તક મળશે તો મલાઈકા ગુજરાતી ફિલ્મ કરશે

Wednesday 17th May 2017 06:38 EDT
 
 

ફિલ્મ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન સાથે ૧૧મીએ કાયદેસર રીતે છૂટાછેડા લીધા પછી અભિનેત્રી - મોડેલ મલાઇકા અરોરાએ વડોદરાની મુલાકાત લીધી હતી. કોઇ પણ વિવાદને ટાળતાં મલાઇકાએ ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી ભોજનની પ્રશંસા કરી હતી. તેણે એ પણ કહ્યું કે, ચાન્સ મળશે તો ગુજરાતી ફિલ્મમાં અભિનય આપીશ. એક ખાનગી કાર્યક્રમમાં આવેલી મલાઈકાએ કહ્યું કે, હું વડોદરા પહેલી વખત આવી છું. મારા ઘણા મિત્રો અને કૌટુંબિક સ્નેહીઓ ગુજરાતી છે. જેથી ગુજરાતથી અત્યંત પ્રભાવિત છુ. તેમાં ગુજરાતના કલ્ચરનો, ટ્રેડિશનનો બોલિવૂડની ઘણી ફિલ્મો પર પ્રભાવ જોવા મળે છે. ફિલ્મોમાં ગરબા કે દાંડિયા તો રંગ જમાવે જ છે. મને ગુજરાત સાથે જોડાવું ગમે છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈની બાંદરા ફેમિલિ કોર્ટે અરબાઝ અને મલાઈકાની છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી. આ યુગલ બાંદરા કોર્ટમાં પણ એક જ કારમાં પહોંચ્યું હતું.
કોર્ટે જણાવ્યું હતું કે, પુત્ર અરહાનની કસ્ટડી મલાઈકાની રહેશે, પણ અરબાઝ ઇચ્છે ત્યારે પુત્રને મળી શકશે. મલાઈકાએ છૂટાછેડાની અરજી સાથે એલિમન તરીકે તેને રૂ. ૧૦ કરોડ મળે તેવી અરજી કરી હતી. અરબાઝે રૂ. ૧૦ કરોડથી વધુ રકમ આપવાનું સ્વીકારીને પુત્ર અરહાન માટે એક નવું ઘર પણ ખરીદી આપવાનું નિવેદન આપ્યું હતું. અરબાઝ - મલાઈકાના લગ્ન ૧૯૯૮માં થયા હતા. આ યુગલ છૂટાછેડાની આગલી રાત્રે ૧૦મીએ મુંબઇના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં જસ્ટિન બીબરનો કન્સર્ટ માણવા પણ સાથે જ ગયું હતું.


comments powered by Disqus