નવનાત વણિક ભગિની સમાજે એની ૪૦મી એનિવર્સરી ખૂબ જ રંગેચંગે ઉજવી. શનિવાર તા.૧૮ નવેમ્બર ૨૦૧૭ની સાંજે રંગબેરંગી સાડીઓમાં સજ્જ ભગિનીઓના ચહેરા પર ગૌરવ અને આનંદ વરતાતો હતો. હેઝમાં આવેલ નવનાત હોલનો શણગાર પણ આંખે ઉડીને વળગે તેવો હતો. સમગ્ર હોલ ખુશીઅોથી ઝૂમી ઉઠ્યો હતો. ૬૦૦થી વધુ સભ્યોની હાજરીથી હોલ ઉભરાતો હતો. સ્વાદિષ્ટ ભોજન બાદ કાર્યક્રમનો શુભારંભ થયો. ભગિનીના સેક્રેટરીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ પ્રેસિડેન્ટ શ્રીમતી રેણુબેન મહેતાએ એમની આગવી શૈલીમાં આમંત્રિત મહેમાનો સહિત સૌનું ભાવભીનું સ્વાગત કરતાં પોતાના અનુભવો અને સમાજના ૪૦ વર્ષના ઇતિહાસની ઝાંખી ઉપસ્થિત સભાજનો સમક્ષ રજુ કરી હતી. વિવિધ ડાન્સ અકાદમીઓએ બોલીવુડ નૃત્યો રજુ કરી સૌના મન બહેલાવ્યા.
આ પ્રસંગે ભગિની સમાજે એના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટોને પણ ખાસ યાદ કરી સ્ટેજ પર બોલાવ્યા અને સૌએ પોતપોતાના અનુભવોની વહેંચણ કરી સમાજની પ્રગતિમાં સૌ કોઇના અનુદાનની પણ નોંધ લેવાઇ એ એનું જમા પાસું હતું. નવનાત વણિક એસોસિએશનના પ્રમુખશ્રી ધીરૂભાઇ ઘલાનીએ પણ પોતાના પ્રવચનમાં ભગિનીઓની વહિવટીય ક્ષમતા અને અનુદાનની પણ અનુમોદના કરી.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના એડીટર અને પબ્લીશર શ્રી સી.બી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમના શિરમોર સમુ નાટક "નારી તું નારાયણી" હતું. રશ્મિબેન અમીન લિખિત, દિગ્દર્શિત અને અભિનિત નાટકમાં અન્ય પાત્રોમાં ગુજરાત સમાચારના મેનેજીંગએડીટર કોકિલાબેન પટેલ, શ્રધ્ધેય જાની, ડી. આર. શાહ અને નમિતા શાહે અભિનયના અોજસ પાથરી ભગિનીની આ રૂબી ઉજવણીનું પ્રતિબિંબ ઝીલતું હોવાથી સૌને એ સ્પર્શી ગયું
૪૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે એક સુંદર-રંગીન સુવેનીયર પણ પ્રકાશિત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનાલી મહેતા અને રૂપલ શેઠે પ્રભાવક શૈલીમાં રજુઆત કરી પ્રેક્ષકોની પ્રશંસા મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીની બહેનોએ રાત દિવસ જોયા વિના ખૂબ જ અથાક્ પરિશ્રમ કર્યો હતો જે રંગ લાવ્યો હતો. સૌને
અભિનંદન!
