વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારત યાત્રા દરમિયાન મંગળવાર - પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદના આપણા કાર્યાલયમાં કેટલાક અગ્રણીઓ, પદ્મશ્રી અને આપણા માનદ્ તંત્રી વિષ્ણુ પંડ્યા, અમદાવાદ કાર્યાલયના બ્યૂરો ચીફ નીલેશ પરમાર સાથે હું વાતચીતમાં પરોવાયો હતો. વચ્ચે બે’ક ઘડીનો ગેપ મળ્યોને આદતવશ આઇપેડ નજર ફેરવી તો એક મેઇલ દેખાયો. મોકલનાર હતા નગીનદાસ ખજુરિયા. કુતૂહલવશ તરત જ ક્લિક કર્યું ને મેઇલ ઓપન કર્યો. વાંચ્યો તો અંતરમન લાગણીભીનું થઇ ગયું. નગીનદાસભાઇનો હૃદયસ્પર્શી પત્ર વાંચીને મિત્રો સાથે ચર્ચાનો દોર થોડીક વાર અટકાવી દીધો. નગીનદાસભાઇએ પત્રમાં એવું તે શું લખ્યું હતું?! તેમના અંગ્રેજી પત્રનો ગુજરાતી ભાવાનુવાદ રજૂ કરું છું...
•
૧-૮-૨૦૧૭
મંગળવાર
અલવિદા
પ્રોફેસર અઝીમ ખ્વાજા અને તેમની ટીમ (યુસીએલ હોસ્પિટલના) ૧૬મા માળે આવેલા બેડ નંબર ૩૦ પર હમણાં જ મને મળવા આવી હતી અને મને જણાવ્યું કે તમારી શારીરિક સ્થિતિ જોતાં હવે એન્ટીબાયોટિક્સ અને કેમોથેરપીની સારવાર અસરકારક રહ્યા નથી. આથી હવે અમે આ બધું બંધ કરી રહ્યા છીએ.
તેમણે મને એમ પણ જણાવ્યું કે મારી પાસે હવે બહુ થોડોક જ સમય છે. અમે તમને તમારી દીકરીના ઘરે ખસેડવાનું નક્કી કર્યું છે, તમને ડિસ્ચાર્જ કરી શકાય તેમ છે તેવું લાગશે કે તરત જ ત્યાં ખસેડશું.
વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે સેજલની જીપી સર્જરીમાં મારું નામ રજીસ્ટર કરાશે અને ઇલેક્ટ્રિક હોસ્પિટલ બેડ તથા રિક્લાઇનિંગ ચેર ખસેડીને મારી દીકરીના નિવાસસ્થાને બેઝમેન્ટ રૂમમાં લઇ જવાશે. આ મારો બેડરૂમ હશે, જેની સાથે શાવર રૂમ જોડાયેલો છે. આ ઉપરાંત ત્યાં ફુલ સાઇઝ પિયાનો, ગિટાર, હાર્મોનિયમ, સિતાર અને તબલા પણ છે. બેક ગાર્ડનમાં ફુલ સાઇઝ ટેબલ ટેનિસ છે.
જો મારું દર્દ ખૂબ જ વધી જશે, તો હોસ્પિસની નર્સ ૨૪ કલાકની પેઇન કિલર ડ્રીપ મારા શરીર સાથે જોડી દેશે જેથી મારે અંતિમ દિવસોમાં વધુ પીડા ભોગવવી ન પડે.
જો મારા માટે ત્યાં રહેવું અસંભવ જ બની જશે તો પછી તેઓ મને છેલ્લા બેથી ત્રણ અઠવાડિયા હેમ્પસ્ટેડમાં, બાજુના જ રસ્તા પર આવેલી, મેરી ક્યુરી હોસ્પિસમાં ખસેડશે.
મેં મારી ૭૫ વર્ષની જિંદગીનો મોટા ભાગનો સમય હસીમજાક, સાહસ, વિજ્ઞાન - માનવતા - કળા વગેરે ક્ષેત્રે તાલીમ અને અભ્યાસ સાથે ભરપૂર ખુશાલીમાં વીતાવ્યો છે. સ્વજનો, નોકરીદાતાઓ, શિક્ષકો, મારા સંશોધન સાથીદારો, પરિવારો અને ક્લાયન્ટ્સ પાસેથી ઘણું બધું શીખ્યો છું. હું જે કંઇ પણ જાણું છું તે બધું તમારા બધા પાસેથી જ શીખ્યો છું.
