બૈજિંગઃ દુનિયામાં પહેલી વાર માનવીના માથાનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. ઇટાલીના ન્યૂરોસર્જન સર્જિયો કેનેવરો અને તેમની ટીમે આ અનોખી સર્જરી કરી છે. તેમણે ચીનમાં એક શબની સર્જરી કરી હતી, જે ૧૮ કલાક ચાલી હતી.
ડોક્ટર સર્જિયોનો દાવો છે કે આ ઓપરેશન એકદમ સફળ રહ્યું છે. સર્જરીનું સીધું પ્રસારણ પણ થયું. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશનમાં ડોક્ટર્સે પુરવાર કર્યું છે કે માનવીની કરોડરજ્જુ, જ્ઞાનતંતુઓ અને રક્તવાહિનીને ફરી જોડવાનું સંભવ છે.
એક અહેવાલ અનુસાર ડોક્ટર કેનેવરોએ પરીક્ષણની સફળતાના દાવાના કોઇ નક્કર પુરાવા આપ્યા નથી. તેમણે એવી ખાતરી જરૂર આપી છે કે તેઓ થોડાક દિવસ પછી પરીક્ષણ સાથે સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવશે. ડોક્ટર સર્જિયો હવે આગામી ડિસેમ્બરમાં જીવિત માનવીનું હેડ ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે.
ટુરિન એડવાન્સ્ડ ન્યૂરોમાડુલેશન ગ્રૂપના નિર્દેશક અને ઇટાલીના પ્રોફેસર કેનેવરોએ જણાવ્યું હતું કે હાર્બિન મેડિકલ યુનિવર્સિટીના ડઝનબંધ ડોક્ટરની ટીમે ટીમે પ્રક્રિયા પૂરી કરી છે. તેમણે જણાવ્યું કે આગામી તબક્કામાં બ્રેનડેડ વ્યક્તિનાં દાન કરાયેલાં અંગોથી ટ્રાન્સપ્લાન્ટ કરાશે. હેડ ટ્રાન્સપ્લાન્ટનો તબક્કો અંતિમ છે. અમને આશા છે કે આ ઓપરેશન સફળ થશે અને અમારી ચિકિત્સાપદ્ધતિને મંજૂરી મળી શકશે.
રશિયનો વિજ્ઞાની બનશે પ્રથમ દર્દી
ડોક્ટર કેનેવરોએ કહ્યું કે બધા ભલે કહેતા હોય કે હેડ ટ્રાન્સપ્લાન્ટ અસંભવ છે, પરંતુ અમારું ઓપરેશન સફળ રહ્યું છે. જીવિત માનવીના સ્વરૂપમાં રશિયાના ૩૧ વર્ષીય કમ્પ્યુટર સાયન્ટિસ્ટ વલેરી સ્પિરિડોનોવના હેડ ટ્રાન્સપ્લાન્ટ માટે સર્જરી હશે. તેઓ માંસપેશી ક્ષતિગ્રસ્ત હોવાના અસાધ્ય રોગથી પીડિત છે અને તેમણે પોતાના પર પરીક્ષણ કરવા માટે જરૂરી સહમતી આપી દીધી છે.
પેરાલિસિસના દર્દીઓ માટે ઇલાજની આશા
ડોક્ટર કેનેવરો દ્વારા સર્જરીની સફળતાના દાવાથી ભવિષ્યમાં મનુષ્યના મસ્તકનું ટ્રાન્સપ્લાન્ટ સફળ થવાની આશાને વેગ મળ્યો છે. તબીબી નિષ્ણાતો કહે છે કે જો જીવિત વ્યક્તિ પરનું પરીક્ષણ સફળ રહેશે તો લકવાનો ભોગ બનેલા લોકોના સફળ ઇલાજની આશાઓ વધી જશે.
ગયા વર્ષે વાંદરાનું હેડ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું
ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનમાં ડોક્ટર કેનેવરોની ટીમે વાંદરાના માથાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. તે સમયે વાંદરો ૨૦ કલાક સુધી જીવિત રહ્યો હતો.
ડો. કેનેવરોએ તે વખતે ભારપૂર્વક કહ્યું હતું કે હવે હું માનવીનું હેડ ટ્રાન્સપ્લાન્ટ કરવા માગું છું. આ તબીબી ક્ષેત્રે બહુ મોટી સફળતા છે. આપણે પેરાલિસિસ પર કન્ટ્રોલ મેળવવામાં સક્ષમ થઇ જઇશું. ૧૯૭૦માં રોબર્ટ જે. વ્હાઇટે પણ એક વાંદરા પર આ પ્રકારે પરીક્ષણ કર્યું હતું. તે સમયે ઓપરેશન સફળ થઇ શક્યું હતું.

