નવેમ્બરના પ્રારંભે ન્યૂ યોર્કમાં દીના વાડિયાના અવસાને ભારત દેશના વિભાજનની કરુણાંતિકાના ભૂતકાળને તો નજર સમક્ષ કરી દીધો પણ તેની સાથોસાથ તે સમયના રાજપુરુષોના લગ્ન, પ્રેમ અને અલગાવની તસ્વીરને યાદ પણ તાજી કરાવી દીધી છે. ઇતિહાસનાં પાનાં ફડફડે છે ને નેહરુ, સુભાષ, સરોજિની, રત્તી, એમિલી, એડવિના, સરલાદેવી, અનિતા... અને બેશક, ૯૯ વર્ષની જિંદગી જીવીને આંખો મીંચનાર પારસી મહિલા દીના વાડિયા પણ આ પંક્તિમાં આવે છે. એક મોટા ગજાના ભારતીય નેતાની આ પુત્રીએ પસંદગીનો પુરુષ મેળવવા પિતા સામે બગાવત કરી હતી.
દીના એટલે મર્હુમ કાયદે આઝમ મોહમ્મદ અલી જિન્નાહની બેટી. તેણે નસલી વાડિયાને પરણવું હતું, જિન્નાહે તેને ધમકાવી કે તને આવડા મોટા દેશમાં કોઈ મુસ્લિમ નથી મળતો કે બીજા ધર્મમાં સંસાર માંડીશ? અદાલતમાં અને રાજકારણમાં કુશળ તર્કના બાદશાહ ગણાયેલા પિતાને જવાબ હતો: ‘તો તમે કોઈ મુસ્લિમ સ્ત્રીને પસંદ કરવાને બદલે પારસી મહિલાને કેમ પસંદ કરી હતી?’
દીનાની માતા રત્તી પારસી દિનશા પેટિટની પુત્રી, પોતાના કરતાં ઘણી ૧૫ વર્ષ નાની રત્તીને પણ આ બેબાક બેરિસ્ટર પસંદ પડ્યો અને પ્રસ્તાવ મૂક્યો. પિતા અને પારસી સમાજ અને કટ્ટર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો, પણ બન્નેનાં લગ્ન થયાં. તે સમયના બોમ્બે ક્રોનિકલે પાનું ભરીને અહેવાલ છાપ્યો. અત્યંત સમ્પન્ન પરિવારની બેબાક, સ્વાધિન, તાર્કિક, સાહસિક અને સુંદર રત્તી જિન્નાહની પત્ની તો થઇ પણ નિયતિએ તેની કસોટી કરી. જિન્નાહ - કે ઝીણા - પાસે પોતાની જીવનશૈલી હતી. કોઈ પણ વાત પહેલાં એ પોતાનું સત્ય નક્કી કરે ને તે પ્રમાણે ચાલે. પ્રારંભમાં તેનું રાષ્ટ્રવાદી સ્વરૂપ દેશ આખાએ જોયું. એ હિંદુ મુસ્લિમ એકતાના હામી હતા. ‘હું મુસ્લિમ ગોખલે થવા માગું છું’ એમ તેણે કહ્યું અને ઉમેર્યુંઃ ‘હું પ્રથમ ક્રમે રાષ્ટ્રવાદી છું, બીજી વાર રાષ્ટ્રવાદી છું અને અંતિમે પણ રાષ્ટ્રવાદી છું.’ આ શબ્દો ચરિતાર્થ કરવા માટે તે હોમ રુલના આગેવાન બન્યા. દરેક સભામાં ઊભા થઈને વન્દે માતરમ્ ગાતા. લોકમાન્ય પરના મુકદ્દમામાં તેમની સાથે રહ્યા, સંસદ પર ભગતસિંહના બોમ્બ ફેંકવાના પ્રયાસની તેમણે જાણ હતી, ક્રાંતિકારોની સાથે રહ્યા, ખિલાફત ચળવળ ભારતમાં કોમી ભેદભાવ પેદા કરશે એમ કહીને ગાંધીજીની ખિલાફત તરફેણને ‘આફત’ ગણાવી.
