શ્વેતામ્બર જૈનોના પર્વાધિરાજ પર્યુષણનું આગમન ૧૮થી ૨૫ ઓગસ્ટ રોજ થઇ રહ્યું છે. (શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪). સામાન્યતઃ પર્વો બે પ્રકારના હોય છેઃ લૌકિક અને લોકોત્તર. પર્યુષણ પર્વ લોકોત્તર પર્વ કહેવાય છે. મન-તન-ધનની શુદ્ધિનું આ પર્વ. વ્રત, તપ, જપ, આરાધના દ્વારા આત્માને ઓળખવાનું આ પર્વ હોવાથી જ એ સર્વ પર્વોમાં રાજા કહેવાય છે.
વ્યવહાર, વ્યાપારમાં વ્યસ્ત માનવીઓ માટે બારે માસ ધર્મ આરાધના કરવાનું આસાન નથી હોતું એટલે આવા પર્વના આગમનથી એ વ્યવહારમાં ભૂલાઇ ગયેલા નૈતિક મૂલ્યોની યાદ તાજી કરી કર્મોનું સરવૈયું કરવાનો સમય ફાળવી સારા અને સાચા માનવી બનવાનો પ્રયાસ ચાલુ રાખી શકે છે. આ આઠ દિવસ શ્રાવક-સાધક નિષ્ઠાપૂર્વક ધર્મ આરાધના કરે અને નિત્ય જીવનમાં નિયમથી આરાધના કરે તો પર્યુષણના નિમિત્ત પર્વથી આત્મશ્રેય થવા સંભવ છે. પર્યુષણ પર્વ પૂરા થતાં આરાધના પૂર્ણ થતી નથી, પણ તેમાંથી ધર્મભાવના દ્રઢ થઇને નિત્ય ધર્મકાર્ય કરવાનું પ્રેરણા બળ ટકી રહે તેવો એનો હેતુ છે.
પર્યુષણ પર્વના આઠ દિવસોમાં સંસારના મૂલાધાર સમાન ચાર કષાયો (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભથી મુક્તિ... (૫) મન શુદ્ધિ (૬) વચન શુદ્ધિ (૭) કાય શુદ્ધિની પ્રાપ્તિ અને એ નિર્મલ થયેલા ત્રિકરણ યોગ દ્વારા (૮) સમસ્ત સંસાર સાથે મૈત્રીના મંડાણ! કેવી સરસ ભાવના. આપણે એનું ચિંતન કરીએ કે એ કઇ રીતે?
પર્યુષણ પર્વ દરમિયાન જૈનોના ધાર્મિક ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થાય છે. એનો મહિમા શાસ્ત્રકારોએ અગણિત પ્રકારે વર્ણવ્યો છે. આજના બુદ્ધિપ્રધાન યુગમાં લોકોને સદ્વૃત્તિ અને સદ્ભાવ તરફ વાળવા આ ગ્રંથ ઉપકારી છે. પરમ પરમાત્મા તીર્થંકર દેવોએ ઉપદેશેલા તત્ત્વોને ગણધર ભગવાને સૂત્રબદ્ધ કર્યા છે. પરંપરાએ તે શાસ્ત્રબદ્ધ થયા. તેમાં આચાર્ય ભગવંતોની કરુણાશીલ દ્રષ્ટિનો પ્રભાવ છે. જ્ઞાન વગરનું જીવન અંધકારમય હોય છે.
કષાયોના કર્મોમાં સર્વ પ્રથમ સ્થાને છે ક્રોધ. આપણે સૌ જાણીએ છીએ કે ક્રોધ આપણા જીવનની શાંતિ હણી અશાંતિની આગની જ્વાળામાં અનર્થો સર્જે છે. એક અવિચારી પગલું, આવેશમાં આવીને ઉચ્ચારેલા વેણ અને એના પરિણામો પીડાજનક હોય છે. ક્રોધની આગમાં વ્યક્તિ સ્વયં બળે છે અને બીજાને ય બાળે છે. ક્રોધાવેશમાં વ્યક્તિ દિમાગની સમતુલા ગુમાવી બેસે છે. આથી જ ક્રોધ પર વિજય મેળવવાથી જીવનનો બાગ ખીલી ઉઠે છે.
