વડીલો સહિત સહુ વાચક મિત્રો, પ્રીતિ પટેલના રાજીનામાનું પ્રકરણ આમ જોઇએ તો સીધીસાદી લાગતી ઘટના ગણી શકાય. સમગ્ર ઘટનાક્રમ શું છે તેની તબક્કાવાર રજૂઆત આ અંકમાં અન્યત્ર કરવામાં આવી છે. આપણે આ લેખમાં નરી આંખે જોયેલા ઘટનાક્રમો અને પરદા પાછળના તેના રાજકીય સૂચિતાર્થો વિશે જાણવા - સમજવાની કોશિષ કરશું.
એક વાત તો બહુ સ્પષ્ટ છે કે બ્રિટિશ સરકારની કેબિનેટમાં ભારતની સ્વતંત્રતા બાદ, ચુંટાયેલા સાંસદ તરીકે મહત્ત્વનું પદ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વંશજનું ગૌરવ પ્રીતિ પટેલે મેળવ્યું છે. સામાન્યપણે ભારતીય કે પાકિસ્તાની વંશજ જે તે સરકારના પ્રધાનમંડળમાં જોડાય છે ત્યારે તે પોતાને એશિયન ગણાવવાનું વધુ પસંદ કરતા હોય છે. આમાં તેમનું રાજકીય હિત સંકળાયેલું હોય છે - જનાધાર વધેને?! પરંતુ પ્રીતિ પટેલ એકમાત્ર એવા નેતા કહો તો નેતા અને પ્રધાન કહો તો પ્રધાન હતા કે જેઓ ખુલ્લેઆમ પોતાને ભારતીય તરીકે ઓળખાવતા હતા અને ઓળખાવે છે. પોતાને ફર્સ્ટ ઇંડિયન કેબિનેટ મિનિસ્ટર ગણાવવાની સાથોસાથ ભારપૂર્વક કહેતા હતા કે બ્રિટનના ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાની જવાબદારી વડા પ્રધાને થેરેસા મેએ મને સોંપી છે. આ અર્થમાં બે-ત્રણ રીતે આપણે વિચારવું પડે. સરકારમાં કે અન્ય સ્થળે જ્યારે આપણા સમાજ કે સમુદાયના કોઇ મહિલા કે પુરુષને લોર્ડ કે નાઇટહૂડ જેવો અગત્યનો હોદ્દો મળે છે ત્યારે તેના પાયામાં જે અનેકવિધ કારણો રહેલા હોય છે તેમાંનું એક કારણ એ પણ હોય છે કે તે ભારતીય હોવાથી અને ભારતીય સમાજ સાથે તેના મજબૂત સંબંધો હોવાથી જ આ માનભર્યું સ્થાન પામતા હોય છે. જોકે આમાંના કેટલાક માનવંતા હોદ્દા પર પહોંચ્યા પછી ભારત સાથે કે ભારતીયોના હિતોને નજરઅંદાજ કરવા લાગે છે તે અલગ વાત છે.
ક્રોયડનના જાગ્રત ગુજરાતી નીતિનભાઇ મહેતા તો વારંવાર લખી જણાવે છે કે આ નેતાઓ આપણા ખભે ચઢીને ઉચ્ચ હોદ્દાઓ પામે છે, અને ઊંચાઇ પર પહોંચ્યા પછી એવા ભ્રમમાં રાચવા લાગે છે કે તેઓ માત્રને માત્ર પોતાની લાયકાતના જોરે, યોગ્યતાના બળે આ ઊંચા સ્થાને પહોંચ્યા છે. આ લોકો સગવડિયો ધર્મ અપનાવીને ભારત, ભારતીય સંસ્કૃતિ કે ભારતીય હિતને ભૂલી જાય છે. સંભવ છે કે પ્રીતિ પટેલ એકમાત્ર એવા નેતા છે જેઓ માને છે કે ભલે હું કેબિનેટ પ્રધાન હોઉં, ભલે હું અંગ્રેજને પરણી હોઉં, પરંતુ મારી નસમાં લોહી ભારતીય વહે છે.
તેમના રાજીનામાથી હવે આપણે એ વિચારવું રહ્યું કે હવે ટૂંકા કે લાંબા ગાળે આપણા હિતોને કોણ જાળવશે? આ બધું બન્યું શાથી? સમગ્રતાય ઘટનાક્રમનો અભ્યાસ કરતાં કેટલાક મુદ્દા સ્પષ્ટ તરી આવે છે અને તે બ્રિટનના સમાચાર માધ્યમોમાં ઓછાવત્તા અંશે તે પ્રકાશિત પણ થયા છે.
