ન્યૂ યોર્કઃ બાળક સાથે બાળક જેવી જ અને સમજી ના શકાય તેવી ભાષામાં વાત કરતા રહેવા બદલ તમને પસ્તાવો થતો હોય તો તે બદલ તમારા વડવાઓને દોષ આપજો. સંશોધકોનું માનવું છે કે બાળક સાથે ઊંચા અવાજે કાલી ભાષામાં વાત કરવાની પરંપરા ઉત્ક્રાંતિ સાથે જોડાયેલી છે. બાળક અવાજ સાંભળીને ડરી ના જાય તે હેતુસર આપણા વડવાઓ પણ બાળક સાથે આવી કાલી ભાષામાં વાત કરતા હતા. મોટેરા દ્વારા કાલી ભાષામાં વાત કરવાથી બાળકને પણ ભાષા સમજવામાં અને શીખવામાં અનુકૂળતા રહે છે. આ ભાષા પછી બાળકની બોલી સાથે વણાઈ જતી હોય છે.
બાળકો સાથે કાલી કાલી ભાષામાં વાત કરવાની શરૂઆત ક્યારથી થઇ તે બાબતનો અભ્યાસ કરવા માટે સંશોધકોએ માતા પોતાના બાળક સાથે વાતચીત કરતી હોય છે ત્યારે હોઠ અને જીભ કઈ રીતે હિલચાલ કરે છે તેનો અભ્યાસ કર્યો હતો. સંશોધકોનાં ધ્યાને આવ્યું હતું કે માતા જ્યારે પોતાનાં બાળક સાથે વાતચીત કરતી હોય છે ત્યારે તે જાગ્રતપણે પોતાનાં વોઈસબોક્સને એ રીતે એડજેસ્ટ કરે છે કે અવાજ મોટો ન આવે.
વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના સંશોધકોએ માતા જ્યારે અન્ય મોટેરાં સાથે વાત કરતી હોય છે તેના મુકાબલે ઊંચા અવાજે વાત કરતી હોય છે. બંને વાતચીત વખતની વોઈસબોક્સની સ્થિતિ અલગ અલગ હોય છે. માતા બિનજાગ્રતપણે આ રીતે બોલતી હોય છે, તેને કારણે બાળક ભાષાને ઝડપથી સમજતું થાય છે. આપણા વડવાઓએ બાળક સાથે કાલી ભાષામાં વાત કરવાની શરૂઆત શા માટે કરી તેનો જવાબ તો મળ્યો જ નથી. જોકે સંશોધકોનું કહેવું છે કે બાળકને તેમનો અવાજ આક્રમક ના લાગે તે હેતુસર જ વડવાઓ બાળકો સાથે કાલી ભાષામાં વાત કરતા હતા. આવું વલણ માત્ર મનુષ્યમાં જ નહીં પ્રાણીઓમાં પણ જોવા મળે છે.

