ડિલનના કેન્ડી સ્ટોરની દર વર્ષે ૨૦ લાખ લોકો મુલાકાત લે છે

Saturday 02nd September 2017 08:24 EDT
 
 

ડિલન્સ કેન્ડી બારના ફાઉન્ડર ડિલન લોરેન છે. તેમનો કેન્ડી સ્ટોર દુનિયામાં સૌથી મોટો છે. તે પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેનની દીકરી છે. ૨૦૦૧માં તેણે સ્ટોર શરૂ કર્યો હતો. ન્યૂ યોર્કના સ્ટોરમાં દરેક પ્રકારની શાનદાર કેન્ડી મળે છે. ડિલને તેને એક લાઈફસ્ટાઈલ બ્રાન્ડની જેમ સ્થાપિત કરી છે જ્યાં કેન્ડી થીમની ટી-શર્ટ, જ્વેલરી, હેટ, ગિફ્ટ બાસ્કેટ, પિલો, સ્પા પ્રોડક્ટ્સ મળે છે. લોરેન ઓથર પણ છે. તેમણે પુસ્તક લખ્યું છે, ‘અનરેપ યોર સ્વીટ લાઈફ’. પુસ્તક લોકોને કેન્ડી સાથે પ્રસંગો સેલિબ્રેટ કરવા માટે પ્રેરિત કરે છે.
ડિલનના પિતા રાલ્ફ લોરેન દુનિયાના ટોચના અબજોપતિ છે. જોકે ડિલન કહે છે કે, હું જીવનભર કેન્ડી ગર્લ બનીને રહી છું. બાળપણથી કેન્ડી પ્રત્યે પ્રેમ હતો, પરંતુ જ્યારે મોટી થઈ તો મેં દુનિયાભરથી કેન્ડી શોધવાની શરૂઆત કરી. મને તેની પેકેજિંગ, શેપ, કલર અને ટેક્સચર્સ તક પ્રત્યે પ્રેમ હતો. તેનો અભ્યાસ કર્યો. મારા કબાટમાં અનેક પ્રકારની કેન્ડી હતી. હું તેને આર્ટવર્કમાં ઉપયોગમાં લેતી હતી. હું દુનિયાનો સૌથી મોટો કેન્ડી સ્ટોર શરૂ કરવા માગતી હતી. મેં જ્યારે લોકોને કહ્યું હતું કે, હું ૧૫૦૦૦ સ્કવેરફૂટમાં કેન્ડી સ્ટોર શરૂ કરી રહી છું તો લોકોનો રિએક્શન હતા કે, તમે આટલી મોટી જગ્યામાં રાખશો શું? મારા માટે પણ એ ચેલેન્જ હતી કે સ્ટોરમાં જે રાખું એ લોકોને પસંદ આવે. મને ખર્ચ અને આવકની ચિંતા હતી અને ક્રિએટિવલી બજેટમાં બધું મેનેજ થાય એ પણ જોવાનું હતું.
દુનિયાનાં કેન્ડી સ્ટોર જોયાં
આજે ડિલનના કેન્ડી સ્ટોર્સ શિકાગો, લોસ એન્જેલસ, મિયામી અને ઈસ્ટ હમ્પટન સહિત અન્ય જગ્યાએ ખૂલી ચૂક્યાં છે, પણ પહેલો સ્ટોર શરૂ કરતાં પહેલા ડિલને આખી દુનિયા ફરીને કેન્ડી સ્ટોર્સ જોઈને તેના પર રિસર્ચ કર્યું હતું.
આખો પરિવાર આર્ટિસ્ટિક
ડિલન કહે છે કે, મારો આખો પરિવાર આર્ટિસ્ટિક છે. મારો ભાઈ ફિલ્મમેકર છે. દાદા પેઈન્ટર હતા. આવી રીતે આર્ટ મારા લોહીમાં છે. તેથી કોઈને ગિફ્ટ આપવી હોય તો હું કેન્ડી આર્ટવર્ક આપતી હતી. આ વિચાર આગળ ચાલીને કેન્ડી સ્ટોરમાં રૂપાંતરિત થયો. આ સ્ટોરને હું અને મારા સાથીઓ એવું મનોરંજક ડેસ્ટિનેશન બનાવવા માગતા હતા જે ફેશન, આર્ટ અને પોપ કલ્ચરનું મિશ્રણ હોય. જે માત્ર બાળકો જ નહીં વયસ્કોને પણ આકર્ષે. આજે દરેક ઉંમરના માટે ડિલન્સ કેન્ડીબાર પર ૭૦૦૦થી વધુ પ્રોડક્ટ મળે છે. ન્યૂ યોર્કમાં શરૂ થયેલો પ્રથમ ફ્લેગશિપ સ્ટોર આજે એવો ટુરિસ્ટ સ્પોટ બની ગયો છે જેને દર વર્ષે જોવા માટે ૨૦ લાખ લોકો આવે છે. ૧૯૯૯માં સ્ટોર માટે પ્રથમ કોન્સેપ્ટ તૈયાર કરાયો તે એક એવી જગ્યાની કલ્પના હતી જ્યાં ઈવેન્ટ અને પાર્ટી યોજાઇ શકે અને કેન્ડી થીમ આર્ટ પણ રજૂ થઈ શકે. કેન્ડી વેચવી કોન્સેપ્ટનો અંતિમ ભાગ હતો.


comments powered by Disqus