અશ્વિની અય્યર તિવારી ડિરેક્ટેડ અને આયુષ્માન ખુરાના, ક્રિતિ સેનન, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, સીમા પાહવા અભિનિત ફિલ્મ ‘બરેલી કી બરફી’ મધ્યમ વર્ગની એક છોકરીની લવસ્ટોરી પર આધારિત છે. અશ્વિની ડિરેક્ટેડ ફિલ્મ ‘નીલ બટે સન્નાટા’ ઓછા બજેટની હિટ મૂવિ હતી. એવી જ રીતે ‘બરેલી કી બરફી’ પણ ટોચના કલાકારો વગર બનેલી ફિલ્મ છે, પણ દર્શકોને જોવી ગમે એવી છે.
વાર્તા રે વાર્તા
બરેલીમાં રહેતા મિશ્રા પરિવારની દીકરી બિટ્ટી (કૃતિ સેનન) લગ્ન માટે આવતા છોકરાઓના અજીબ પ્રશ્નોના કારણે વારંવાર ઘરેથી ભાગી જાય છે. એક દિવસ તેને ‘બરેલી કી બરફી’ નામનું પુસ્તક મળે છે. તે આ પુસ્તક વાંચે છે અને પુસ્તક ગમવા સાથે પુસ્તકનો લેખક પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ) પણ તને ગમવા લાગે છે. તે પ્રીતમને શોધવા નીકળી પડે છે. દરમિયાન તેની મુલાકાત પ્રિંટિંગ પ્રેસના માલિક ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના) સાથે થાય છે અને સર્જાય છે લવ ટ્રાએન્ગલ.
દમદાર અભિનય
ફિલ્મનું ડિરેક્શન, કેમેરા વર્ક અને સંવાદો સરસ છે. કૃતિ સેનન આ ફિલ્મમાં અલગ જ અવતારમાં જોવા મળશે. રાજકુમાર રાવનો અભિનય દર્શકો પર ફરી છાપ છોડી દેશે. આ ફિલ્મની એક ખાસિયત એ પણ છે કે ફિલ્મના મુખ્ય પાત્રોની સાથે સાથે ચરિત્ર અભિનેતાઓનો અભિનય પણ દમદાર છે. પંકજ ત્રિપાઠી અને સીમા પાહવાનો અભિનય માતા-પિતા તરીકે દમદાર છે.