આમ મારું જીવન સફળ બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
અલવિદા... આપ સહુ પર પરમાત્માની કૃપા વરસતી રહે.
- નગીનદાસ ખજુરિયા
•
મેં મનોમન પ્રાર્થના કરી અને નગીનદાસભાઇને વળતા મેઇલમાં તરત જ પ્રતિભાવ પાઠવ્યો...
માય ડિયર નગીનદાસ, જય જિનેન્દ્ર. તમે લાખોમાં એક છો. તમારા માટે, તમારા પરિવાર અને મિત્રો માટે ઘણું જ ગૌરવ અનુભવું છું. અત્યારે તો હું ભારતમાં છું... પરત ફર્યા બાદ તમને મળવા આવીશ. તમારા હાથ સાથે મારો હાથ જોડી આપણે પ્રાર્થના કરીશું. લાગણી વ્યક્ત કરવા શબ્દો ખૂટી પડે છે. તમે મહાન છો...
- સી.બી.
•
કોઇ વ્યક્તિને દસેક વર્ષ પૂર્વે બ્લડ કેન્સરનું નિદાન થયું હોય. ઉપચાર સાથે જ તેમનું મક્કમ મનોબળ વત્તા તેમના પરિવારની પ્રેમાળ સારસંભાળના પરિણામે પુનઃ તંદુરસ્તી પ્રાપ્ત કરી હોય. અને રોજિંદા જીવનમાં સક્રિય બન્યા હોય તેવા કેટલા કિસ્સા તમે જાણો છો? ગમેતેટલું માથું ખંજવાળશો તો પણ ભાગ્યે જ કોઇ નામ યાદ આવશે. કારણ કે કેન્સર શબ્દ જ એવો છે કે તે ભલભલાને ધ્રુજાવી દે છે. કેન્સર એટલે (જિંદગી) કેન્સલ એમ લોકો માની લેતા હોય છે. પરિણામે કેન્સરના નિદાન બાદ - સારવાર શક્ય હોય તો પણ - વ્યક્તિ મનોમન પડી ભાંગતી હોય છે. આ સમયે સ્વાસ્થ્ય માટે નબળું મનોબળ - કેન્સર કરતાં - વધુ નુકસાનકારક સાબિત થતું હોય છે.
પરંતુ નગીનદાસ ખજુરિયા જેમનું નામ... મક્કમ મનોબળથી કેન્સરને તો પછાડ્યું જ, જાહેર - સામાજિક જીવનમાં સક્રિય પણ થયા. કોઇ ભૂતકાળના પોપડાં ન ઉખેડે તો સામે વાળી વ્યક્તિને ખબર સુદ્ધાં ન પડે કે આ નગીનદાસભાઇ જીવલેણ બ્લડ કેન્સરને પણ માત આપી ચૂક્યા છે.
આવા નગીનદાસભાઇને ગયા વર્ષે એકાએક શરીરના આ અદભૂત યંત્રે નવી સમસ્યામાં જકડી લીધા. તેમને હોજરીમાં કેન્સર હોવાનું નિદાન થયું. રોગનું નામ બદલાયે કંઇ નગીનદાસભાઇનો જુસ્સો થોડો બદલાય?! વિનમ્ર, સાલસ, વિવેકી અને પારાવાર શારીરિક સમસ્યા છતાં પણ મન-વિચાર-વાણીથી સ્વસ્થ એવા નગીનદાસભાઇ સેન્ટ્રલ લંડનની યુસીએલ હોસ્પિટલમાં એડમિટ થયા. તેમની લાયકાત, પ્રકૃતિથી પ્રભાવિત દાક્તરોએ તેમને પૂરા ૭૦ દિવસ અલાયદા રૂમમાં રાખ્યા, સારસંભાળ લીધી. હું તે સમયે તેમને મળવા ગયો હતો, જોવા નહીં હોં...
