કેલિફોર્નિયાઃ હૈયે હામ રાખવામાં આવે તો ગમેતેવી વિપરીત સ્થિતિમાંથી પણ મારગ મળી જ રહે છે. અમેરિકામાં આવી જ એક સત્યઘટના પ્રકાશમાં આવી છે. ૨૮ દિવસ સુધી ખતરનાક જંગલોમાં ભટકીને ૨૫ વર્ષની યુવતી જીવતી પાછી ફરતાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના ચમત્કારથી ઓછી ના કહી શકાય કારણ કે જંગલમાં પળે પળે મોતનો ખતરો છે. આ સંજોગોમાં ૨૮ દિવસ સુધી ભોજન વિના જીવતા રહેવું નાનીસૂની વાત નથી.
લિઝા થેરિજ નામની આ યુવતી અમેરિકાના અલાબામાના હજારો એકરમાં ફેલાયેલા ભયાનક જંગલમાં માર્ગ ભૂલી ગઇ હતી. કેટલાક દિવસ સુધી પ્રતિક્ષાને અંતે કુટુંબીજનોએ પણ તેના પાછા ફરવાની આશા છોડી દીધી હતી. વાસ્તવમાં યુવતીની શોધમાં ગયેલી સર્ચ ટીમને પણ મહિલાને શોધવામાં સફળતા મળી નહોતી. બીજી તરફ, લિઝા જંગલી ફળો તથા મશરૂમ ખાઈને અને નદીનું પાણી પીને દિવસો વીતાવી રહી હતી. આ રીતે તેણે જંગલમાં ૨૮ દિવસ પસાર કર્યા હતા. આ દરમિયાન તેનું વજન ૨૨ કિલો ઘટી ગયું હતું. આજે તે ખૂબ પાતળી થઈ ગઈ છે. લિજા પાસે નહોતી કોઈ બેગ કે નહોતા પગરખાં. ફોન પણ નહોતો કે તે કોઇના સંપર્કનો પ્રયત્ન કરી શકે. આ સંજોગોમાં જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો અઘરો થઈ પડ્યો હતો.
જોકે તે કોઈ પણ રીતે હાઇવે નજીક પહોંચી ગઈ. આ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલો એક કારચાલક વનરાજી પાછળ હિલચાલ જોઇને થોભી ગયો હતો. તેણે લિઝાને જોઈ. તેના ચહેરા પર નાના કીડા હતા. ચહેરો છોલાઇ ગયેલો હતો. કારચાલકે તરત જ લિઝાને હોસ્પિટલે પહોંચાડી હતી અને પછી તેની પાસેથી માહિતી મેળવીને તેના કુટુંબીજનોને ફોન કરવામાં આવ્યો હતો. લિઝાએ છેલ્લે ૧૮ જુલાઈના રોજ પોતાના કુટુંબીજનો સાથે છેલ્લે વાત કરી હતી. કુટુંબીજનોએ ૨૩ જુલાઈના રોજ લિઝા લાપતા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

