વડીલો સહિત સહુ વાચક મિત્રો, આવતીકાલના ભવિષ્યમાં ભારત તેના પડોશી દેશો સાથે સવિશેષ પાકિસ્તાન અને ચીન સાથેના શંકા-કુશંકા કે સંબંધોનો કેવી રીતે સમાવેશ કરવા શક્તિમાન બને છે તેના પર ઘણો બધો આધાર છે. આપણે ગયા સપ્તાહે ચીનની આજની હયાતી, ભૂતકાળની નીતિરીતિ અને ભાવિ મનોદશા વિશે કંઇક દૃષ્ટિપાત કર્યો.
ઐતિહાસિક રીતે જોઇએ તો ચીન હંમેશા પોતાનો વિસ્તાર, સરહદને વિસ્તારવા માટે પ્રવૃત્ત જોવા મળ્યું છે. ઉત્તર મોંગોલિયાનો દક્ષિણ ભાગ છેલ્લા સૈકામાં ધીરે ધીરે ચીને પચાવી પાડ્યો. આજે ઇનર મોંગોલિયા હવે ચીનનો જ એક હિસ્સો બની ગયું છે. એક જમાનાનું આઉટર મોંગોલિયા - ચીનમાં સામ્યવાદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ - છેલ્લા ૭૦ વર્ષમાં એક અલગ રાષ્ટ્ર બની ચૂક્યું હોવા છતાં ભૌગોલિક રીતે તે ચીનના અજગરભરડામાં સપડાયેલું છે. અને ચીન હવે તેને આર્થિક ગળાટૂંપો આપવા માટે સમર્થ છે. અલબત્ત, રશિયા અણુશસ્ત્રો ધરાવતી વિશ્વની એક મોટી સત્તા હોવાથી એમ કહી શકાય કે મોંગોલિયા હડપ કરી જવાની ચીનની ચાલ કામિયાબ બનશે નહીં.
ચીન પાસેય અણુશસ્ત્રોનો જંગી જથ્થો છે. આધુનિક વિશ્વમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ ત્યાર બાદ ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ પાસે અણુશસ્ત્રોનો ઓછોવત્તો ભંડાર ભર્યો પડ્યો છે. વાસ્તવમાં અણુશસ્ત્રોનો યુદ્ધમાં ઉપયોગ કરીને વિજયપતાકા હાંસલ કરવા અસંભવ છે. સ્વરક્ષણ માટે કે આક્રમણ માટે અણુશસ્ત્રોનો ઉપયોગ કરનાર રાષ્ટ્ર માટે આ બાબત આત્મહત્યાસમાન પુરવાર થાય છે. દક્ષિણ કોરિયા, તાઈવાન તેમજ અગ્નિ એશિયાના અન્ય દેશો સાથે ચીનના સંબંધો ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો જણાશે કે આર્થિક સ્પર્ધાના પરિપાકરૂપ અત્યંત ઇચ્છવાયોગ્ય કે શાંતિ અને સહઅસ્તિત્વ સંવર્ધક ન ગણી શકાય.
ચીન-અમેરિકાની સોદાબાજી
અમેરિકાએ, આપણે ગયા સપ્તાહે જોયું તે પ્રમાણે, ચીન સાથે સાંઠગાંઠ શરૂ કરી. હેન્રી કિસિન્જર તેના મુખ્ય આર્કિટેક્ટ (શિલ્પી) હતા. ગણતરી એવી હતી કે આર્થિક પગભર બની રહેલું ચીન આંતરરાષ્ટ્રીય તખતે શાંતિ અને સહઅસ્તિત્વ પ્રક્રિયામાં વધુ રચનાત્મક રીતે સામેલ થશે. અમેરિકાની આ અપેક્ષા બિલ્કુલ ઠગારી નીવડી છે. એક જમાનામાં અમેરિકા ચીનની સરખામણીએ અત્યંત શક્તિશાળી રાષ્ટ્ર હતું. હવે નથી. રેડ આર્મીના નામે જાણીતા ચીનના લશ્કરનું સંખ્યાબળ ૮૦ લાખ છે. અત્યંત અદ્યતન યંત્ર અને ઉપકરણો તેની પાસે વિપુલ જથ્થામાં જમા થઇ ગયા છે. એરફોર્સમાં પણ ચીનને તેના પ્રાદેશિક વિસ્તારમાં સૌથી શક્તિશાળી ગણી શકાય.