શ્રી નગીનદાસભાઇ ખજુરિયા સાથેનો મારો પરિચય એશિયન વોઇસ સાપ્તાહિક નવા સ્વરૂપે પુનઃ પ્રકાશિત થયું ત્યારથી. લગભગ ૧૭ વર્ષ કહોને... લેટર્સ ટુ ધ એડિટર કોલમમાં વિવિધ વિષયો પર નિયમિતપણે તેમના પત્રો પ્રકાશિત થતા રહ્યા છે - હજુ હમણાં સુધી.
નગીનદાસભાઇનો જન્મ સુદાનમાં. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ. એકાઉન્ટીંગ, ટેક્સ તેમજ મેનેજમેન્ટ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા નગીનદાસભાઇ આ દેશમાં અને વિદેશમાં ટોચની કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે. યુનોમાં પણ મહત્ત્વની જવાબદારી સંભાળી છે. લંડનમાં કાયમી ધોરણે સ્થાયી થયા બાદ બિઝનેસ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે પણ ભારે નામના મેળવી.
આ બધું વાંચીને રખે માની લેતા કે નગીનદાસભાઇ માત્ર આંકડાઓના માણસ છે. સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકારની દુનિયામાં વસતાં હોવા છતાં પણ તેમને સાહિત્ય, કળા, ગીત-સંગીતમાં ભારે રસ. સાંપ્રત જીવન સાથે સંકળાયેલી બાબતોના પણ ઊંડા અભ્યાસુ. વર્તમાન વૈશ્વિક પ્રવાહોના અચ્છા જાણકાર. તમે વિષય છેડો ને માહિતીનો ભંડાર ખુલે. એક વ્યક્તિ જો ધારે તો પોતાના અતિશય વ્યસ્ત વ્યાવસાયિક જીવન અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવીને કેટલું ભર્યુંભાદર્યું જીવન જીવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે નગીનદાસ ખજુરિયા. (સમય નથી... સમય નથી...ની ફરિયાદ કરતા રહેતા લોકોએ આમાંથી બોધપાઠ લેવો રહ્યો.)
આ બધા ઉપરાંત નગીનદાસભાઇના વ્યક્તિત્વનું સૌથી ઉત્તમ પાસું હોય તો તે જીવન પ્રત્યેનો (હંમેશા) હકારાત્મક અભિગમ. દોઢ દાયકા કરતાં વધુ લાંબા આ મિત્રતાપૂર્ણ સંબંધમાં મેં ક્યારેય તેમને નિરાશ, હતાશ કે નાસીપાસ થતા જોયા નથી - મુશ્કેલી ભલેને ગમેતેટલી મોટી હોય. તેઓ જે જુસ્સાથી બ્લડ કેન્સર જેવી બીમારી સામે લડ્યા છે તે જ જુસ્સો તેમણે જીવનના દરેક તબક્કે જાળવ્યો છે. જેવું બોલે તેવું જીવે. ખોટો દંભ કે દેખાડો નહીં. જીવનશૈલી એકદમ સાત્વિક. જૈન ધર્મના અનુયાયી. શુદ્ધ શાકાહારી. નિર્વ્યસની એવા નગીનદાસભાઇ જેવા વ્યક્તિના વર્ષોથી મિત્ર હોવાનું મને હંમેશા ગૌરવ રહ્યું છે.
નગીનદાસભાઇએ એશિયન વોઇસમાં વિવિધ વિષયો પર લખેલા તેમના ૪૦૦ ચુનંદા પત્રોના એક દળદાર ગ્રંથનું સંપાદન કરીને પ્રકાશન પણ કર્યું છે. બે વર્ષ પૂર્વે નેહરુ સેન્ટરમાં યોજાયેલા શાનદાર સમારંભમાં આ પુસ્તકનું લોકાર્પણ કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. આ પ્રસંગે અનેકવિધ ક્ષેત્રના કંઇકેટલાય પ્રતિષ્ઠિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નગીનદાસભાઇને બિરદાવ્યા હતા.