જિન્નાહના જીવનની આધિકારિક માહિતી કાનજી દ્વારિકાદાસે લખી છે. કાનજી દ્વારિકાદાસ જિન્નાહ અને રત્તી બન્નેના પરમ દોસ્ત હતા. રત્તી વિષે પણ તેમનું પુસ્તક છે, તેમાં આ બન્નેના પ્રણય અને કલહની કહાણી આલેખી છે. રત્તી સ્વાધિન સ્વભાવની હતી. પિતા દિનશાએ જિન્નાહ સાથેના લગ્ન સામે અદાલતમાં ફરિયાદ કરી કે આ બેરિસ્ટર દીકરીનું અપહરણ કરી ગયો છે તો રત્તીએ અદાલતને જણાવ્યું કે જિન્નાહે નહીં, મેં જિન્નાહનું અપહરણ કર્યું છે. તે વૈભવની શોખીન હતી, માયાળુ હતી, નીડર હતી.
જિન્નાહ બહાર દેખાતા હતા એટલા ભીતરથી દૃઢ નહોતા. શાયર ઇકબાલને તો તેમણે પાકિસ્તાનની કલ્પના કરનારો મૂર્ખ ગણાવ્યો હતો, પણ સમય જતાં તેમણે પોતે જ અલગ દેશ અને અલગ પ્રજાની માગણી મૂકી. ઘણાં વર્ષો સુધી તેને એવી ઈચ્છા નહોતી. હિંદુ અને મુસ્લિમ બન્ને સાથે રહીને એક અખંડ દેશની આઝાદી ભોગવે તે માટે તેમણે અનેક પ્રયાસો કર્યા તેમ કાનજી દ્વારિકાદાસ અને બીજા ઘણા લેખકોનાં પુસ્તકોમાં નોંધાયું છે.
‘ધ સ્ટોરી ઓફ માય ગ્રેટ ફ્રેન્ડ’ પુસ્તકમાં તેમણે એ દિવસ નોંધ્યો છે અને દિલ્હીથી જિન્નાહ મુંબઈ આવ્યા ત્યારે રત્તીએ શ્વાસ છોડી દીધા હતા. મઝગાંવના કબ્રસ્તાનમાં તેને દફનાવાઇ અને તેના પર પ્રથમ માટી વેરી ત્યાં સુધી તો બધાની સાથે જાહેરજીવનના પ્રશ્નો જ ચર્ચતા રહ્યા પણ છેલ્લે ચોધાર આંસુએ રડી પડ્યા.
ડો. અજિત જાવેદની ‘ટ્રેજેડી ઓફ જિન્નાહ’ જીવનકથાને માનીએ તો પાકિસ્તાનની રચના પછી સૌથી અધિક દુ:ખી જિન્નાહ હતા. તેમણે કલ્પના નહોતી કરી કે પાકિસ્તાન થશે, એટલે મુંબઈમાં મલબાર હિલ પર પોતાના મકાન પાછળ ૧૯૪૫માં મોટો ખર્ચ પણ કર્યો. પાકિસ્તાનની બંધારણ સભામાં જાહેર કર્યું કે હિંદુ અને મુસલમાન એ બે રાષ્ટ્ર નથી, બે સમુદાય છે. કરાચી મુસ્લિમ લીગની બેઠકમાં તેમણે સ્ફોટક ભાષણ કર્યું, ને કહ્યું : હું તમને એ જણાવવા માગું છું કે હું આજે પણ મને એક ભારતીય માનું છું. થોડી વાર માટે તો મેં પાકિસ્તાનના ગવર્નરપદને ભલે સ્વીકારી લીધું હોય, પણ હું એવા સમયને જોઈ રહ્યો છું જ્યારે હું ભારતમાં પાછો ફરીશ, ત્યાંનો નાગરિક બનીશ.