વિશ્વમાં છેલ્લા કેટલાક સૈકાઓના ઇતિહાસ પર નજર ફેરવીએ તો કહી શકાય કે જેનો સમુદ્ર પર કાબુ તે દેશ વધુ સહીસલામત. એક જમાનામાં બ્રિટિશ સામ્રાજ્યનું વિસ્તરણ થયું તેનું મુખ્ય કારણ રોયલ નેવી હતી. જે તે દેશના દરિયાકાંઠે તેની બે-ત્રણ મનવારો પહોંચે, ભારે તોપમારો થાય, એટલે શસ્ત્ર અને આયુધમાં શક્તિશાળી દેશ હોય તો પણ યુનિયન જેક ફરકી જાય.
બીજા વિશ્વ યુદ્ધ બાદ મહાસાગર ઉપર અમેરિકાનો પ્રભાવ જોવા મળતો હતો. હવે તે ધીરે ધીરે ઓસરી રહ્યો છે. ચીન વિશાળ નૌકાદળ ધરાવે છે. સબમરીન, એરક્રાફ્ટ અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ ક્રૂઝર, ડિસ્ટ્રોયરનો મસમોટો કાફલો અને પ્રતિ વર્ષ ૮૦ બિલિયન ડોલરનું કુલ બજેટ (ભારતના કુલ સંરક્ષણ બજેટ કરતાં પણ બમણું માત્ર તેના નૌકાદળ માટે વપરાય છે!). આ બધાના પરિણામે પેસિફિક તેમજ સાઉથ ચાઇના સી કે જાપાન-સમુદ્ર વિસ્તારમાં ચીનનો ઝંડો ઊંચો ફરકી રહ્યો છે. આ બધા કારણસર એક જમાનામાં આર્થિક નબળું ચીન આજે વિશ્વની એકમાત્ર મહાસત્તા એવા અમેરિકા સામે બાંયો ચઢાવી રહ્યું છે.
ચીની મુત્સદ્દીગીરી
૧૯૭૮-૭૯માં અમેરિકાએ સમય વર્ત્યે સાવધ થઇને ચીન સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો અને આર્થિક બાબતો વિશે સાંઠગાંઠ કરી ત્યારે ચીને પોતાની મુત્સદ્દીગીરીનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. આમેય ઐતિહાસિક રીતે જોઇએ તો ચીનની મુત્સદ્દીગીરી ચાણક્યનીતિ કરતાં અલગ છે. ચાણક્ય નીતિમાં સમાધાન, સહઅસ્તિત્વ અને કેટલાક મૂલ્યો કેન્દ્રસ્થાને રહ્યા છે. જ્યારે ચીન હંમેશા દગાબાજ સાબિત થયું છે. તે ખૂબ આસાનીથી પીઠમાં ખંજર ભોંકી શકે છે.
‘સામ્યવાદી બિરાદર’ રશિયાને પણ તેનો અનુભવ થઇ ચૂક્યો છે. રશિયામાં ૧૯૧૭માં સામ્યવાદી શાસનનો ઉદય થયો. ત્યારબાદ ચીનમાં સામ્યવાદી પક્ષ રચાયો. ૩૦ના દાયકા બાદ માઓ ત્સે તુંગનું જોર વધી રહ્યું હતું. આ સમયે રશિયા ચીનને સર્વ પ્રકારે મજબૂત સહયોગ આપી રહ્યું હતું. કાળક્રમે નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે યુદ્ધ થયું, પણ અમેરિકાને શિકસ્ત આપવા રશિયાએ ચીનનો સાથ આપ્યો. જોકે થોડાંક જ વર્ષમાં રશિયાને ચીનની દગાબાજીનો પરચો મળી ગયો.
