વેલિંગબરોઃ નોર્ધમ્પટનશાયરના વેલિંગબરોના શ્રી હિંદુ મંદિરમાં શ્રી ગાયત્રી માતાજીના વિશાળ ચિત્રની પ્રતિષ્ઠા યુકે આવેલા શાંતિકુંજ હરિદ્વારના પ્રતિનિધિ વિશ્વપ્રકાશ ત્રિપાઠીના હસ્તે તા.૫.૧૧.૨૦૧૭ને રવિવારે કરવામાં આવી હતી. આ પ્રસંગે લંડન, બર્મિંગહામ, નોર્ધમ્પટન, વેલિંગબરોના ગાયત્રી પરિજનો, લેસ્ટર ગાયત્રી ચેતના કેન્દ્રના ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પ્રવંચના દ્વારા વાતાવરણ ભક્તિસભર બન્યું હતું. મહિનાનો પહેલો રવિવાર હોવાથી પંચકૂંડી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું,
વિશ્વ ગાયત્રી પરિવાર,યુકેના પ્રયાસથી પ્રેરક પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. તે નિહાળીને શ્રદ્ધાળુઓએ ભક્તિ સાથે જ્ઞાન પ્રાપ્તિનો સંતોષ અનુભવ્યો હતો. અંતમાં સૌએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો.
શ્રી હિંદુ મંદિર દ્વારા મંદિર દ્વારા ૨૦૧૧માં સૌ પ્રથમ વખત ત્રણ કૂંડી ગાયત્રી યજ્ઞ યોજાયો હતો. હાલ દર મહિનાના પહેલા રવિવારે યોજાતા પંચકૂંડી યજ્ઞમાં ૨૫ ભક્તો અને યુવક-યુવતીઓ ભાગ લે છે. મંદિર દ્વારા આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય અપાય છે.

