ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નવનિયુક્ત વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીએ ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોની કથળેલી સ્થિતિ અને મડાગાંઠ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું હતું કે, નવી દિલ્હીના વિસ્તારવાદી ઈરાદા બંને પાડોશી દેશોના રચનાત્મક સંબંધો વચ્ચે મુખ્ય અવરોધસમાન છે.
૧૪ ઓગસ્ટે સ્વતંત્રતા પર્વે દેશવાસીઓને સંબોધતાં અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સ્વાયત્તતાની સમાનતાને આધારે દરેક પાડોશી દેશો સાથે સકારાત્મક અને રચનાત્મક સંબંધો સ્થાપિત કરવા માગે છે. આપણા દેશ તરફથી ભારત સાથેના સંબંધો સુધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, આપણે શાંતિ સ્થાપિત કરવા માગતા હતા, પરંતુ દરેક વખતે ભારતે વિસ્તારવાદી ઈરાદા સાથે બંને દેશો વચ્ચે મંત્રણા ન થવા દીધી.
આ પ્રસંગે ચીનના ઉપવડા પ્રધાન વાંગ યાંગે પાકિસ્તાનના સ્વતંત્રતા દિન સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. નોંધનીય છે કે ગત વર્ષે ઉરી સહિતના એક પછી એક આતંકી હુમલાને પગલે ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી હાથ ધરતાં બંને દેશો વચ્ચેની વાતચીત ઠપ્પ કરી દીધી હતી. તેમજ ‘સાર્ક’ સમિટનો પણ બહિષ્કાર કર્યો હતો. આ તમામ આતંકી હુમલામાં પાકિસ્તાનીઓની સંડોવણી છતી થઇ છે.
ફરી કાશ્મીરપુરાણ
પાકિસ્તાનના અત્યાર સુધીના તમામ વડા પ્રધાનોની જેમ અબ્બાસીએ પણ કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. તેમણે કાશ્મીર વિવાદને ઉકેલવા માટે દરમિયાનગીરી કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે કાશ્મીરમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે યુએનના પ્રસ્તાવો હેઠળ પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીર વિવાદને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.