ચીન અને રશિયાની સરહદે આમૂર નદી વહે છે. ગંગા કે નાઇલ કે મીસિસીપિ જેવો જ તેનો લાંબો જળપ્રવાહ. ચીન કોઇ પણ જાતની ઉશ્કેરણી કે ચેતવણી વગર આમૂર પાર કરીને રશિયા ઉપર ધસી ગયું હતું અને આક્રમણ કર્યું હતું. જાનમાલની ભારે ખુવારી થઇ હતી. રશિયાએ ચીનને પાછું તો ધકેલી દીધું, પરંતુ ઘનિષ્ટ સંબંધોમાં ઘા લાગી ગયો. રશિયા આજેય તે પીઠ પાછળનો ઘા નહીં જ ભૂલ્યું હોય.
વારંવાર ચીનની દગાબાજી
ભારત સાથે પણ ચીને ૧૯૬૨માં આવું જ કર્યું હતુંને? પહેલાં હિન્દી-ચીની ભાઇ-ભાઇનો નારો અને પછી..?! અડધી સદી કરતાં વધુ વર્ષો વીતી જવા છતાં પણ ભારત આ વિશ્વાસઘાતને પચાવી શક્યું નથી. ચીન આજેય ભારતને કનડવાનો એકેય મોકો નથી ચૂકતું... આ ચીન છે.
રશિયા ભલે અમેરિકા સામે એક શક્તિશાળી ધરી ઉભી કરવા માટે કહેવાતા સામ્યવાદના નામે ચીન સાથે હાથ મિલાવતું હોય, ઉપરછલ્લા તો ઉપરછલ્લા સંબંધને નિભાવવા તૈયાર જણાતું હોય, પરંતુ ભૂતકાળમાં થયેલો વિશ્વાસઘાતનો કડવો અનુભવ વીસરી જવાની બાબત નથી. વિયેતનામને પણ ચીનનો આવો જ ખરાબ અનુભવ થઇ ચૂક્યો છે.
વિયેતનામે ફ્રાન્સ કે ત્યારબાદ અમેરિકા સાથે તુમુલ યુદ્ધ થયું ત્યારે સર્વપ્રકારે ચીનને સહાય કરી હતી. નોર્થ અને સાઉથ વિયેતનામના એકીકરણ બાદ તે સાથે સારા સંબંધો વિકસાવ્યા બાદ એક વેળા એકાએક ચીને વિયેતનામ ઉપર ધાવો બોલાવી દીધો હતો. ચીનની સરખામણીએ વિયેતનામનો વિસ્તાર કે વસ્તી માંડ પાંચ ટકા ગણી શકાય. સાધનસામગ્રી પણ પ્રમાણમાં ઘણાં ઓછાં. જોકે આમ છતાં પણ વિયેતનામે ચીનના દાંત ખાટા કરી નાખ્યા હતા. વિયેતનામ પણ ચીનની ખંધાઇ ભૂલી શક્યું નથી. આથી જ તો છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ભારત સાથેના રાજકીય, આર્થિક, વ્યાવસાયિક અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવ્યા છે.
ચીનની શરતોઃ અમેરિકાની શરણાગતિ
વાચક મિત્રો, ખંધા ચીને અમેરિકા સાથે સહયોગ સાધવા માટે જે શરતો મૂકી હતી તે પણ આ તબક્કે જરાક યાદ કરવા જેવું છે. અગાઉનું ફોર્મોસા તે આજનું તાઇવાન. આ (ટાપુ) દેશને તમે વૈશ્વિક નકશામાં નિહાળો તો ટપકા જેવો દેખાય, પણ આર્થિક ક્ષેત્રે બહુ તગડો દેશ. આથી જ ચીન હંમેશા તેને હડપ કરી જવા આતુર રહ્યું છે. ૧૯૮૦ સુધી તાઈવાન અમેરિકાનું બહુ માનીતું હતું. આજે ભલે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યો તરીકે ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકા બિરાજતા હોય, પણ એક સમયે આ યાદીમાં ચીનના બદલે તાઇવાનનો સમાવેશ થતો હતો.
