લંડનઃ મલાઇ વગરનું દૂધ નિયમિત લેવાથી પાર્કિન્સનની બિમારીનો ખતરો ૩૯ ટકા વધારે રહે છે એમ હાવર્ડ યુનિર્વસિટીના સ્ટડીમાં બહાર આવ્યું છે. સંશોધકોનું માનવું છે કે ઓછી મલાઇવાળા ડેરી ઉત્પાદનોના નિયમિત સેવનને ચેતાતંત્ર તથા મસ્તિષ્કની સીધો સંબંધ છે.
આ વાત સંશોધકોએ ૨૫ વર્ષ સુધી ૧.૩૦ લાખ લોકોનો અભ્યાસ કરીને તારવી છે. જોકે કયારેક કે અઠવાડિયે એક બે વાર મલાઇ વગરનું દૂધ પીતા લોકોને આવો ખતરો નથી. પાર્કિન્સનમાં મગજમાં ગતિને નિયંત્રિત કરતી કોશિકાઓનો નાશ થાય છે. આથી માંસપેશીઓનું જકડાવું, તાલમેલનો અભાવ અને કંપારી જેવી તકલીફ થાય છે.
સંશોધકોના મતે પૂર્ણ મલાઇદાર ડેરી પ્રોડકટથી યુરિક લેવલ જળવાતું હોવાથી પાર્કિન્સનનો ખતરો ઘટે છે. આથી જે લોકો હંમેશા મલાઇવાળું દૂધ પીતા હતા તેમને આવી તકલીફ નહોતી. જે લોકો દિવસમાં ત્રણ વાર મલાઇદાર દૂધનું સેવન કરતા હતા તેમને આ બિમારી વધુ જોવા મળી હતી. ૧૮૧૭માં લંડનના ફિઝિશિયન જેમ્સ પાર્કિન્સને આ રોગનું સચોટ સંશોધન કર્યું હોવાથી તેને પાર્કિન્સન નામ મળ્યું છે. નવા સંશોધન મુજબ પાર્કિન્સન અચાનક થતી બિમારી નથી. પહેલા મગજમાં થાય છે પછી તેના લક્ષણો ધીમે ધીમે બહાર દેખાવા લાગે છે. જયારે હાથ અને પગ કે શરીર ગતિમાં હોય ત્યારે કંપન થતું નથી, પરંતુ સ્થિર રહે ત્યારે કંપવા લાગે છે. આ બીમારી ૫૦ વર્ષથી મોટી ઉંમર ધરાવતા લોકોમાં વધુ જોવા મળે છે.