ફોરેન ઓફિસ કે જેના કેબિનેટ મિનિસ્ટર બોરીસ જ્હોન્સન સાથે પ્રીતિ પટેલની મિત્રતા હોવાની વાતો જાણીતી છે. આ બોરીસ જ્હોન્સના મંત્રાલયના નાયબ વિદેશ પ્રધાન સર એલન ડંકન પ્રીતિ પટેલની પળોજણમાં કારણભૂત બન્યાનું બહાર આવ્યું છે.
આમ એક રીતે જોવામાં આવે તો રાજકારણ ગંદુ છે એમ આપણે જે માનીએ છીએ તેમાં કંઇ સાવ જ ખોટું નથી. બીજા શું કરે છે તેને નજરઅંદાજ કરીને હંમેશા પોતાની લીટી લાંબી કરવાનો પ્રયાસ કરવો જોઇએ એવા ઉચ્ચ આદર્શોની વાતો તો સહુ કોઇ કરે છે, પરંતુ સાચી વાત તો એ છે કે મોકો મળે છે ત્યારે - રાજકારણમાં ઓતપ્રોત વ્યક્તિ - સહજભાવે જ પ્રતિસ્પર્ધીનું પત્તું કાપવાની તક ઝડપી લેવા તલપાપડ થઇ જાય છે. દરેક મહત્ત્વાકાંક્ષી રાજકારણીનું સામાન્ય વલણ આ જ પ્રકારનું હોય છે. આ બાબત પર નજર ફેરવશો તો પ્રીતિ પટેલ સાથે સંકળાયેલી ઘટનામાં અન્ય પણ કેટલાક મુદ્દા સ્પષ્ટ તરી આવે છે.
શ્રી વિદ્યુત મહેતા નામના એક અભ્યાસુ વાચકે લખી જણાવ્યું છે તે પ્રમાણે પરદા પાછળ કંઇક રંધાઇ ગયું હોવાનું ભલે નરી આંખે જોઇ ન શકાતું હોય, પરંતુ કંઇક બળવાની વાસ તો આવી જ રહી છે. (વિદ્યુતભાઇની રજૂઆત માટે વાંચો - ‘તમારી વાત’ વિભાગ...)
વિદ્યુતભાઇની વાત રતિભાર પણ તથ્યવિહીન નથી. બ્રિટિશ ફોરેન ઓફિસમાં દસકાઓથી નહીં, સૈકાઓથી શિરસ્તો રહ્યો છે તે પ્રમાણે પ્રધાનોની નિમણૂક રાજકીય પદ્ધતિએ થતી રહી છે, જ્યારે સનદી અધિકારીઓ તો આગુ સે ચલી આતી હૈના ન્યાયે હોદ્દો સંભાળતા હોય છે. બહુધા લોકતંત્રમાં આ પ્રકારે જ શાસન-વહીવટી પ્રણાલિ ગોઠવાયેલી હોય છે. સિવિલ સર્વન્ટ્સની સિનિયોરિટી વધતી જાય તેમ તેમ તેઓ ઉચ્ચ હોદ્દે પહોંચતા જાય. આમ ઉચ્ચ હોદ્દે પહોંચેલા અધિકારીઓમાંથી કેટલાક તો ૨૫-૩૦ વર્ષથી એક જ મંત્રાલયમાં ફરજ બજાવતાં બજાવતાં ‘રીઢા’ થઇ ગયા હોય છે. જનમત મેળવીને હોદ્દો સંભાળનાર પ્રધાન પોતાના વિઝન અને પક્ષની વિચારધારાને અનુરૂપ નિર્ણયો લેવા તેમજ તેને અમલી બનાવવા તત્પર હોય છે, જ્યારે આવા અધિકારીઓને પોતાની પીપૂડી વગાડવી હોય છે. ઘાંચીના બળદની જેમ તેઓ એક ચોક્કસ કુંડાળામાંથી બહાર નીકળવા માગતા હોતા નથી. આથી પ્રધાન-અમલદાર વચ્ચે હંમેશા ગજગ્રાહ રહેતો હોય છે. આવા સિવિલ સર્વન્ટ્સનું સૌથી વધુ ધ્યાન હંમેશા એ બાબતો પર વધુ રહેતું હોય છે કે સરકારની વિદેશ નીતિ તેના - દૃષ્ટિકોણથી - લાંબા ગાળાના હિતને અનુરુપ છે કે નહીં. તે બ્રિટિશ પરંપરાને સાનુકૂળ છે કે નહીં.