અમેરિકાએ ચીન સાથે સાંઠગાંઠનું રાજકારણ શરૂ કર્યું ત્યારે તેણે આ યાદીમાંથી તાઇવાનને બાકાત કરવાની જ નહીં, પરંતુ આ સ્થાન પોતાને આપવાની માગણી કરી હતી. મહાસત્તા અમેરિકાને પણ તેની આ જીદ સામે નમતું જોખવું પડ્યું હતું અને સામ્યવાદી ચીને યુએનએસસીમાં સ્થાન મેળવ્યું હતું. ચીને સમયના વહેવા સાથે આ જ પ્રમાણે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી) અને તેના જેવા અન્ય મહત્ત્વના આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પણ સ્થાન પાકું કરી લીધું. અમેરિકાએ આ બધું ચીનનો સાથ-સહકાર મેળવવા માટે કર્યું હતું, પરંતુ ચીન હવે અમેરિકાને જ શીંગડા ભરાવી રહ્યું છે. સાઉથ ચાઇના સમુદ્રમાં છાશવારે સર્જાતો લશ્કરી તનાવ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ચીન બધાને નડતું ફરે છે. ભારતનો જ દાખલો લો ને... વર્ષોના બહિષ્કાર બાદ આઠેક વર્ષ પૂર્વે અમેરિકાએ ભારતને અણુશક્તિ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી. એટલું જ નહીં, ભારતને યુએનએસસીમાં કાયમી સભ્યપદ મળવું જોઇએ તે મુદ્દે સમર્થન પણ જાહેર કર્યું છે, પરંતુ ચીન આડું ફાટ્યું હોવાથી ભારતને સ્થાન મળતું નથી. જે અમેરિકાએ ચીનને યુએનએસસીમાં સ્થાન અપાવ્યું છે તે ચીન આજે અમેરિકાની વાત કાને ધરવા તૈયાર નથી. આમ ચીનનો વીટો પાવર ભારત માટે માથાનો દુઃખાવો બની ગયો છે.
ભારતની આસપાસ ચીનને પડકાર
હવે આપણે જરાક ભારત આસપાસની ભૂગોળ પર નજર ફેરવીએ. નરેન્દ્ર મોદી સરકારના આગમન પૂર્વે બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળ, શ્રીલંકા ઉપર ચીનનો ભારે પ્રભાવ હતો. વર્ષ - પ્રતિ વર્ષ તેની વગ વધી રહી હતી. કહેવાય છેને કે સબળાનો સાળો બનવા સહુ કોઇ તૈયાર હોય, નબળાના બનેવી બનવા કેટલા તૈયાર થાય? યોગાનુયોગ ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારની રચના થઇ. તે જ ગાળામાં મ્યાંમારમાં પણ વર્ષોજૂના લશ્કરી શાસનનો અંત આવ્યો. આંગ સાન સૂ કીના પક્ષે સત્તાના સૂત્રો સંભાળ્યા. દુબળી કાઠીનાં આ મહિલા નેતા તેમના લોખંડી મનોબળ માટે જાણીતા છે. ગાંધીવાદી મૂલ્યોના ચાહક અને સમર્થક આ નેતા ભારતની નીતિરીતિથી બહુ પ્રભાવિત છે. આમ ભારત-મ્યાંમાર સંબંધો મજબૂત બન્યા. એક વેળા મ્યાંમારની આંતરિક બાબતોમાં સતત ચંચુપાત કરતું ચીન હવે કોરાણે મૂકાયાની લાગણી અનુભવે છે તેમાં કંઇ નવાઇ નથી.
બાંગ્લાદેશના કિસ્સામાં પણ કંઇક આવું જ બન્યું છે. પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યું. બાંગ્લાદેશના જન્મમાં ભારતે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી તે આખી દુનિયા જાણે છે, આમ છતાં છેલ્લા થોડાંક દસકા દરમિયાન ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તનાવ પ્રવર્તતો હતો. સંવેદનશીલ સરહદવિવાદથી માંડીને ભારતવિરોધી અલગતાવાદીઓને આશરો, ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સહિતના પ્રશ્ને બન્ને દેશો વચ્ચે મતભેદ પ્રવર્તતા હતા.
