળીએ.
દેવનાથ દાસ. આઝાદ હિન્દ સરકારના મોભી અને નેતાજીના સાથીદાર. ‘રક્તરાગ’ તેમની આઝાદ સેનાનાં મહાકાવ્ય સરખી બંગાળી નવલકથા.
દેવનાથ દાસે કહ્યુંઃ ‘નેતાજીની ઇચ્છા રશિયા જવાની હતી. રશિયન રાજદૂતને તેમણે પત્ર લખ્યો હતો. પરંતુ જાપાન સરકાર કોઈ ઘેરી આશંકા સાથે - રશિયામાં તેમનું શું થશે - એ વિચાર કરીને તેમ કરવાની ના પાડી દીધી.’
જૂન, ૧૯૪૫માં આ પરિસ્થિતિ સરજાઈ.
હવે ખોસલા તપાસ પંચ સમક્ષની જાપાની સૈન્યના અફસર મોરિયો તાકારુઆએ શું કહ્યું?
તેના જણાવ્યા મુજબ-
‘જૂન ૧૯૪૫માં નેતાજી અને તેરાઉચી તેમ જ ઇસોદાની વચ્ચે ગુપ્ત મંત્રણા થઈ. તેમાં જાપાન સરકાર રશિયા સાથે સંપર્ક કરે તે શક્ય છે કે કેમ તેવું નેતાજીએ પૂછયું.’
જાપાન સરકાર (અને સૈન્ય)ની ઇચ્છા એવી હતી કે ચંદ્ર બોઝને કોઈ એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં તેમને અધિક સ્વતંત્રતા મળે. સોવિયત મંચુરિયા તેવું સ્થાન હતું. ટોકિયો મુખ્યમથકે બોઝને ડેરેનના રસ્તે રશિયા જવાની યોજનાને મંજુર કરી અને તેમની સાથે જનરલ શિદેઈ પણ રહે તેવી સૂચના આપવામાં આવી.
જનરલ ઇસોદાએ પણ જણાવ્યું કે તાકાકુરાની વાત એકદમ સાચી છે. ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે ચંદ્ર બોઝની સાથે બેસીને અમે આ યોજના ઘડી કાઢી હતી.
ખોસલા પંચમાં તેમને પૂછવામાં આવ્યું તેનો જવાબ આપ્યો કે આ માહિતીને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી.
આ બેઠક વિશે નેતાજીના અંગત સચિવ મેજર ભાસ્કરન મેનને પણ ખોસલા પંચ સમક્ષ જણાવ્યું કે નેતાજીએ રશિયાને ‘ગુપ્ત સંદેશ’ પણ મોકલ્યો. તે દિવસે નેતાજી ભારે વિચલિત હતા. આખી રાત જાગીને એક પછી
એક સૂચના આપતા રહ્યા. જાણે અહીં તેમનો આ છેલ્લાં દિવસ ન હોય!
નેતાજીએ છેલ્લો સંદેશો પણ આપ્યો. ‘આ વિમાની સફરની પૂર્વ સંધ્યાએ તમારા સહુને માટે સંદેશ મોકલી રહ્યો છું.
કોને ખબર, મારી સાથે કોઈ દુર્ઘટના નહીં થાય!’
૨૦૧૦માં મૃત્યુ પામેલા કર્નલ પ્રીતમ સિંહ પણ આ ‘વિદાય’ના સુપરિચિત સાક્ષી હતાઃ ‘હું ૧૭ ઓગસ્ટ સુધી તેમની સાથે હતો અને તેમની સાથે રશિયા જવાનો હતો. એક દિવસ પૂર્વે નેતાજીએ જણાવ્યું કે જાપાનના વિદેશ પ્રધાનની સાથેની મંત્રણા સફળ રહી છે, એકદમ સફળ રહી છે. રશિયાના લોકો આપણું સ્વાગત કરશે. આ દિવસો જ એવા છે કે હજુ દસ વર્ષ જલાવતન રહેવું પડશે.’
જલાવતન જ નહીં,
સ્વૈચ્છિક જલાવતન.
નેતાજીની નજર સામે એવા અનેક દેશભક્તોનાં નામ હતાં, જેમણે વિદેશી ધરતી પર જ અંતિમ શ્વાસ લીધા, ભારત પાછા ફરી શક્યા નહીં અને ભારતીય સ્વાતંત્ર્ય માટે લડતા રહ્યા.
તારકનાથ દાસ.
વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય.
લાલા હરદયાળ.
અમ્બાપ્રસાદ સૂફી.
રાસબિહારી બોઝ.
સોહનલાલ પાઠક.
‘ગદ્દર’ના ક્રાંતિકારો.
ગુજરાતી ક્રાંતિ-પત્રકાર
છગન ખેરાજ વર્મા.
‘બર્લિન કમિટી’ના સભ્યો.
કેવાં તેજનક્ષત્રો!
‘સુભાષ તારો માર્ગ પણ એ જ લખાયો છે, નિયતિ દ્વારા સરહદ પાર સુભાષનો!’ આ સિવાય તેમનું બીજું ચિંતન શું હોઈ શકે?
