મીનાકુમારીને ટ્રિપલ તલાકે પારાવાર દર્દ આપ્યું હતું

Wednesday 30th August 2017 08:40 EDT
 
 

તાજેતરમાં ત્રણ તલાકની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે ત્યારે હિન્દી સિનેમાનાં જાજરમાન અભિનેત્રી સ્વ. મીનાકુમારીનો ત્રણ તલાક સાથે જોડાયેલો કિસ્સો યાદ આવ્યા વગર રહેતો નથી. અભિનેત્રીના પતિ કમાલ અમરોહીએ તેને આપેલા ટ્રિપલ તલાક બાદ ફરી તેની સાથે લગ્ન કરવા મીનાકુમારીએ ઝિન્નત અમાનના પિતા અમાનઉલ્લા ખાન સાથે નિકાહ કરી એક રાત માટે તેમની સાથે હમબિસ્તર બનવું પડયું હતું. આ હલાલાની પ્રક્રિયા બાદ ફરી ઇદ્દત (માસિક)માં બેઠા બાદ કમાલ અમરોહી સાથે તે લગ્ન કરી શકી હતી. મીનાકુમારીને તેનું પારાવાર દુઃખ હતું.
આ માટે તેણે હૈયાફાટ શબ્દો કહ્યા હતા કે, એક રાત માટે મારે મારું શરીર જેની પર ફક્ત કમાલનો જ હક્ક હતો તે બીજાને સોંપવું પડયું તો મારા અને વૈશ્યામાં ફરક શું રહ્યો? મીનાકુમારી અત્યારે હયાત હોત તો તેનેે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી ચુકાદાને વધાવવા મુંબઈમાં મુસ્લિમ મહિલાઓએ મીઠાઈ વહેંચીને એકબીજાને હાર પહેરાવ્યાં એ જોઈને હૈયે ટાઢક પહોંચી હોત. મીનાકુમારીના જીવનમાં ટ્રિપલ તલાકની બનેલી ઘટનાએ તેને માનસિક રીતે ભાંગી નાંખી હતી. મીનાકુમારીનાં લગ્ન ફિલ્મ ‘પાકિઝા’ના દિગ્દર્શક કમાલ અમરોહી સાથે થયાં હતાં. એકવાર અમરોહીએ રોષે ભરાઇને મીનાકુમારીને ત્રણ વાર તલાક કહી દેતાં ઇસ્લામ ધર્મ અનુસાર મીનાકુમારી અને અમરોહીનાં નિકાહ તૂટી ગયાં હતાં. બાદમાં પસ્તાયેલા અમરોહીએ મીનાકુમારીને ફરી એકવાર જીવનમાં લાવવાનું મન બનાવ્યું હતું, પરંતુ ઇસ્લામ ધર્મગુરુઓએ અમરોહીને તે વખતે જણાવ્યું હતું કે મીનાકુમારી હલાલા પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ તારી સાથે નિકાહ કરી શકશે. કમાલે મીનાકુમારીનાં લગ્ન પોતાના નિકટના મિત્ર અમાન ઉલ્લાહ ખાન (ઝિનત અમાનના પિતા) સાથે કરાવ્યા હતા. હલાલા પ્રથા નિભાવ્યા બાદ મીનાકુમારી કમાલ અમરોહી પાસે ફરી આવી શકી હતી. આ સંપૂર્ણ ઘટનાથી મીનાકુમારી ખૂબ જ તૂટી ગઈ હતી અને તેમણે દારૂ પીવાનો શરૂ કર્યો હતો. માનસિક તાણથી ગ્રસ્ત અભિનેત્રીનું મૃત્યુ ૩૯મા વર્ષે જ થયું હતું.


comments powered by Disqus