મોદી સરકારે આ મતભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યા. આ જ અરસામાં બાંગ્લાદેશમાં સત્તાપલ્ટો થયો. અવામી લીગની સરકાર રચાઇ અને શેખ હસીનાએ વડા પ્રધાન પદ સંભાળ્યું. પરિણામ આપણી સમક્ષ છે. બન્ને દેશોએ સાથે મળીને સરહદવિવાદ ઉકેલ્યો છે. બાંગ્લાદેશે ભારતવિરોધી પરિબળોને નાથ્યા. ચીન તો બાંગ્લાદેશની રાજધાની ઢાકા નજીકની દરિયાઇ પટ્ટીમાં ખાનગી બંદર સ્થાપવા માગતું હતું. ખંધા ડ્રેગનનો ઇરાદો ખરેખર તો ખાનગી બંદરના ઓઠા તળે નૌકાદળનું થાણું ઊભું કરવાનો હતો. યોજનાને લગભગ નક્કર સ્વરૂપ મળી ગયું હતું, પરંતુ હસીના સરકારે તેના મનસૂબા પર પાણી ફેરવ્યું. ભારત-બાંગ્લાદેશના મજબૂત બનેલા રાજદ્વારી સમીકરણોનું આ પરિણામ હતું.
શ્રીલંકામાં પણ કંઇક આવું જ બન્યું. શ્રીલંકાની દક્ષિણે આવેલા હંબનટોટા નામના જૂના બંદરને વિકસાવવા માટે ચીને એક બિલિયન ડોલરનું જંગી મૂડીરોકાણ કરી દીધું છે. ચીન આ બંદરને હિન્દી મહાસાગરમાં સૌથી પ્રભાવશાળી નૌકાદળ મથક તરીકે વિકસાવવા માગતું હતું. બાંગ્લાદેશ જેવી જ યોજના હતી. શ્રીલંકામાં પ્રમુખ સીરીસેનાની સરકાર રચાઇ અને માહોલ બદલાયો. ભારતે શ્રીલંકા સરકાર સાથેના મતભેદો કોરાણે મૂકીને સંબંધો મજબૂત બનાવ્યા અને હવે શ્રીલંકાના આંશિક અસહકારના કારણે ચીનની સરકાર બંદરનિર્માણ મુદ્દે ઢીલાઢાળી રહી રહી છે.
તાજેતરમાં નરેન્દ્ર મોદી બે દિવસ શ્રીલંકા પણ જઇ આવ્યા અને બુદ્ધપૂર્ણિમા પ્રસંગે યોજાયેલા સમારોહમાં હાજરી પણ આપી. ભારત-શ્રીલંકા વચ્ચેનો ઐતિહાસિક નાતો યાદ કરાવ્યો અને વેપાર-વણજથી માંડીને કરારો પણ કર્યા. શ્રીલંકાના રાષ્ટ્રીય અખબારોએ પણ દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવાના ભારતના, અને સવિશેષ તો નરેન્દ્ર મોદી અભિગમને ભરપેટ વખાણ્યો છે. આમ, ચીનને હાલ પૂરતું તો શ્રીલંકામાં હંફાવી દેવામાં ભારત સફળ રહ્યું છે.
માલદીવની વાત કરીએ તો... આ ટચુકડા ટાપુ દેશની વસ્તી બહુ જૂજ છે. ચીન ત્યાં પણ પગ પસારવા વિચારતું હતું, પરંતુ તેનો ઇરાદો બર આવ્યો નથી. ભારતીય લક્ષદ્વિપ ટાપુઓથી એકદમ નજીક આવેલા આ દરિયાઇ ક્ષેત્રનું રક્ષણ કરવા ભારતીય નૌકાદળ સજ્જ અને સતર્ક છે.