ચોથી ઓગસ્ટે ભારત પ્રવાસેથી લંડન પરત ફર્યો. શનિવારે તેમને ફોન કર્યો. મને એમ કે તેઓ હોસ્પિટલમાં હશે, પરંતુ તેમને હોસ્પિસમાં લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિસમાં સામાન્યપણે ઉચ્ચ પ્રકારની માનવતાભરી, અને સાચા અર્થમાં માણસાઇભરી ટ્રીટમેન્ટ મળતી હોય છે. જોકે હોસ્પિસમાં દાખલ થનાર દર્દીને લગભગ ખયાલ તો આવી જતો હોય છે કે જીવનયાત્રાનો અંતિમ પડાવ નજીક આવી ગયો છે. જીવનયાત્રાની ગમેતે ઘડીએ પૂર્ણાહૂતિ થઇ શકે છે.
રવિવારે બપોરે મળવા જવાનું વિચાર્યું. ફોન કરીને ઇચ્છા વ્યક્ત કરી તો નગીનદાસભાઇએ હેતભેર મને મળવા બોલાવ્યો. શનિવારે રાત્રે પથારીમાં પડ્યો ત્યારે મનમાં વિચારોના ઘોડા પૂરપાટ દોડતા હતા. હું એકલો જઇને તે શું વાત કરીશ? નગીનદાસભાઇ માટે શું લઇ જઉં કે તેમને આનંદ થાય? કઇ પ્રાર્થના કે ગીત રજૂ કરું તો તેમને સૌથી વધુ ગમશે? આ અને આવા બધા પ્રશ્નો સાથે મનમાં જૂના સંસ્મરણો દોડાદોડ કરતા હતા.
રવિવારે વહેલી સવારે ઉઠ્યો. થોડોક પરવારીને માનસપુત્રી જેવા માયાબહેનને ફોન કર્યો... પણ લો ને માયાબહેનના શબ્દોમાં જ બીના વાંચીએ...
•
એક યાદગાર દિવસ
તા. ૬-૮-૨૦૧૭ રવિવારના રોજ સવારે લગભગ ૧૧-૦૦ વાગ્યે પૂ. શ્રી સી. બી. પટેલનો ફોન આવ્યો - ‘કેમ છો? મજામાં?’ ઔપચારિક કૌટુંબિક પ્રશ્નો સાથે પૂછ્યું - ‘આજે શું કરો છો?’
મેં કહ્યુંઃ ‘બસ હાલ મારો સવારનો રિયાઝ પૂરો કરી વાંચન કરું છું. સાંજે ફ્રી છું.’
મને પૂછ્યુંઃ ‘સાંજે ફ્રી છો તો એક પરિચિત ભાઈને મળવા હોસ્પીસમાં જઈ રહ્યો છું. બપોરે ૪થી ૫-૩૦માં આપ પહોંચી શકશો?
મેં કહ્યુંઃ ‘હા’
પછી વાતચીત પરથી ખબર પડી કે શ્રી નગીનભાઈ ખજુરિયા જેઓને મેડિકલ ચેકઅપ દરમિયાન ખબર પડી કે દશ વર્ષ બાદ બીજું કેન્સર છે અને કોઈ પણ પળે તેઓ વિદાય લઈ શકે છે. અત્યારે તેઓ Marie Curie Hospice, Hampstad, Londonમાં છે. જેઓ પોતે જૈનધર્મી છે અને મારે ત્યાં જઈને જૈન સ્તવનો સંભળાવવાના છે. મેં તુર્ત જ હા પાડી કારણ કે મને ભગવાને જે સંગીતની ગિફ્ટ આપી છે તેના થકી સુંદર સ્તવનો માણસની વિદાયની ઘડી નજીક હોય તેને હું સંભળાવી શકું એ મારા માટે ખૂબ જ કિંમતી હોય.
