ન્યૂ યોર્કઃ કેન્સર એ આમ તો જીવલેણ રોગ છે પણ જો પહેલા કે બીજા સ્ટેજમાં તેનું નિદાન થાય તો સારવાર શરૂ કરીને તેમાંથી બચી શકાય છે. મોટાભાગના કિસ્સામાં કેન્સરનું નિદાન થાય ત્યારે ઘણું મોડુ થઈ ગયું હોય છે કેન્સર માટે જુદી જુદી દવાઓ અને તે પછીના તબક્કામાં કેમોથેરપીની સારવાર આપવામાં આવે છે.
જોકે તાજેતરમાં થયેલો અભ્યાસ એવું સૂચન કરે છે કે કેમોથેરપીની સારવારથી કેન્સર ઘટવાને બદલે વધે છે. અલબત્ત સ્તન કેન્સરના દર્દી માટે સારવારનો પહેલો વિકલ્પ મેડિસિન છે, પરંતુ તે જોખમી પણ છે.
કેન્સર વધ્યા પછી તેને મટાડવું મુશ્કેલ છે
કેમોથેરપીથી કેન્સરની ગાંઠ શરૂઆતમાં ઓગળે છે, પણ પછીના તબક્કામાં તે વધુ આક્રમકતા સાથે વધે છે. શરીરના અન્ય અંગોમાં કેન્સરનો વ્યાપ વધ્યા પછી તેને મટાડવું મુશ્કેલ છે. ન્યૂ યોર્કની કોલેજ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ મેડિસિન એ સારવારનો ટૂંકા ગાળાનો જ વિકલ્પ છે.
ગંભીર કેસમાં સર્જરીની સલાહ અપાય છે
ડો. જ્યોર્જ કારાજિયાનિસ કહે છે કે કેમોથેરપીમાં તેઓ દર્દીનાં અન્ય અંગોમાં કેન્સરની ગાંઠ ફેલાય નહીં તે માટે તેની હિલચાલ પર નજર નાખે છે. કેમોથેરપી પહેલાં અને પછી કેન્સરની ગાંઠના કેટલાક કોષો કાઢીને તેની અસરનો અભ્યાસ કરવામાં આવે છે. જો અમને એવું જણાય કે કેન્સરનાં જીવાણુઓ ફેલાઈ રહ્યાં છે તો સર્જરી કરીને તે અંગ કાઢી નાખવાની સલાહ પણ આપીએ છીએ.
તેમણે કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં જીવાણુઓ શરીરનાં અન્ય અંગોમાં પ્રસરતા જોવા મળે છે.
સ્તન કેન્સરમાં ગાંઠમાંથી કેન્સરના જીવાણુઓ ફેલાવાની પ્રક્રિયા હવે સામાન્ય બની ગઈ છે. અગાઉ ૨૦૧૨માં કરવામાં આવેલો અભ્યાસ પણ એવું તારણ દર્શાવતો હતો કે કેમોથેરપીથી કેન્સર મટવાને બદલે વધુ આક્રમકતા સાથે વધે છે.