ભૂતકાળમાં કેટલીય વખત એવું બન્યું છે કે વરિષ્ઠ પ્રધાનને ભીંસમાં લેવા માટે, ભેખડે ભરાવવા માટે જે તે વિભાગના કે ફોરેન ઓફિસના અધિકારીઓ તેમની કામગીરીના માર્ગમાં પથરા ફેંકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હોય. ઇતિહાસ આનો ગવાહ છે. અન્ય મુદ્દો પુરુષ પ્રધાન માનસિકતાનો પણ ખરો. મોટા ભાગના સિનિયર સિવિલ સર્વન્ટ્સ પુરુષો હોય છે અને પુરુષ પ્રધાન માનસિક્તા ધરાવતા આ વર્ગને પોતાના ઉપરી તરીકે એક મહિલાની નિમણૂંક કઠતી હોય તે સ્વાભાવિક છે. પુરુષ પ્રધાન માનસિક્તા ધરાવતો અધિકારી વર્ગ આશાસ્પદ, તેજતર્રાર પ્રતિભા ધરાવતા મહિલા, તેમાંય વળી ભારતીયની પ્રગતિને સહજતાથી સાંખી લે તેવું માનવાની જરૂર નથી.
ખેર, વડા પ્રધાન થેરેસા મે તરફથી એમ સત્તાવારપણે એમ જણાવવામાં આવ્યું છે કે મિનિસ્ટર પ્રીતિ પટેલ ઇઝરાયલના અંગત પ્રવાસે ગયા ત્યારે તેમણે ત્યાંના વડા પ્રધાન, અન્ય પ્રધાનો તેમજ ઉચ્ચ મોભાદાર લોકો સાથે અંગત બેઠકો યોજી હતી. આ બેઠકો અંગેની કોઇ આગોતરી માહિતી ફોરેન ઓફિસ કે વડા પ્રધાન કાર્યાલયને આપવામાં આવી નહોતી.
માનનીય વડા પ્રધાન થેરેસા મેના નિવેદનને ચાલો આપણે હાલ પૂરતું સ્વીકારી લઇએ. પરંતુ સાથે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે બ્રિટન-ઇઝરાયલ વચ્ચે વર્ષોથી ગાઢ સંબંધો રહ્યા છે - તેમાં પણ સંરક્ષણ મામલે તો ખાસ. આ મામલે બ્રિટનને ઇઝરાયલની બહુ મોટી ઓથ મળતી રહી છે. વળી, ઇઝરાયલના પાટનગર તેલ અવીવમાં વર્ષોથી બ્રિટિશ એમ્બેસી કાર્યરત છે. તેમાં વિદેશ નીતિના જાણકાર અને સક્ષમ એવા ઉચ્ચ રાજદ્વારીઓ કામ કરે છે. આ સંદર્ભે મૂલવવામાં આવે તો તે સમજાય તેવું છે કે આ અધિકારીઓ મિત્રો અને પ્રતિસ્પર્ધીઓ પર પણ ચાંપતી રાખતા હોવાના જ. આ સંજોગોમાં પ્રીતિ પટેલ કોને મળ્યા કે કોને મળી રહ્યા છે તેનાથી પોતે સાવ અજાણ હોવાનો થેરેસા મેનો દાવો ગળે ઉતરે તેવો નથી. બ્રિટિશ વડા પ્રધાનની તેમની સરકારના દરેક મંત્રાલય પર, તેમની કામગીરીના દરેક પાસા પર ચાંપતી નજર રહે તેવું તંત્ર આ દેશમાં દસકાઓથી નહીં, સૈકાઓથી ગોઠવાયેલું છે.
