અમિતાભનો ફરી એંગ્રી અવતારઃ ‘સરકાર ૩’

Wednesday 17th May 2017 06:36 EDT
 
 

ફિલ્મમેકર રામગોપાલ વર્માની ‘સરકાર’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘સરકાર ૩’માં ઘણા વખત પછી અમિતાભ બચ્ચનનો એંગ્રી અવતાર જોવા મળ્યો છે. ફિલ્મમાં મનોજ બાજપાયીની એક્ટિંગનાં પણ વખાણ થયા છે. ફિલ્મ વિશ્લેષકોના મતે સરકારના પૌત્ર તરીકે દર્શાવાયેલા અમિત સધનો અને ફિલ્મની હિરોઈન યામી ગૌતમનો અભિનય ઠીક ઠીક છે. સરકારની ભૂમિકામાં અમિતાભ બચ્ચન છવાઈ જાય છે. રામગોપાલ વર્માએ પણ દિગ્દર્શક તરીકે સરકારનું કેરેક્ટર રચવામાં કોઈ કસર છોડી નથી.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં સરકાર એટલે કે સુભાષ નાગરે (અમિતાભ બચ્ચન) ગરીબોનો હમદર્દ છે. જેની સામે તંત્રનું પણ કંઈ ઉપજતું નથી. એક હાથમાં માળા અને બીજા હાથમાં ભાલા સાથે શાંત, થોડા થાકેલા અને ઘરડા સરકાર એ જ કરે છે જે તેમને સાચું લાગે. સરકારનો અવાજ ધીમો છે છતાં તેમાં સ્પષ્ટ બુલંદી સંભળાય છે અને તેમની વાતમાં વજન છે. ‘સરકાર ૩’ની વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાંથી ‘સરકાર ૨’ની વાર્તા પૂરી થઈ હતી.
સરકારનો પૌત્ર શિવાજી નાગરે (અમિત સધ) દાદા સાથે મળીને કામ કરવા માગે છે, પણ તે રાજકારણનો ભોગ બને છે. પહેલાંની બેય ‘સરકાર’ સિરીઝની ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ સરકારનાં દુશ્મનો ઓછા નથી. આ ફિલ્મમાં પણ બધા દુશ્મનો એક થઈને સરકારની સરકારને તોડી પાડવા પ્રયત્ન કરે છે.
કર્ણપ્રિય સંગીત
ફિલ્મનું સંગીત રવિ શંકર અને રોહન વિનાયકે આપ્યું છે. ફિલ્મમાં ગણપતિ આરતી ખુદ અમિતાભ બચ્ચનના અવાજમાં જ ગવાઈ છે અને સાંભળવામાં ખૂબ જ કર્ણપ્રિય છે. આ ઉપરાંત ‘શક્તિ’, ‘સામ દામ દંડ ભેદ’ અને ‘સરકાર ટ્રાન્સ’ પણ સાંભળવા ગમે તેવા ટ્રેક છે.


comments powered by Disqus