ઓરલેન્ડોઃ અમેરિકાની ૯૧ વર્ષની ટેનિસ ખેલાડી રીટા પ્રાઇસે જિંદગીના નેવું વર્ષ જોઈ લીધાં છે. તે આઈટીએફ સુપર-સિનિયર્સ વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહી છે. તે આ ટુર્નામેન્ટમાં ઉતરનારી સૌથી મોટી ઉંમરની મહિલા ખેલાડી છે. રીટા પોતાની એજ ગ્રુપની દુનિયાની નંબર વન ખેલાડી છે. ન્યૂ યોર્કમાં ૧૯૨૬માં જન્મેલી રીટા ટેનિસ સાથે ૫૦ની ઉંમરમાં જોડાઈ હતી. ૬૨ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. ટેનિસ સાથે એટલો પ્રેમ હતો કે ટેનિસ રમવા માટે પૈસાની તંગીના કારણે તેણે ઘર પણ વેચી દેવું પડ્યું હતું. ૭૯ની ઉંમરમાં તેણે પ્રથમ વખત ગોલ્ડ જીત્યો હતો. ૨૦૦૮માં આઈટીએફ રેન્કિંગમાં ૮૦ની વયે નંબર વન ખેલાડી બની હતી. ૨૦૧૨માં ચારેય નેશનલ ચેમ્પિયનશિપ જીતીને ગોલ્ડન સ્લેમ પૂરો કર્યો હતો. તેણે વધારે ત્રણ ટાઇટલ પણ જીત્યા છે.
ડાન્સ મૂવ્ઝ ફેમસ
રીટા ટેનિસને પોતાને મજબૂત બનાવવાનું માધ્યમ ગણે છે. રીટા પ્રાઇસના મતે આ રમતમાં તમે હરીફનું સન્માન કરાત શીખો છો. તે પોતાની રમતની સાથે-સાથે કોર્ટ ઉપર ડાન્સિંગ મૂવ્ઝ માટે પણ પ્રખ્યાત છે. તેની એક ખાસિયત એ છે કે જ્યારે પણ હરીફ તેની સામે ફોરહેન્ડ અથવા વિનર્સ શોટ લગાવે તો તે તાળીઓ પાડીને તેમનો ઉત્સાહ વધારે છે. જ્યારે પણ તે ટેનિસ કોર્ટથી દૂર હોય ત્યારે ડેનવલરમાં અલ્ઝાઇમર પેશન્ટના એક ગ્રુપને પોતાના ડાન્સથી એન્ટરટેઈન કરે છે.