બીજા સ્થાને છે માન: માન એટલે અહંકાર-અભિમાન. સામાન્ય રીતે માનવીના મનમાં માનની ઝંખના તીવ્ર હોય છે. અહંકારથી વિનયનો વિનાશ થાય છે. વિનયના અલૌકિક ગુણને અહંકાર જોતજોતામાં જ ખતમ કરી દે છે માટે જ કહ્યું છે, ‘માણો વિણય નાસણો’ મતલબ કે જ્યાં ઢાળ હોય ત્યાં પાણી ટકી ન શકે એમ અહંકાર હોય ત્યાં વિનય પણ ન જ ટકી શકે! પ્રભુ મહાવીરે માનના મૃત્યુ કાજે નમ્રતાનું નિર્માણ કરવાનું કહ્યું છે.
ત્રીજા સ્થાને છે માયા. છલ, કપટ, દંભ, ગૂઢતા... આ બધા માયાના પર્યાયો છે. પગમાં વાગેલ શૂળનો કાંટો, દાંતમાં ભરાયેલ દાણો, આંખમાં ખૂંચતું રજકણ જેમ પીડાજનક છે એવું જ માયાનું છે. ગમેએટલી આરાધના કરીએ પણ મનમાંથી માયાનો કાંટો દૂર ન થાય તો એ બધું એળે જાય. માયાના નુકશાન અંગે શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘માયા મિત્તાણિ નાસેઇ’ મતલબ કે માયા મિત્રોનો નાશ કરે છે. સર્પનો જેમ કોઇ વિશ્વાસ ન કરે એમ માયાવી માનવીનો પણ કોઇ વિશ્વાસ ન કરે! માયાથી મુક્તિ મેળવવા પ્રભુ મહાવીરે સરળતાને આત્મસાત્ કરવાનો સરળ ઉપાય બતાવ્યો છે. છલનાનો છેદ કરી, કપટની કતલ કરી, માયાનું મોત કરી આપણે સરળતાનો સાક્ષાત્કાર કરીએ.
ચોથા સ્થાને છે લોભ. ઇચ્છા, આસક્તિ, લાલસા, મમત્વ, ઝંખના... આ લોભના વિધવિધ રૂપો છે. આપણે કહીએ છીએ કે લોભને કોઇ થોભ નથી! ચાહે ચક્રવર્તી હો યા ચાકર, કરોડપતિ હો યા રોડપતિ, સહુના અંતરમાં અતૃપ્તિની આગ લાગેલી હોય છે. મૃત્યુ થતાં સાથે કંઇ જ આવવાનું નથી એ સત્ય જાણવા છતાં લોભથી મુક્ત કોઇ રહી શકતું નથી. પ્રભુ મહાવીરે આ ભયંકર લોભના થોભ કાજે સંતોષનો સેતુબંધ રચવાનો ઉપાય દર્શાવ્યો છે.
પર્યુષણ પર્વના પ્રથમ ચાર દિવસમાં આ એક - એક કષાયોમાંથી મુક્તિ મેળવીએ તો જ સાચા અર્થમાં એની ઉજવણી કરી કહેવાય.
પાંચમા દિવસે હવે મનના પ્રદૂષણને દૂર કરવાનું છે. મનને મલિન કરનાર ત્રણ તત્વો છેઃ રાગ, દ્વેષ અને મોહ.
મલિન જળને શુદ્ધ કરવા માટે એમાં ફટકડી નાંખીએ અને એ શુદ્ધ જળ પીવાલાયક બને એમ આપણે પણ મનની મલિનતા પરમાત્માના સંયોગથી દૂર કરી વિતરાગી બનીએ. આચાર્ય હરિભદ્રસુરીજીએ ‘અષ્ટક પ્રકરણ’માં લખ્યું છે કે, ‘રાગો, દ્વેષોશ્ચ, મોહેશ્ચ ભાવમાલિન્યહેતવ:’ અર્થાત્ પરમાત્માના ધ્યાનથી આ ત્રણેય તત્વો દૂર થાય છે અને મન નિર્મળ બને છે.