આથી જ રાજદ્વારી બાબતોના કેટલાક અનુભવીઓનું માનવું છે કે થેરેસા મે કહે છે કે આગલા સોમવારે યોજાયેલી અમારી બેઠકમાં પ્રીતિ પટેલે તેમની (ઇઝરાયલમાં ખાનગી) મુલાકાતો અંગે ખુલાસો કર્યો હતો. આ પછી વડા પ્રધાન કહે છેઃ જોકે આ પછી અન્ય જાણકારી મારા ધ્યાને આવી અને મેં પ્રીતિ પટેલને તાબડતોબ પૂર્વ આફ્રિકાથી વળતા વિમાનમાં જ બ્રિટન પાછા ફરવા આદેશ આપ્યો હતો. હવે જો આ માહિતી સાચી હોય તો પણ શંકાના વાદળો તો ઘેરાયેલા રહે જ છે. સમયના વહેણ વહેશે તેમ તેમ દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થતું જ રહેશે. પરંતુ આ બધી રાજકીય ધમાચકડીથી એક વાત તો સ્પષ્ટ થઇ જ ગઇ છે.
પ્રીતિ પટેલે ઇઝરાયલ પ્રવાસ દરમિયાન - પોતાના હોદ્દાને કોરાણે મૂકીને - સત્તાધિશો સાથે વ્યક્તિગત મુલાકાત યોજી હોવાના મુદ્દે મૌખિક અને લેખિત સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી છે. અને આમ જૂઓ તો તેમણે રાજીનામું સ્વૈચ્છિક રીતે આપ્યું છે. મંગળવારે સાંજે વડા પ્રધાન થેરેસા મે સાથે યોજાયેલી બેઠક માત્ર છ મિનિટ ચાલી હતી. આ દરમિયાન તેમણે પ્રધાનપદેથી રાજીનામાનો પત્ર ધરી દીધો. આ ઘટનાક્રમ હકીકત છે. આનો મતલબ એ થયો કે જો તેમને કેબિનેટમાંથી કાઢવાના જ હતા તો તેમને પૂર્વ આફ્રિકાથી પરત બોલાવવાની કોઇ જરૂર જ નહોતી. થેરેસા મે વડા પ્રધાન હોવાના નાતે તેમને મળેલા વિશેષાધિકારોનો ઉપયોગ કરીને પ્રીતિ પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મૂકી શક્યા હોત. થેરેસા મેએ તેમને તાબડતોબ પરત બોલાવ્યા. બન્ને વચ્ચે બેઠક યોજાઇ. પ્રીતિ પટેલે રાજીનામાનો તૈયાર પત્ર સોંપી દીધો. સમગ્ર ઘટનાક્રમ બંધબેસતો જણાતો નથી.
ઇઝરાયલ પ્રવાસથી માંડીને લંડન પાછા ફરીને પ્રધાનપદેથી રાજીનામું આપવા સુધીની આ રાજકીય ઘટમાળમાં સૌથી નોંધનીય બાબત એ જોવા મળે છે કે પ્રીતિ પટેલે આ સંજોગો માટે કોઇને દોષપાત્ર ગણાવ્યા નથી. તેઓ આજે પણ એટલા જ હળવાફૂલ જણાય છે જેટલા પહેલા જોવા મળતા હતા.
એક મીડિયા અહેવાલમાં એવું જણાવાયું કે છે કે પ્રીતિ પટેલ વડા પ્રધાન બનવાના અરમાન સેવતા હતા. હવે અણધાર્યા રાજીનામાના પગલે તેમનું સપનું રોળાઇ ગયું છે. બ્રેક્ઝિટ મુદ્દે પ્રીતિ પટેલનું સ્પષ્ટ વલણ જાણીતું છે. તેમના વલણને પાર્લામેન્ટમાં બેસતાં સંખ્યાબંધ સાંસદોનો પણ મજબૂત ટેકો છે. વાચક મિત્રો, હવે તમે જ કહો... બ્રેક્ઝિટ મુદ્દે દેશમાં પ્રવર્તતો અવઢવભર્યો માહોલ અને સાંસદોના બહોળા સમર્થનને નજરમાં રાખીને પ્રીતિ પટેલ જો વડા પ્રધાન બનવાના મનોરથ સેવી રહ્યા હોય તો તેમાં અજુગતું શું છે?