શ્રી પ્રકાશે તેમના ‘પાકિસ્તાન બર્થ’ પુસ્તકમાં તો એવું પણ નોંધ્યું છે કે મુંબઈના તેમના નિવાસસ્થાનને ભારત સરકાર લઇ લેવા માગે છે ત્યારે તેમણે શ્રી પ્રકાશને ચિત્કારીને કહ્યું, ‘નેહરુને કહો કે મારું દિલ ના તોડે! એ મકાન મને કેટલું વહાલું છે!’ તો શ્રી પ્રકાશે પૂછ્યું: ‘તમે મુંબઈ આવીને રહેવા તૈયાર છો?’ જિન્નાહે તરત કહ્યું: ‘હા...’ આનું એક કારણ એ હતું કે પાકિસ્તાનમાં જ તેમનો વિરોધ અને રમખાણ શરૂ થઇ ગયાં હતાં. વિભાજન સમયે થયેલા હત્યાકાંડથી તે વ્યથિત હતા. દિલ્હીથી કરાચી વિમાનમાં ઉતર્યા ત્યારે તેમના ચહેરા પર પાકિસ્તાન રચાયાની ખુશી નહોતી. આવીને તેમણે સૂચવ્યું કે મુસ્લિમ લીગને વિખેરી નાખો. દિલ્હીમાં ગાંધીજીએ પણ કોંગ્રેસને વિખેરી નાખવાનું જ કહ્યું હતુંને !
આર. જે. મૂર નોંધે છે કે હિંદુ શરણાર્થીઓની શિબિરમાં જઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમણે આવી કલ્પના જ નહોતી. ૧૯૪૨નો એક દિવસ ૨૮ ઓગસ્ટ યાદ કરીને પુસ્તકમાં લખાયું છે કે જિન્નાહ પાકિસ્તાન કે અલગ દેશ માટે વિચારતા નહોતા. તેમણે તેવા દેશના રાષ્ટ્રપ્રમુખ પણ થવું નહોતું... કાનજી દ્વારિકાદાસ તો એમ પણ કહે છે કે આયુષ્યના ૨૯મા વર્ષે જિન્નાહની પત્ની રત્તીએ વિદાય લીધી ના હોત તો જિન્નાહને તે દેશના ભાગલા સુધી જતા રોકી શકી હોત! રત્તીએ તો પોતાની સુંદર પણ પીડિત જિંદગીને ટૂંકાવી નાખવા સ્લીપિંગ પીલ્સ ખાઈને આત્મહત્યા કરી લીધી. કાનજી દ્વારિકાદાસ એમ પણ નોંધે છે કે આ દિલ અને દિમાગથી ખુબસુરત સ્ત્રી વધુ જીવી હોત તો જિન્નાહ કોમવાદી પણ ન બન્યા હોત. પણ જિન્નાહને ગેરરસ્તે દોરનારી એક સ્ત્રીએ મોટો ભાગ ભજવ્યો તે તેમની બહેન ફાતિમા હતી.
છેલ્લી બીમારીમાં ડોક્ટરે જિન્નાહને ક્ષય હોવાનું જણાવ્યું ત્યારે પાકિસ્તાનમાં ચારેતરફ અંધાધૂંધી હતી. એમ્બ્યુલન્સમાં જિન્નાહને લઇ જવાયા ત્યારે વચ્ચે એક છાવણી પાસે રોકાવું પડ્યું ત્યાં માખીઓ તેમના શરીર પર ઘેરી વળી તેને દૂર કરવા કોઈ હાથ પંખો પણ નહોતો. આ કરુણાંતિકા જિન્નાહના જીવનની છેલ્લી લકીર બની. ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮ તેમનું નિધન થયું. જમાતે-ઇસ્લામીના નેતા મૌલાના મસુદીએ છેલ્લી વિધિ કરાવવા ના પડી દીધી અને ઘટનાની ખુશી માટે સભા કરી... હમણાં પ્રકાશિત Often came to our house Jinnah અને મિસ્ટર એન્ડ મિસિસ જિન્નાહ જેવાં પુસ્તકોનો અભ્યાસ કરીએ ત્યારે આ નાયક-ખલનાયક બન્ને રીતે સ્થાપિત પાત્રને થોડેઘણે અંશે ઓળખી શકાય.