‘હિકારી કિકાન’ બર્મામાં રચાયેલું ગુપ્ત સંગઠન હતું. તેના અનુવાદક કિન્જી વતન્બેએ તો એટલે સુધી કહ્યું કે નેતાજી રશિયા જઈને રશિયા-જાપાન સંબંધો સુધારવા માટે ય આશાવાદી હતા.
‘એક ક્રાંતિ - સરકારના સરસેનાપતિ માટે આનાથી વધુ શું જોઈએ?’
જસ્ટિસ મુખરજીએ પોતાના અહેવાલમાં નેતાજીની રશિયા-યોજનાને ભારે મહત્ત્વ આપ્યું પણ ભારત સરકારે તેનો જ નનૈયો ભણ્યો. પરિણામ એ આવ્યું કે રશિયામાં નેતાજીનાં વર્ષોની તપાસ કોઈએ કરી જ નહીં. કોઈ બીજો દેશ હોત તો તેણે - રાજનયિક સંબંધોનું બહાનું બાજું પર રાખીને ય તપાસ શરૂ કરી હોત.
તપાસ માટેનાં મુદ્દા અને નિમિત્તો ઓછાં નહોતાં.
અર્ધેન્દ્ર સરકારની ઘટના તો આંખો ખોલી નાખે તેવી છે. હેવી એન્જિનિયરિંગ કોર્પોરેશનનો આ ચીફ એન્જિનિયર ૧૯૬૦ના દશકમાં સોવિયેત રશિયામાં કામ કરી રહ્યો હતો. તેનો સાથીદાર જર્મન યહુદી હતો. બી.એ. જેરોવિન તેનું નામ. તે જાપાનથી રશિયા આવીને એક રશિયન મહિલા સાથે લગ્ન કરીને સ્થાયી થઈ ગયો. નેતાજીને બર્લિનમાં તેણે નિહાળેલા. ૧૯૪૮માં યુરાલ પહાડી પાસે રેલવે લાઈન જ્યાં પૂરી થતી હતી ત્યાં એક ‘ગુલાગ’ની જગ્યા હતી. નેતાજીને ત્યાં રાખવામાં આવેલા, અને પોતે નજરોનજર જોયા હતા.
આ માહિતી આપી તો દીધી પણ પછી જેરોવિન ગભરાઈ ગયો. આવી ગુપ્ત બાબત ખુલ્લી કરનારને માટે સોવિયેત સરકાર સખત સજાની જોગવાઈ હતી. તેણે અર્ધેન્દ્રુ સરકારને આજીજી કરી કે આ વાત કોઈને કહેતો નહીં.
પણ અર્ધેન્દ્ર સરકારનો અજંપો સમજી શકાય તેવો હતો. પોતાના દેશનેતા અહીં, રશિયામાં તદ્દન અ-નામ, અ-જાણ અવસ્થામાં? બંગાળી આદમીથી રહી શકાયું નહીં એટલે સીધો મોસ્કોસ્થિત ભારતીય દૂતાવાસમાં પહોંચી ગયો અને તમામ વાત જણાવી.
દૂતાવાસના ‘બાબુ’ સચિવે તો તેને જ ખખડાવી કાઢ્યોઃ ‘અહીં રશિયામાં નોકરી કરવા આવ્યો છો કે રાજકારણાં દરમિયાનગીરી કરવા માટે? મને જે કહ્યું તે ખબરદાર બીજા કોઈને જણાવ્યું છે. જાઓ, તમારું કામ સંભાળો...’
બિચારો મધ્યમવર્ગીય અર્ધેન્દ્ર! તેની તો જીભ જ સીવાઈ ગઈ. આવા બીજા કેટલા અર્ધેન્દ્ર સરકારો હશે!
વિદેશ ખાતાના પૂર્વ અધિકારી રાયસિંહ યાદવને યુરોપમાં એક રશિયન રાજનયિકે કહ્યું કે અમે સંબંધ બગાડવા ઇચ્છતા નથી. ભારત સરકાર જાણે છે કે નેતાજી સાઇબીરિયાની ઠંડીમાં, એકલા જીવે છે.’
પ્રાધ્યાપક રામ રાહલ ઉઝબેકી ભાષાના જાણકાર હતા. તેની મૈત્રી પૂર્વ સોવિયેત અધિકારી બબાજાન ગુફરાવ સાથે હતી. જોસેફ સ્તાલિનની નજીકનો અફસર હતો તે. મોસ્કોની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝ’માં સંશોધન પણ કર્યું. તેણે પણ રાયસિંહ યાદવને આ માહિતી આપી.
સમર ગુહાએ તો છેક મિખાઈલ ગોર્બાચોવ અને લિયોનાદ બ્રેઝનેવને ય પત્રો લખ્યા કે તમારે ત્યાં જે દસ્તાવેજો છે તે અમને મોકલાવો. ભારત સરકારને મોકલો. (તો ભારતમાં વિદેશ ખાતામાં સ્થાપિત કુંભકર્ણની નિદ્રાનો ભંગ થશે.)
(ક્રમશઃ)