છઠ્ઠા દિવસે વચન શુદ્ધિની વાત આવે છે. જીવસૃષ્ટિમાં માત્ર માનવીને જ વાણીની વિશિષ્ટ દેન મળી છે. આ દુર્લભ શક્તિનું મૂલ્ય પણ મહાન છે. વાણી ધારે તો કાતરનું કામ કરે અને ધારે તો સોયનું કામ કરે. પંચસૂત્રના પ્રણેતા મહર્ષિએ વાણીની વિશુદ્ધિ કાજે ચાર વાતો દર્શાવી છે: (૧) અસત્ય ભાષણનો ત્યાગ (૨) કઠોર વચનનો ત્યાગ
(૩) ચાડીચુગલીનો ત્યાગ, ખરીખોટી નિંદાનો ત્યાગ અને (૪) અસંબદ્ધ કથનનો ત્યાગ. આ ચાર બાબતો આત્મસાત્ થઇ જાય તો વાણી વિશુદ્ધ-વિમલ બની જાય. કોયલની મીઠી વાણી કર્ણપ્રિય લાગે છે જ્યારે કાગડાની કર્કશવાણી સાંભળવી જરાય ગમતી નથી. એક કટુ વચન જીવનમાં ઝંઝાવાત સર્જે છે માટે જ વાણી પર સંયમ રાખવાનું કહ્યું છે.
અને સાતમા દિવસે અંતિમ શુદ્ધિ કાય શુદ્ધિની વાત છે. આપણો કાયા સાથેનો સંબંધ ઘનિષ્ઠ છે. કાયાની શુદ્ધિ માટે સવારે સ્નાન કરીએ છીએ પણ સાંજ પડે એ મલિન થઇ જાય છે. કાયાની શુદ્ધિ માટે જાતજાતના શણગાર સજીએ છીએ, અવનવા વસ્ત્રો ધારણ કરીએ છીએ પણ એ બાહ્ય શુદ્ધિ છે. કાયાની સાચી શુદ્ધિ તો એના એક એક અંગનો સદુપયોગ થાય ત્યારે જ થાય. આપણા હાથ સદ્કાર્યોમાં પ્રવૃત્ત રહે, હૃદયમાં કરુણાભાવ વહે, આંખોમાં પ્રેમભાવ હોય, પ્રામાણિક્તાને અપનાવીએ.
પર્વાધિરાજના સાર સ્વરૂપ આઠમો દિવસ એટલે સંવત્સરી. એ મહામૂલો દિવસ મૈત્રીના મંગલનાદનો છે. શરૂઆતના સાત દિવસ પૂર્વ તૈયારીના અને આઠમો દિવસ પરીક્ષાનો! સાત સાત દિવસની સફળતાનું સરવૈયું કાઢવાનો આ અવસર. જગતના જીવમાત્ર પ્રત્યે વેરનો વિનાશ કરીને મૈત્રીનો મીઠો નાદ જગાવવાનો છે. સંવત્સરીનો પ્રાણ છે ક્ષમાપના.
અંતરના આકાશમાં ક્ષમાભાવ ઉજાગર કરવાનો છે. સૌ જીવોને અંતરના ઉંડાણથી ખમાવવાના છે. ક્ષમા વીરનું ભૂષણ છે.
‘ખામેમિ સવ્વ જીવ્વા, સવ્વ જીવ્વે ખમંતુ મે, મિત્તિમે સવ્વ ભૂએસુ, વેરં મજ્ઝં ન કેણઇ’
સંવત્સરીના દિને જેનું વાંચન થાય છે એ પરમ પવિત્ર આગમગ્રંથ ‘બારસા સૂત્ર’ના શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, ‘જે વ્યક્તિ વેરની ગાંઠો તોડીને શાંત-પ્રશાંત-ઉપશાંત થાય છે તેને જ આરાધનાનો લાભ થાય છે, જે ઉપશાંત નથી થતી તેને આરાધનાનો લાભ નથી થતો કારણ કે તમામ ધર્મનો, સાધુતાનો પણ સાર ઉપશમ ભાવ છે.’ આ શબ્દોના મર્મને સમજી હૃદયમાં મૈત્રીભાવનું ઝરણું વહાવીશું તો જ આપણી સંવત્સરીની સાધના અને પર્યુષણની આારાધના સાર્થક લેખાશે.
ક્ષમાની સાધનાનો શ્રેષ્ઠ - સચોટ ઉપાય , ‘સામો થાય આગ તો તું થજે પાણી...’ એવી છે પ્રભુ મહાવીરની વાણી. વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જગમાં...
ક્ષમાપનાના આ પર્વે સૌ સગાં-સંબંધી-સ્નેહીજનો, મિત્રો અને ‘ગુજરાત સમાચાર'ના સૌ વાચકોને ખરા અંત:કરણથી અમે મિચ્છામિ દુકકડમ પાઠવીએ છીએ. જાણતા-અજાણતાં, વાણી-વર્તનથી કોઇનું પણ મન દુભવ્યું હોય તે સૌ અમને ક્ષમા આપે એવી પ્રાર્થના...