કોઇ પણ રાજકીય કારકીર્દિનો મોટામાં મોટો ઉદ્દેશ તો સત્તાના સૂત્રો હસ્તગત કરવાનો જ હોય છે. લોકશાહી શાસન પ્રણાલિ ધરાવતા દેશોમાં સર્વોચ્ચ સત્તા તો આખરે વડા પ્રધાન હસ્તક જ હોય છે. પ્રીતિ પટેલે ભલે જાહેરાત ન કરી હોય કે તેમને વડા પ્રધાન બનવું છે, દેશમાં સત્તાના સૂત્રો સંભાળવા છે. પરંતુ તેઓ ૨૫ - ૨૭ વર્ષથી જાહેરજીવનમાં એકધારા કાર્યરત છે તે જ સૂચવે છે કે આ પટલાણી મહત્ત્વાકાંક્ષી છે. મેં આ બાબત ભારતથી પ્રકાશિત થતા અગ્રણી દૈનિક ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં પણ ટાંકી છેઃ પ્રીતિ પટેલનું આવું ખુદ્દારીભર્યું વલણ એક અર્થમાં તેમના પાટીદાર સંસ્કાર, મૂલ્યોનું પ્રતિબિંબ છે.
બે ટોચના અભ્યાસુઓ ડો. ડેવિડ પોકોક અને ડચ વિદ્વાન ડો. મારીઓ રૂટને ગુજરાત ઉપર, પાટીદારો ઉપર અને તેમાં પણ ખાસ તો ચરોતરના પાટીદારો ઉપર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. બન્ને વિદ્વાનો એક યા બીજા સમયે વારંવાર ગુજરાત ગયા, ત્યાં રહ્યા, લોકોને મળ્યા અને પાટીદારોની લાક્ષણિક્તાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તેમણે સંશોધનાત્મક અહેવાલમાં લખ્યું છે કે પટેલો મહેનતકશ પ્રજા છે. બુદ્ધિશાળી છે. અમુક રીતે તેમનો જીવન પ્રત્યેનો અભિગમ વૈજ્ઞાનિક રહ્યો છે. આથી સૈકાઓ પૂર્વેથી જ ખેતી ક્ષેત્રે તેમની કાબેલિયત જોવા મળે છે. તેમનું આ કૌશલ્ય નિહાળીને જ કચ્છના મહારાવથી માંડીને અન્ય રજવાડાના શાસકોએ તેમને માનભેર પોતાના રાજ્યમાં નોતર્યા. તેમને વિનામૂલ્યે જમીન આપીને ખેતઉપજ થકી અર્થતંત્ર ખીલવવા માટે અનુરોધ કર્યો. આ બધી હકીકત ઇતિહાસના ચોપડે નોંધાયેલી છે. પાટીદાર સમાજના લોકોની એક બીજી લાક્ષણિક્તા એ છે કે તેઓ સાચી વાતને આસાનીથી પચાવી જાણે છે. મતલબ કે જ્યારે તેમને તથ્યોના આધારે સમજાય છે કે પોતાનું વલણ અયોગ્ય છે કે પોતાનાથી ચૂક થઇ છે ત્યારે તેઓ ખુલ્લા મને સ્વીકાર કરી લે છે. આ સમુદાય ક્યારેય નિરર્થક બચાવનો પ્રયાસ નથી કરતો.
પ્રો. પોકોકે એક રસપ્રદ પ્રસંગ ટાંકીને પાટીદારોના મિજાજને રજૂ કરવા પ્રયાસ કર્યો છે. બારડોલી સત્યાગ્રહ વેળા સરદાર પટેલે ના-કર આંદોલન માટે હાકલ કરી હતી. તેમણે પાટીદારોને હાકલ કરી હતી કે શાસકો તમારી જમીન રાજ્યસાત કરીને હરાજી કરે કે અન્ય કોઇ કાર્યવાહી કરે, પરંતુ કોઇ પણ સંજોગોમાં અંગ્રેજ શાસકો સામે ઝૂકતા નહીં, મહેસૂલ ચૂકવતા નહીં.
પાટીદારોએ પણ એક સરદારના બોલને માથે ચઢાવ્યા હતા. ‘લંડન ટાઇમ્સ’એ ૧૯૨૮માં એક અહેવાલમાં નોંધ્યું છે તેમ આંદોલનના પગલે પાટીદારો ભારે આર્થિક ભીંસમાં મૂકાયા હતા. અંગ્રેજ શાસકો પાટીદારોની ભેંસો કબ્જે કરી લેતા હતા અને પાંચ - પચ્ચીસ રૂપિયાના મૂલ્યની ભેંસ હરાજીમાં ૫૦ પૈસા જેવી નજીવી કિંમતે આપી દેતા હતા. આવા સમયે પાટીદાર વહુવારુઓ તો ઓરડામાં જઇને છાને ખૂણે આંસુ સારી લેતી હતી, પણ પટેલ ભાયડાની આંખમાં લેશમાત્ર ગભરાટ કે ખચકાટ જોવા મળતો નહોતો. અંગ્રેજોના જુલમ-સીતમ સામે અડીખમ પાટીદાર દેશકાજે સર્વસ્વ કુરબાન કરવા હસતા મુખે અને અહિંસક રીતે તૈયાર હતા.
