આપણે સહુએ જૂની ચીજવસ્તુઓ છોડીને આધુનિક અને વધુ સુવિધાજનક વસ્તુઓ પાછળ આંધળી દોટ મૂકી છે. અગાઉના સમયમાં સુવા માટે આપણે ત્યાં ખાટલા જ ઉપયોગમાં લેવાતા પણ અત્યારની યુવા પેઢી અને બાળકોમાંથી ઘણા ખાટલા વિશે જાણતા પણ નહીં હોય. આપણે ભલે ખાટલાને ભૂલી ગયા હોઈએ પણ સોશ્યલ મીડિયામાં ખાટલા સંબંધિત એક જાહેરાતે ધૂમ મચાવી છે. આ જાહેરાતે ભારતીય ટ્વિટર યુઝર્સને ચોંકાવી દીધા છે.
આ જાહેરાત ઓસ્ટ્રેલિયાની છે, જેમાં ખાટલાની કિંમત ૯૯૦ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૫૦ હજાર રૂપિયા) રખાઈ છે. જાહેરાતમાં દાવો કરાયો છે કે આ પરંપરાગત ભારતીય બેડ ખૂબ આરામદાયક છે. ગ્રાહકોને તેમની ઇચ્છા મુજબ ખાટલાની લંબાઈ-પહોળાઈ વધારવા કે ઘટાડવાનો પણ વિકલ્પ પણ અપાયો છે. મેપલ વૂડમાંથી બનેલા આ ખાટલા ૧૦૦ ટકા ઓસ્ટ્રેલિયા મેડ હોવાનો પણ દાવો કરાયો છે.