અ...ને પાકિસ્તાન?! તેના માટે તો ક્યાં કંઇ કહેવા જેવું જ છે. તેના અવળચંડા કરતૂતો વિશે તો આખી દુનિયા જાણે છે. જે દેશના શાસકો પોતાના નિર્દોષ નાગરિકોના ભોગે પણ આતંકવાદી પરિબળોને આશરો આપતો હોય તેના માટે તો કહેવા જેવું કંઇ રહેતું જ નથી.
ચીન-અમેરિકાની લેતાદેતી
ગુરુવારે, ૧૧ મેના રોજ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચીને નવો દાવ ખેલ્યો છે. વિશ્વમાં સૌથી વધુ બીફ (ગૌમાંસ) ચીનમાં ખવાય છે એ જગજાહેર છે તો અમેરિકા બીફની નિકાસમાં મોખરાનું સ્થાન ધરાવે છે તે વાતથી પણ ભાગ્યે જ કોઇ અજાણ હશે.
જોકે નવાઇની વાત એ છે કે આખી દુનિયામાં બીફની નિકાસ કરતાં અમેરિકા માટે ચીનના દરવાજા અત્યાર સુધી બંધ હતા. અમેરિકાથી બીફ આયાત કરવા પર ચીને પ્રતિબંધ ફરમાવ્યો હતો.
ગુરુવારે બન્ને દેશો વચ્ચે એક સમજૂતી થઇ છે, જે અનુસાર ચીને અમેરિકાથી બીફની આયાત પરનો પ્રતિબંધ હટાવ્યો છે. સ્વાભાવિક છે કે ચીન કંઇ અમસ્તું જ ટ્રમ્પ સરકાર પર ઓવારી ગયું નથી. ખંધા ચીને બદલામાં અમેરિકાનું સમર્થન મેળવી લીધું છે. ક્યા મુદ્દે? ચીન પાકિસ્તાનમાં ઇકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે. સીઇપીસી નામે જાણીતા ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઉપરાંત ચીને વન બેલ્ટ વન રોડ (ઓબીઆર) નામથી ઓળખાતા પ્રોજેક્ટ માટે ‘બીફના બદલામાં’ અમેરિકાનું સમર્થન હાંસલ કર્યું છે. અમેરિકાને અત્યાર સુધી આ પ્રોજેક્ટ સામે ‘અનેક વાંધાવચકા’ હતા, પણ બીફની નિકાસ માટે ચીન જેવું વિરાટ બજાર મળતાં જ ‘વાંધા વિખેરાઇ ગયા’ છે. (મૂલ્યો-બૂલ્યો તો માર્યા ફરે... શું કહો છો, મિત્રો?) અમેરિકાએ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને આકર્ષક ગણાવ્યો છે.
કન્યાની કેડે ભાર
ચીનની (સીઈપીસી) મહત્ત્વકાંક્ષી યોજના ૫૫ બિલિયન ડોલરના તોતિંગ ખર્ચે પાંચ વર્ષે પૂરી થશે. પ્રોજેક્ટના ભાગરૂપે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી શરૂ થતો હાઇ-વે અફઘાનિસ્તાન કે ભારતને સ્પર્શ્યા વગર ચીનના શીન્ઝ્યાંગ પ્રાંતના કાસ્કર સુધી પહોંચશે. અહીંથી તે યુરોપ સાથેના ઓબીઓઆર પ્રોજેક્ટ સાથે આસાનીથી જોડાઇ શકશે.