પ્રીતિ પટેલના કિસ્સામાં પણ આવું જ જોવા મળ્યું છે ને?! તેઓ ઝૂક્યા નથી, કે ઝૂકવાની તૈયારી પણ દર્શાવી નથી. ક્યાંય કાકલૂદી નહીં, ક્યાંય લાચારી નહીં.
પ્રીતિ પટેલનું ભાવિ શું?
વાચક મિત્રો, રાજકીય કારકીર્દિ માટે ૨૦-૨૫ વર્ષ અવિરત પરિશ્રમ કર્યો હોય, પોતાના સમુદાયથી માંડીને મતક્ષેત્રમાં વસતાં લોકોના હિતોની નિષ્ઠાપૂર્વક કાળજી લીધી હોય, અને છતાં એક ઘટનાક્રમના પગલે પળભરમાં માનભર્યો હોદ્દો છીનવાય જાય તો તેવા સંજોગોમાં પ્રીતિ પટેલનું રાજકીય ભવિષ્ય શું? કોઇને પણ ચકરાવે ચઢાવે તેવો આ સવાલ છે. આપણે તાજેતરના ઇતિહાસ પર નજર ફેરવીને આ જવાબનો તાગ મેળવવા પ્રયાસ કરીએ.
થોડાક વર્ષ પૂર્વે કન્ઝર્વેટિવ પાર્ટીના ટોચના નેતા ડો. લિયામ ફોક્સને સરકારમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેઓ જાહેરજીવનમાં તો સક્રિય રહ્યા હતા, પરંતુ થોડાક મહિના તેમને વગર સત્તાએ ઘરે બેસવાની ફરજ પડી હતી. હાલમાં તેઓ થેરેસા મેના પ્રધાનમંડળમાં સિનિયર કેબિનેટ જેવો વગદાર હોદ્દો ધરાવે છે. વાચક મિત્રો, આપને ગુજરાતી ભાષાની એ જાણીતી ઉક્તિ યાદ હશે જ. રાડ પડે રજપૂત છીપે નહીં. વ્યક્તિ ગમેતે હોય પરંતુ જો તેનામાં કૌવત હોય, દૈવત હોય તો તેની આગેકૂચને કોઇ નથી રોકી શકવાનું. આવી પ્રતિભાશાળી વ્યક્તિની કાયમી હકાલપટ્ટી શક્ય જ નથી. મીડિયાએ જે પ્રકારે પ્રીતિ પટેલના કિસ્સાનું ચીતરામણ કર્યું છે તે જ દર્શાવે છે કે તેઓ કોઇ સામાન્ય ગુજરાતણ કે ભારતીય-બ્રિટિશ નેતા નથી. તેઓ આગવી ઓળખ ધરાવે છે, બ્રિટનના રાજકારણમાં તેમનું આગવું અને મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
•••
દિન દિન જતાં, માસો વીત્યાં, વર્ષો અનેરા વહી ગયા...
મારા આત્મીય એવા આપ સહુ વાચકોને અત્યંત વિનમ્રતાથી જણાવવાની રજા લઉં છું કે ૧૯ નવેમ્બરે મને લંડનમાં આવ્યે ૫૧ વર્ષ પૂરા થશે. હું દારે-સાલમથી નીકળ્યો તે યોગાનુયોગ લાભપાંચમનો સપરમો દિવસ હતો. શંકર આશ્રમે મહાદેવની સાયંઆરતી કરીને એરપોર્ટ પહોંચ્યો અને વિમાનમાં બેઠો ત્યારે વાતાવરણમાં ગરમી હતી. અહીં લંડનની ધરતી પર પરોઢીયે પગ મૂક્યો ત્યારે એકદમ ઠંડોગાર માહોલ. એરપોર્ટથી કોચમાં બેસીને હું વિક્ટોરિયા ટર્મિનસ પહોંચ્યો. અહીં મને લેવા માટે મારા મિત્રો મનુભાઇ ઠક્કર અને રસિકભાઇ લવિંગિયા આવ્યા હતા. તેમના નિવાસસ્થાને લઇ ગયા. બે ભેગા ત્રીજો જણ ભળ્યો, અને આ દેશમાં વધુ એક ભારતીય વસાહતી ઉમેરાયો.