લગભગ ૪ વાગ્યે હું ટેક્સી કરીને પહોંચી - હોસ્પિટલમાં. શરૂઆતમાં પૂ. શ્રી નગીનભાઈ અને તેમના ધર્મપત્ની સીમાબહેન સાથે મારી ઓળખાણ પૂ. શ્રી સી. બી. પટેલે કરાવી. સીમાબહેન મારાથી પરિચિત હતા જ પણ જે મેં ત્યાં દૃશ્ય જોયું એ જોઈને મને થયું કે કેવી સૃષ્ટિના સર્જનહારની લીલા! સ્તવનો (જૈન) ગાવાના મેં શરૂ કર્યાં. સમરો મંત્ર ભલો નવકાર એ છે ચૌદ પૂરવનો સાર... હે કરુણાના કરનારા... અમે મન મૂકીને વરસ્યા. ઘણા બધાં જૈન સ્તવનો હું ગાતી હતી તેની સાથે વડીલ શ્રી નગીનભાઈ અને સીમાબહેન પણ સાથે સાથે ગાતા હતા. મેં છેલ્લું સ્તવન ચિત્રભાનુ મહારાજનું શરૂ કર્યું, ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે...’
વડીલ મારી સાથે સાથે ગાતા હતા. ખૂબ જ શ્વાસ-ઉધરસ શરૂ થઈ. હાંફવા માંડ્યા. મારું ગાવાનું ચાલું જ હતું, પણ એ દરમિયાન એમના પત્ની સીમાબહેને એમને બામ ઘસ્યો - ગરમી લાગતી હતી તો ઉપરનો શર્ટ દૂર કર્યો. આ બધી પ્રક્રિયા દરમિયાન ગાવાનું તો ચાલુ જ હતું. અચાનક બંને એકબીજાને એટલું બધું વહાલ કરવા માંડ્યા. માથે હાથ ફેરવે, અને એકબીજાને વળગીને બંને રડતા જાય. એમને ખબર હતી કે આ અમારો સંગાથ ગમે ત્યારે અધવચ્ચે અટકી જવાનો છે. મારી આંખમાંથી પણ આંસુ નીકળી ગયા. પૂ. સી. બી. પટેલને પણ બે મિનિટના મૌનમાં આંસુ વહેવા માંડ્યા. મને ત્યારે વિચાર આવ્યો કે કેટલી વેદનામાં પણ પ્રેમનો સમુંદર લહેરે છે.....
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે? એ સાથે સ્વ. શ્રી સુરેશ દલાલની રચના યાદ આવી ગઈ.
‘કમાલ કરે છે...
એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે.’
મેં વિચાર્યું મોત જીવનનો અંત કરે છે - સંબંધોનો નહીં.
- માયા દીપક
•
રવિવાર - છઠ્ઠી ઓગસ્ટની સાંજ સાચે જ સુધરી ગઇ. સીમાબહેન, નગીનદાસભાઇ તેમજ માયાબહેનનો અત્યંત ઋણી છું કે જીવનમાં કંઇક સાચું, કંઇક સારું, કંઇક સદભાવભર્યું કાર્ય કરવાનો મને અવસર સાંપડ્યો. નગીનદાસભાઇએ પોતાની ભાષામાં અમારી આ પ્રાર્થના-બેઠક વિશે લખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રવિવારે - ૧૩ ઓગસ્ટ સુધી કંઇ સંદેશ ન મળતાં મેં નગીનદાસભાઇના ખબરઅંતર જાણવા સીમાબહેનને ફોન કર્યો. તો એક ખૂબ આનંદજનક સમાચાર સાંપડ્યા.
સીમાબહેને જણાવ્યું કે ગયા મંગળવાર - આઠમી ઓગસ્ટે તેમના પુત્રના સુચનથી હોસ્પિટલના ટોચના ડોક્ટરોએ નગીનદાસભાઇને તપાસીને ચર્ચાવિચારણા બાદ નક્કી કર્યું કે તેમની તબિયત હવે સ્ટેબલ (સ્થિર) હોવાથી હોસ્પિસમાંથી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો. આમ હવે તેઓ હોસ્પિટલમાં છે. આનો અર્થ એ થયો કે નગીનદાસભાઇની તબિયત સુધરતી ભલે ન હોય, પરંતુ વધુ કથળતી તો અટકી જ છે. સતત નબળા પડતા સ્વાસ્થ્યના બદલે જૈસે થે સ્થિતિ સારો સંકેત હતો.
