કુતિયાણા, સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય, રાજકોટની ખૂબજ જાણીતી TGB સીઝન્સ હોટેલના માલિક અને જાણીતા અગ્રણી શ્રી વેજાભાઇ રાવલિયા યુકેની ટૂંકી મુલાકાતે પધાર્યા છે. શ્રી વેજાભાઇના સ્વાગત માટે "ગુજરાત સમાચાર – એશિયન વોઇસ" દ્વારા એક ડિનર - રીસેપ્શનનું આયોજન બુધવાર તા. ૨૯ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬-૩૦ કલાકે હેરોના સંગત સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
સામાન્ય ખેડુત પરિવારના પનોતા પુત્ર વેજાભાઇએ જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી એમએનો અભ્યાસ કર્યો હતો. ગાંધી વિચારધારાને વરેલા વેજાભાઇ ૧૯૭૫માં માત્ર ૨૬ વર્ષની વયે કોંગ્રેસ પક્ષ તરફથી સૌરાષ્ટ્રની કુતિયાણા બેઠક પરથી જંગી બહુમતીથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. ખૂબ જ પ્રમાણિક વેજાભાઇ ૧૯૭૭માં સરકારી પ્રતિનિધિ મંડળમાં યુકે આવ્યા હતા અને મિલ્ટન કિન્સ સહિત અન્ય નગરોના ટાઉન પ્લાનિંગ વગેરે જોઇને અભિભૂત થઇ ગયા હતા. વેજાભાઇએ પાંચ વર્ષની ધારાસભ્ય તરીકેની કામગીરી દરમિયાન રાજકારણના રંગને અોળખી લઇ મુદત પૂરી થતા રાજકારણને કાયમ માટે અલવિદા કરી દીધી હતી. વેજાભાઇએ નાની વયે જ પ્રોપર્ટી બિઝનેસને પારખી લઇ યુકેમાં જોયેલા ટાઉન પ્લાનિંગ વગેરેના અનુભવને લક્ષમાં લઇ ૧૯૯૦ના અરસામાં રાજકોટની આજુબાજુના વિસ્તારો અને ખાસ કરીને કાલાવડ રોડ પર જમીનો ખરીદીને પ્રોપર્ટી બિઝનેસ ડેવલપ કર્યો હતો.
તેમના વિવિધ લોકપ્રિય પ્રોજેક્ટ્સમાં રાજકોટના અવધ ક્લબ એન્ડ સોસાયટી, કેતન પાર્ક, TGB સીઝન્સ હોટેલ મુખ્ય છે. તેમના દિકરા કેતનભાઇના પ્રોજેક્ટ્સ સ્કાય લાઇન, સ્કાય વિલા અને સ્કાય ગાર્ડન વિખ્યાત છે. વેજાભાઇના પત્ની સાકરબેનનું તાજેતરમાં જ દેહાંત થયું હતું. સાકરબેનના પિતા ખીમજી જેસંગ પણ કચ્છમાંથી ધારાસભ્ય હતા. વેજાભાઇના દિકરા કેતનભાઇ અને તેમના પત્ની નમ્રતાબેન રાજકોટમાં પ્રોપર્ટી અને અન્ય બિઝનેસ સંભાળે છે જ્યારે દિકરી ભૂમિ પતિ સાથે અમેરિકામાં વસવાટ કરે છે.
વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 07875 229 211.