વીતેલા ૫૧ વર્ષમાં એક યા બીજી રીતે, વિધવિધ પ્રકારે, મદદગાર થઇને, સલાહસૂચન આપીને હજારો-હજારો ભાઇઓ-બહેનો, આત્મીયજનોએ મને જે સાથ-સહકાર-સમર્થન આપ્યા છે તેના પૂણ્યપ્રતાપે જ અત્યારે હું આજના સ્થાને છું. આપ સહુ કૃપાવંતનો વ્યક્તિગત આભાર માનવો શક્ય ન હોવાથી આ જાહેર આભાર માની રહ્યો છું. દિવંગત આત્માઓ કે અત્યારે હયાત સહુ કોઇને સવિનય વંદન કરું છું. મારી લાગણીની અભિવ્યક્તિરૂપે આ સાથે ફિલ્મ ‘અનારકલી’નું એક બહુ જ જાણીતું ગીત ‘યે જિંદગી ઉસીકી હૈ...’ રજૂ કરી રહ્યો છું.
જીવમાત્ર જીવનમાં એક તબક્કે સામાન્યતઃ વ્યાખ્યાવાળા પ્રેમ-લાગણીના પૂરમાં ઝંપલાવે, એ તો સહજ બનતી પ્રક્રિયા છે ને? ક્યાંક કંઇક વિચાર, ક્યાંક કંઇક સિદ્ધાંત, ક્યાંક કંઇક મૂલ્યો અને અભિલાષાને પ્રેમ કર્યો છે, અને કરી રહ્યો છું. અને આપ સહુના સાથ-સમર્થનથી મારી રીતે યથામતિ યથાશક્તિ ઊંડે ઊંડે સંતોષ અનુભવી રહ્યો છું. મારી અપેક્ષા કરતાં, અને મારી યોગ્યતા કરતાં પણ આપ સહુએ ઘણુંબધું આપ્યું છે. આપનો આ જણ હજુ દીર્ઘકાળ સુધી કાર્યરત રહેવા અને જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞ સાથે મોક્ષના માર્ગે વળગી રહે તેવા આપ સહુના આશીર્વાદની અભિલાષા સહ...
સી.બી.ના ૐ નમઃ શિવાય
•••
ફિલ્મઃ અનારકલી (૧૯૫૩)
યે જિંદગી ઉસી કી હૈ....
• ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ • ગાયિકાઃ લતા મંગેશકર
યે જિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા
પ્યાર હી મેં ખો ગયા
યે જિંદગી ઉસી...
યે બહાર યે શમા, કહ રહા હૈ પ્યાર કર
કિસી કી આરઝૂ મેં અપને દિલ કો બેકરાર કર
જિંદગી હૈ બેવફા, લૂટ પ્યાર કા મજા
યે જિંદગી ઉસી...
ધડક રહા હૈ દિલ તો ક્યા, દિલ કી ધડકને ના ગિન
ફિર કહાં યે ફુરસતે, કહાં યે રાત દિન,
આ રહી હૈ યે સદા, મસ્તીયોં મેં ઝૂમ જા,
યે જિંદગી ઉસી...
જો દિલ યહાં ન મિલ શકે, મિલેંગે ઉસ જહાન મેં
ખિલેંગે હસરતો કે ફૂલ, જા કે આસમાન મેં,
યે જિંદગી ચલી ગઈ જો પ્યાર મેં તો ક્યા હુઆ
યે જિંદગી ઉસી...
સુનાયેગી યે દાસ્તાં, શમા મેરે મજાર કી
ફિઝા મેં ભી ખિલી રહી, યે કલી અનાર કી
ઈસે મજાર મત કહો, યે મહલ હૈ પ્યાર કા,
યે જિંદગી ઉસી...
એ જિંદગી કી શામ આ, તુજે ગલે લગાઉં મેં,
તુઝી મેં ડૂબ જાઉ મેં, જહાં કો ભૂલ જાઉં મેં,
બસ ઈક નજર મેરે સનમ
અલવિદા... અલવિદા....

