અનંત મહાદેવન નિર્દેશિત થ્રિલર ફિલ્મ ‘અક્સર-૨’ રિલીઝ થવાના આરે છે ત્યારે ફિલ્મના હીરો ગૌતમ રોડે સાથે ‘ગુજરાત સમાચાર’ની વાત થઈ. વર્ષ ૧૯૯૫માં આવેલી ‘જહાં પ્યાર મિલે’થી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ગૌતમે પદાર્પણ કર્યું હતું. એ પછી તેની એક્ટિંગના જોરે અને ચાર્મિંગ લૂકના કારણે આશરે બે ડઝન ટીવી શોઝમાં તેને કામ ઓફર થતું ગયું. ટીવી શોઝમાં એક્ટિંગ, શો હોસ્ટિંગ અને એન્કરિંગ સાથે સાથે તેણે ‘અનર્થ’, ‘યુ બોમ્સી એન્ડ મી’ અને ‘અજ્ઞાત’ જેવી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે. અલ પચીનો સાથે ભવિષ્યમાં અભિનય કરવાની ખ્વાહિશ ધરાવતા ગૌતમ રોડેએ ‘અક્સર-૨’ના તેના કેરેક્ટર અને આ ફિલ્મમાં અભિનય વિશે વાતચીત કરી તેના કેટલાક અંશો અહીં વાંચવામાં રસ પડશે.
• ‘અક્સર-૨’માં તમારું કેરેક્ટર શું છે એ વિશે કંઈક કહોને?
આ ફિલ્મમાં નવા પ્રકારનું કિરદાર નિભાવવાનો મોકો મળ્યો છે. હું ફિલ્મમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર પેટ્રિક શર્માના રોલમાં છું. તે વધુ સારી તક અને સફળતા મેળવવા માટે નોકરીના સ્થળે ઓફિસ પોલિટિક્સ રમવા પ્રેરાય છે. તેને ધીરે ધીરે ખ્યાલ આવે છે કે તેના સાથી કર્મચારીઓ પણ વત્તા ઓછા અંશે તેની જેમ જ સફળ થવા માટે રમતો રમતા હોય છે. પેટ્રિકને સમજાય છે કે પ્રોફેશનલ લાઈફમાં જીવવા માટે શામ દામ દંડ ભેદનો સૌ કોઈ સહારો લે છે અને જીવે છે. તેના લીધે પર્સનલ જિંદગીમાં તનાવ રહે છે. હા આ કેરેક્ટર ખૂબ જ રસપ્રદ છે એટલા માટે કે આ એક જ કેરેક્ટરમાં કેટલાય કેરેક્ટર છે જેમકે આ કેરેક્ટર ગ્રે શેડ છે. ડિપ્લોમેટિક છે. રોમેન્ટિક પણ છે અને તે પોઝિટિવ પણ છે.
• પેટ્રિક શર્માનો રોલ ભજવવા માટે કોઈ ખાસ પ્રકારની તૈયાર કરી હતી?
દરેક કેરેક્ટરને સમજવા માટે એક નોટ બનાવું છું. એ રીતે જ પેટ્રિકનું કેરેક્ટર સમજવા નોટ બનાવી હતી. આ એક પ્રોફેશનલ બેંકરનું કેરેક્ટર છે તેથી જીમમાં જઈ જઈને બનાવેલી બોડીમાંથી ૧૦ કિલો વજન ઉતારી નાંખવું પડ્યું આ કેરેક્ટર માટે.
• ફિલ્મના તમારા કેરેક્ટર અને ગૌતમ રોડે વચ્ચે કંઈ સામ્યતા જેવું ખરું?
ભગવાન ના કરે અસલી જિંદગીમાં પેટ્રિક શર્માની જેમ ક્યારેય પણ મારે જીવવાનો વારો આવે. પેટ્રિક ભયંકર તનાવ અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે અને તેને મને કે કમને પ્રોફેશનલ પોલિટિક્સ ગેમ રમવી પડે છે. મારે અસલી જિંદગીમાં હજી સુધી એવો વારો આવ્યો જ નથી. મને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કે ફિલ્મોમાં જે ઓફર કે કામ મળે છે એમાં હું પ્રામાણિક્તાથી કામ કરું છું. કામ મેળવવા માટે કે કામ કરવા માટે મારે ક્યારેય કોઈ ગેમ રમવી પડતી નથી કે મેં કોઈ ગેમ રમી નથી.
• ભવિષ્યમાં ટેલિવિઝનને બાય બાય કહીને માત્ર ફિલ્મોમાં જ કામ કરવાનો વિચાર ખરો?
ના બિલકુલ નહીં. ટેલિવિઝન શો માટેની કોઈ ઓફર હશે તો એમાં પણ એટલી જ નિષ્ઠાથી કામ કરીશ જેટલી ફિલ્મોમાં પ્રામાણિક્તાથી. ફિલ્મો માટે ટેલિવિઝનમાં કે ટેલિવિઝન માટે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દઉં એવી કોઈ ગણતરી નથી.

