લંડનઃ યુકેમાં ૧૬ વર્ષથી ઓછી વયના આશરે ૫૬ હજાર બાળકોને હાઈ કોલેસ્ટરોલ વારસામાં મળ્યું હોવાનું કહેવાય છે. આવા બાળકો પર મંડરાતું જોખમ અંકુશમાં લેવા સ્ટેટિન્સ ઔષધો આપવાની ભલામણ કરવામાં આવી છે.
કોલેસ્ટરોલનું જોખમ ધરાવતાં બાળકોની ઓળખ કરવા તેમના રેકોર્ડ્સની ચકાસણી કરવા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (NICE)એ જનરલ પ્રેક્ટિશનર્સને જણાવાયું છે.
હાઈ કોલેસ્ટરોલ ધરાવતા પુરુષોનો અડધો હિસ્સો તેઓ ૫૦ વર્ષની વયે તે પહોંચે ત્યાં સુધી સ્ટ્રોકનો શિકાર બની શકે છે. ફેમિલીઅલ હાઈપર-કોલેસ્ટેરોલેમીઆ (FH)થી પીડાતા માત્ર ૧૫ ટકાનું નિદાન કરી શકાયું છે.
હાઈ કોલેસ્ટરોલનું પ્રમાણ વારસાગત ધરાવતાં બાળકોને ૧૦ વર્ષની નાની વયથી જ સ્ટેટિન્સ ગોળીઓ આપવી જોઈએ અને જીવનભર તે ચાલુ રખાય તેવી ભલામણ કરાઇ છે.
છ વર્ષથી નીચેના આશરે ૫૬ હજાર બાળકો સહિત ૨.૬૦ લાખ બ્રિટિશરોને FH વારસામાં મળ્યો હોઈ શકે છે. આ સ્થિતિ જીવલેણ છે.
અડધા પુરુષ ૫૦ વર્ષની અને ત્રીજા ભાગની સ્ત્રીઓ ૬૦ વર્ષની વયે પહોંચવા સુધી સ્ટ્રોકનો શિકાર બને છે. પરંતુ તેના કોઈ લક્ષણો જોવાં મળતાં નથી અને આમાંથી માત્ર ૬૦૦ બાળક સહિત ૧૫ ટકાનું જ નિદાન થઈ શક્યું છે.
પરિવારનો નિકટનો સભ્ય ૬૦ વર્ષની વય પહેલા હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો શિકાર બન્યો હોય તે પરિવારની વ્યક્તિઓના ડીએનએ પરીક્ષણ કરવાની સલાહ જીપીને અપાઈ છે. જો આ પરીક્ષણમાં FHનું નિદાન કન્ફર્મ થાય તો તેમને તત્કાળ સ્ટેટિન્સ પર મૂકાવા જોઈએ. તમામને શરીરના વજન ઘટાડવા અને કસરતની સલાહ પણ આપવી જોઈએ પરંતુ, તે સ્ટેટિન્સનો વિકલ્પ નથી.

