લંડનઃ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા નહેરૂ સેન્ટર અને સૂર ભારતી ગ્રૂપના સહયોગથી ભારતીય લોકનૃત્યોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુકે ઈન્ડિયા યર ઓફ કલ્ચર નિમિત્તે ઈન્દ્રધનુષ કાર્યક્રમમાં મહારાષ્ટ્રનું પાહવા અને લેઝિમ, ત્રિપુરાનું હોજાગીરી, તેલંગાણાનું ગોંદ ઘુસાટી, પશ્ચિમ બંગાળનું સંથલી, તમિળનાડુનું કુમ્મી, આસામનું બગુરુમ્બા, તેલંગાણાના કોયા અને લામ્બડી જેવા અદભૂત અને અગાઉ ક્યારેય ન નિહાળ્યા હોય તેવા નૃત્ય તેમાં રજૂ કરાયા હતા.
સંગઠિતતાનો સંદેશ આપતા આ કાર્યક્રમનું શીર્ષક ' એકતા કા સંદેશ ' હતું. નૃત્યોની કોરિયોગ્રાફી અને વિશિષ્ટ શૈલીની રજૂઆતથી દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. મંજુ મેસને જણાવ્યું હતું કે તેમણે કાર્યક્રમની દરેક ક્ષણ માણી હતી. તમામ કલાકારો અને આયોજકોએ શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.
બીબીસીના સિપ્લા પરુચુરી અને સીતા લતાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંસ્કૃતિ સેન્ટરના સ્થાપક રાગસુધા વિનિજામુરીએ આભારવિધિ કરી હતી.
સંસ્કૃતિ સેન્ટર શાસ્ત્રીય અને લોક નૃત્યોની તાલીમ અને રજૂઆત કરવા ઉપરાંત પુરાણોમાં નૃત્ય અને વાર્તાકથનના મહત્ત્વ વિશે વિવિધ સ્કૂલોમાં વર્કશોપનું આયોજન કરે છે.

