મહિલાઓને એરફોર્સ બાદ હવે નૌકાદળમાં પણ પાઈલટ તરીકે કાર્ય કરવાની કાયમી પરમિશન મળી ગઈ છે. હાલમાં જ કેરળ સ્થિત ભારતીય નેવલ એકેડેમીમાંથી જળ અને વાયુ સુરક્ષા ક્ષેત્રે અભ્યાસ કરીને પાસ થનારી અને આઉટ પરેડમાં સામેલ શુભાંગી સ્વરૂપ નૌકાદળની ‘નેવી’ની પ્રથમ મહિલા પાઈલોટ બની ગઈ છે. શુભાંગી મરીન રિકોનિસન્સ ટીમમાં પાઈલોટ રહેશે. નૌકાદળમાં મહિલાઓને પાઈલટ તરીકે સામેલ કરવાની પરવાનગી વર્ષ ૨૦૧૫માં આપવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના બરેલીની રહેવાસી શુભાંગી સ્વરૂપને પી-૮ આઈ પ્લેન ઉડાવવાની તક મળશે. જોકે, આ માટે પહેલા તેણે પોતાની ટ્રેનિંગને પૂરી કરવાની રહેશે. શુભાંગીના પિતા જ્ઞાન સ્વરૂપ ભારતીય નૌકાદળમાં કમાન્ડર છે. શુભાંગીની સાથે સાથે આસ્થા સાહેગલ, એ. રૂપા અને એસ. શક્તિમાને આર્મમેન્ડ નિરીક્ષણ શાખામાં પ્રથમવાર સામેલ કરવામાં આવી છે. આ પહેલાં એરફોર્સમાં ત્રણ મહિલા ફાઈટર પાઈલટ સામેલ થઈ ચૂકી છે. વધુ ત્રણ મહિલાઓ પણ આ જવાબદારી માટે હાલમાં તૈયારી કરી રહી હોવાની અને ટૂંક સમયમાં જ તેઓ પણ જો પરીક્ષામાં પાસ થાય તો નેવિમાં આવવા માટે તૈયાર છે. તેવા સમાચાર છે. નેવી અને ભારતીય કોસ્ટગાર્ડની પાસિંગ આઉટ પરેડમાં કુલ ૩૨૮ કેડેટ્સ સામેલ છે. તેમાંથી એક કેડેટ તંજાનિયા અને એક માલદીવની પણ હોવાની માહિતી ભારતીય કોસ્ટગાર્ડ તરફથી મીડિયામાં આપવામાં આવી છે.

