સંજય લીલા ભણસાલીની ચિત્તૌડની રાણી ‘પદ્મિની’ પરથી બની રહેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવતી’ વિરુદ્ધ રાજસ્થાનના રાજપૂત સમાજના કેટલાક રાજપૂતો, રાજકારણી ઉમા ભારતી સહિતે એવ ટિપ્પણી કરી હતી કે ઇતિહાસના તથ્યોને તોડી મરોડીને ફિલ્મમાં દર્શાવાયા હોવાથી આ ફિલ્મ રિલીઝ થતી અટકાવવી જોઈએ. આ ફિલ્મની રિલીઝ રોકવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવતાં કહ્યું છે કે, કોઈ કે સેન્સર બોર્ડ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) કોઈ પણ ફિલ્મને રિલીઝ માટેનું સર્ટિફિકેટ આપતાં પહેલા તમામ બાબતો પર વિચારણા કરતું હોય છે. સેન્સર બોર્ડને પર્યાપ્ત માર્ગદર્શિકાઓ ફાળવવામાં આવી છે જેનું તેણે કોઈ પણ ફિલ્મને રિલીઝ કરવા દેતા પહેલા એને સર્ટિફિકેટ આપવાની બાબતમાં અનુસરણ કરવાનું રહેતું હોય છે. બોર્ડ તરફથી આ ફિલ્મ વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી હજી સુધી ધ્યાનમાં આવી ન હોવાથી ફિલ્મ નિર્ધારિત પહેલી ડિસેમ્બરે રિલીઝ કરી શકાશે. અરજદારોનું કહેવું હતું કે જ્યાં સુધી ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક ફિલ્મમાંની કથિત ઐતિહાસિક તથ્યો અંગેની ખામીઓ દૂર ન કરે ત્યાં સુધી ફિલ્મને રિલીઝ થવા દેવી ન જોઈએ. આ અંગે સંજય ભણસાલીએ ફિલ્મ ઘોષિત કરી ત્યારથી બાંયધરી આપી હતી કે, ફિલ્મમાં રાજપૂતો કે રાજપૂતાના ઇતિહાસની છબિને હાનિ પહોંચે તેવો એકેય સીન નહીં હોય.
ઉલ્લેખનીય છે કે ‘પદમાવતી’ અંગે હરિયાણામાં પણ આરોગ્ય પ્રધાન અનિલ વિજ પછી ઉદ્યોગ પ્રધાન વિપુલ ગોયલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને સંજય લીલા ભણસાલીને પત્ર લખીને જણાવ્યું હતું કે, ઇતિહાસ સાથે ચેડાં કરતી આ ફિલ્મને રિલીઝ થવા દેવી જોઈએ નહીં, પણ સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપી દીધી છે. તે જોતાં ફિલ્મ અંગેનો વિવાદ હજી વકરે તેવી વકી છે.

