અમિતાભ, શાહરુખ, આમિર ચૂપ કેમ?: શત્રુઘ્ન સિંહા

Wednesday 29th November 2017 06:05 EST
 
 

‘શોટગન’થી જાણીતા નેતા અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ‘પદ્માવતી’ રિલીઝ અંગેના વિવાદમાં ઝંપલાવતા ટ્વિટર ગોળીઓ છોડી છે કે અમિતાભ, શાહરુખ, આમિર આ મુદ્દે કેમ ચૂપ છે?
ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી કેટલાય રાજપૂત સમાજના લોકો આગેવાનોએ ફિલ્મ પર આરોપ મૂક્યો હતો કે આ ફિલ્મ દ્વારા ઇતિહાસને ખોટો ચિતરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારથી પદ્માવતી અને ખિલજી વચ્ચેના કેટલાક સીન વાંધાજનક છે એવું કહીને વાંધો નોંધાવ્યો હતો. એ પછી ઉમા ભારતી સહિતના નેતાઓએ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા થયા હોય તો ફિલ્મ પરદે ના આવવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. જોકે સામે ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે, ફિલ્મમાં એક પણ સીન એવો નથી કે જેનાથી રાજપૂત સમાજ કે રાજપૂતાણીની ગરિમાને હાનિ પહોંચે, છતાં ફિલ્મ બાબતે વધુ હોબાળો મચ્યો અને સંજય લીલાનું માથું ઉતારી લાવવાના ઇનામો જાહેર થવાની વાત સામે આવતાં કે ફિલ્મમાં પદ્માવતીનું પાત્ર ભજવતી દીપિકા પદુકોણેનું નાક કાપી નાંખવાની કે તેને જીવતી સળગાવી દેવાના નિવેદનો પછી ફિલ્મની નિર્માણ કંપની વાયાકોમ ૧૮ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ પહેલી ડિસેમ્બર ટાળી દેવાઈ. નવી તારીખ ઘોષિત ન કરાઈ. દરમિયાન, દેશના અગ્રણી પત્રકારોને ફિલ્મ દેખાડી અને મોટાભાગના પત્રકારોએ નિવેદન આપ્યું કે ફિલ્મમાં કંઈ વાંધાજનક નથી ત્યારે દેશના સેન્સર બોર્ડે એવો વાંધો દર્શાવ્યો કે નિર્માતા કંપનીએ અમુક કાગળ રજૂ કર્યાં વગર શા માટે મીડિયાકર્મીઓને દેખાડી? ફિલ્મને સેન્સર બોર્ડે હજુ સુધી ર્સિટફિકેટ પણ આપ્યું નથી. આ બધા વિવાદો વચ્ચે શત્રુઘ્નએ ટ્વિટર પર તાજેતરમાં કહ્યું હતું કે, ‘પદ્માવતી’ આજનો સળગતો મુદ્દો છે. આ મુદ્દે મહાન અભિનેતા અમિતાભ બચ્ચન, મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને કિંગ ખાન શાહરુખે હજુ સુધી કેમ કોઈ નિવેદન આપ્યું નથી? આપણા માહિતી અને પ્રસારણ મંત્રાલયની સાથે આપણા સૌથી લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમ ચૂપ બેઠા છે? એવો સવાલ પણ શત્રુઘ્ન સિંહાએ પૂછયો હતો.
સિંહાએ કહ્યું હતું કે સંજય લીલા ભણસાલીના હિતોની સાથે રાજપૂતોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જ વિવાદ અંગે વાત કરીશ. એ પણ ભણસાલી હવે કંઈક બોલે પછી, પણ બાકીના સ્ટાર્સ ક્યાં છે?
ઉલ્લેખનીય છે કે ‘પદ્માવતી’ પદ્માવતી અંગે દેશભરમાં ચાલી રહેલા વિવાદમાં હવે મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન જયકુમાર રાવલે પણ ઝંપલાવ્યું છે. તેમણે માગણી કરી છે કે ફિલ્મમાંથી વિવાદાસ્પદ દૃશ્યો હટાવવામાં આવે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે જો ફિલ્મ ઐતિહાસિક તથ્યો મુજબ ન હોય તો એના પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
ધુળેના ભાજપના રાજપૂત નેતા રાવલે કહ્યું કે, તેમણે સેન્સર બોર્ડને પણ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, માત્ર થોડા કરોડ રૂપિયા કમાવા ખાતર દિગ્દર્શક રાજપૂતોના ૭૦૦ વરસના ઇતિહાસ સાથે છેડછાડ કરી શકે નહીં. સિનેમેટિક લિબર્ટીના નામે અમે કોઈને ઇતિહાસ સાથે છેડછાડ કરવા નહીં દઈએ. તેમણે પત્રમાં સેન્સર બોર્ડની પણ ટીકા કરવાની સાથે કહ્યું હતું કે એ મૂક દર્શક બન્યું છે. રાવલે ચેતવણી આપી હતી કે જો ફિલ્મ ફેરફાર કર્યા વગર રિલીઝ કરાશે તો સાંસ્કૃતિક હુમલો ગણાશે એન એને કારણે કાયદા-વ્યવસ્થાની સમસ્યા ખડી થઈ શકે છે.


comments powered by Disqus