પીઢ અભિનેત્રી શ્યામાનું મુંબઇમાં નેપિયન સી રોડ પર આવેલા એના નિવાસસ્થાને ૮૨ વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું હતું. ૧૯૫૦ અને ૬૦ના દાયકાની ટોચની અભિનેત્રી શ્યામાએ હિરોઇન, વેમ્પ અને ચરિત્ર અભિનેત્રી તરીકે ભૂમિકાઓ ભજવી હતી. શ્યામાએ ગુરુદત્ત સાથે ‘આરપાર’, રાજ કપૂર સાથે ‘શારદા’ અને ભારત ભૂષણ સાથે ‘બરસાત કી રાત’ ઉપરાંત ‘ભાઇ ભાઇ’, ‘મિલન’, ‘ભાભી’ અને ‘મિર્ઝા સાહિબાન’ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો.
લાહોરથી ૧૯૪૦ની આસપાસ મુંબઇ આવેલી શ્યામાને શ્યામા નામ ‘રામરાજ્ય’ અને ‘બૈજુ બાવરા’ ફેમ ફિલ્મ સર્જક વિજય ભટ્ટે આપ્યું હતું. ટીનેજર હતી ત્યારે જ ગાયિકા અભિનેત્રી નૂરજહાંના પતિ શૌકત રિઝવીની ફિલ્મ ‘ઝીનત’માં એ ચમકી હતી. શ્યામાએ લગભગ દોઢસો ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ૧૯૫૩માં એ ટોચના કેમેરામેન ફલી મિસ્ત્રીને પરણી હતી અને એને બે પુત્રો અને એક પુત્રી છે.