આ જાણીને મને આનંદ થયો. સીમાબહેનના અવાજમાં પણ સ્વસ્થતાનો રણકો હતો. મેં તેમને ફોન પર જ જણાવ્યું કે બહેન, આપણે કેવા નસીબદાર છીએ. હું એમ નહીં કહું કે માયાબહેનના ગીત-સ્તવન કે આપણા સહુની પ્રાર્થનાથી નગીનદાસભાઇનું આરોગ્ય ફરી સુધરી રહ્યું છે, પરંતુ એકમાત્ર પરિણામ સ્પષ્ટ જોઇ શકાતું હોય તો તે એ છે કે મજબૂત મનોબળ અને આપના જેવા પરિવારજનોની હેતભાવ ભરી સમર્પિત સેવાસુશ્રુષા રંગ લાવી રહી છે.
વાચક મિત્રો, ઇશ્વર છે કે નહીં તે મને પૂછતા નહીં, પણ શ્રદ્ધા બાબત તો મને કોઇ શંકા નથી. મનુષ્યોના આ બધા જ લક્ષણોમાં આત્મવિશ્વાસ, પ્રબળ જીજીવિષા, મજબૂત મનોબળ... એ બધાનો કોઇ મુકાબલો નથી.
નગીનદાસભાઇ જેવા કંઇકેટલાય હશે કે જેઓને દરવાજે મૃત્યુ ઊભું હોવા છતાં તે આત્માને વિચલિત કરી શકતું નથી. કારણ? તેમનો સ્વભાવ, પ્રકૃતિ આવી વ્યક્તિ પોતાના સ્વભાવથી મૃત્યુ ઉપર પણ પોતાનો પ્રભાવ પાડી શકે છે. એટલું જ નહીં, વ્યક્તિ ઇચ્છે તો અદભૂત માનવદેહના નાના-મોટા અંગઉપાંગો કે અન્ય સંરચના ઉપર પણ લગભગ ધારી અસર નીપજાવી શકે છે.
નગીનદાસભાઇનો સુસંગ થયો તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. વ્યક્તિ અસાધ્ય કે અન્ય બીમારીમાં અકારણ-સકારણ સપડાય ત્યારે એકમાત્ર આશરો જગતનિયંતામાં શ્રદ્ધા અને પોતાનો મજબૂત નિર્ધાર હોવાનું આધુનિક વિજ્ઞાને પણ એકથી વધુ વખત સ્વીકાર્યું છે.
વાચક મિત્રો, નગીનદાસભાઇના વ્યક્તિત્વનો આટલો વિગતે પરિચય કરાવ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમનું જીવનકવન મારા - તમારા - આપણા સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. આ મારો અંગત મત હોય શકે છે, પરંતુ નગીનદાસભાઇ જેવું વ્યક્તિત્વ મેં તો બહુ ઓછું જોયું છે. તન-મનને લાભકારક ખોરાક માટે આરોગ્ય નિષ્ણાતો ‘સુપર ફુડ’ શબ્દ વાપરે છે. નગીનદાસભાઇ એવું તે ક્યું સુપર ફુડ ખાતા હશે કે તનથી નબળા પડવા છતાં મનના બળિયા બની રહ્યા છે? બાપલ્યા, નગીનદાસભાઇનો (જીવન પ્રત્યેનો) અભિગમ કોઇ સુપર ફુડને આભારી નથી. સમસ્યા નાની હોય કે મોટી, તનની હોય કે મનની - દૃઢ નિર્ધાર અને હકારાત્મક અભિગમ સાથે તેનો સામનો કરવામાં આવે તો મહદ્ અંશે જીવન સરળ બની રહે છે. અહીં વાત જીવન પ્રત્યેના એટીટ્યુડ (અભિગમ)ની છે. તનની સુખાકારી ઘણા અંશે મન પર નિર્ભર કરે છે. બીમારી સામે લડી રહેલા વડીલોને તેમજ સૌને એટલું જ કહેવું રહ્યું કે તન ભલે નબળું પડ્યું હોય, મન મજબૂત રાખજો. પીડા, દર્દ, વ્યથા, નિરાશા, હતાશા ઘણાઅંશે દૂર થઇ જશે. (ક્રમશઃ)