જોકે પાકિસ્તાની બિરાદરો ખંધા ચીનની ચાલ સમજી ન શક્યા હોવાનું બ્રિટન સહિત વિશ્વના કેટલાક ટોચના અર્થશાસ્ત્રીઓનું માનવું છે. તેમનું કહેવું છે કે પ્રોજેક્ટ માટે જરૂરી ૫૫ બિલિયન ડોલરનું અધધધ મૂડીરોકાણ અત્યારે ભલે ચીન કરતું હોય, પણ આ કરજનો બોજ આખરે તો પાકિસ્તાન નામની કન્યાની કેડ પર જ આવવાનો છે. આ માટે તેને બસ થોડાક સસ્તા વ્યાજ દરની લોન મળી છે એટલું જ. બાકી પ્રોજેક્ટ ખર્ચ તો તેણે જ વ્યાજ સાથે ભોગવવાનો રહેશે. ‘ધ ઇકોનોમિસ્ટ’, ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલોમાં પણ જણાવાયું છે કે આ દેવું ચૂકવી શકવાની આર્થિક ક્ષમતા અત્યારે પણ પાકિસ્તાનમાં નથી, અને ભવિષ્યમાં તે આટલું આર્થિક તગડું થઇ જાય તેવા કોઇ અણસાર નથી. પાકિસ્તાનમાં પણ એક વર્ગે એવી આશંકા દર્શાવી છે કે પાકિસ્તાન ચીનના પેંતરામાં ફસાઇ ગયું છે.
વળી, એક બીજી કડવી હકીકત એ પણ છે કે આ માર્ગનો સૌથી મોટો ફાયદો તો ચીનને જ મળવાનો છે. આ પ્રોજેક્ટથી તેને છેક મધ્ય-પૂર્વમાં આયાત-નિકાસનો સીધો અને સરળ માર્ગ મળી જશે. આયાત-નિકાસ સાથે સંકળાયેલા ચીનના વેપાર-ઉદ્યોગોને સમય અને નાણાંની અઢળક બચત થશે.
ઉદાહરણ રૂપે જોઇએ તો, ચીનથી આયાત-નિકાસ થતા માલસામાનને ભારત અને શ્રીલંકાના સમુદ્ર વિસ્તારમાંથી પસાર થઇને મલાકા સ્ટેટ્સ દ્વારા ચીન પહોંચતાં પહોંચતાં ૮૦૦૦ માઇલનું અંતર કાપવું પડે છે. જ્યારે આ સીઇપીસી રોડ તૈયાર થઇ જતાં અંતર ઘટીને માત્ર ૪૦૦૦ માઇલ થશે. વાચક મિત્રો જરા કલ્પના તો કરો... અંતરમાં ૪૦૦૦ માઇલનો ઘટાડો ચીનની કંપનીઓના સમય અને નાણાંનો કેટલો બચાવ કરશે.
પ્રગતિના પંથે હરણભાળ ભરી રહેલા ભારતને ભરડો લેવા માટે ચીન અને પાકિસ્તાન સાથે મળીને મરણિયા પ્રયાસો કરી રહ્યા છે કેમ કે તેમનું લક્ષ્યાંક એક જ છે - ભારત. આખરે તો કોઇ પણ બે દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતો ઉદ્દેશ હોય છે તેમનો સમાન હેતુ. સમાન હેતુના પરિણામે જ રાજદ્વારી સંબંધોનું સમીકરણ રચાય છે તેમાં (બન્ને પક્ષે) સ્વાર્થ સિવાય કોઇ વાતનું મહત્ત્વ હોતું નથી. વેપાર-વલણ, આયાત-નિકાસ, આર્થિક ઉન્નતિ કે લશ્કરી તાકાત - આ બધા પરિબળો ઉપરાંત જે તે દેશમાં સરમુખત્યાર સરકાર હોય તો તેને વળી યાવતચંદ્ર દિવાકરો ટકી રહેવાના કોડ પણ હોય. ચીને અત્યાર સુધીમાં જે પ્રગતિ હાંસલ કરી છે, અને હાંસલ કરી રહ્યું છે તેના મૂળમાં એકહથ્થુ શાસન છે. પરંતુ અંતે તો માનવમનની એક લાક્ષણિક્તા છેઃ કાયમ કોઇના દોરવાયા દોરવાઇ જવામાં આખરે તો તે હિચકિચાટ જ અનુભવે છે.
દરેકનો પોતીકો વિચાર, હીત, વલણ, ચલણ અને ઝંખના હોવાના જ. અને તે સ્વાભાવિક પણ છે. આ અર્થમાં આપણે આવતા સપ્તાહે ચતુર ચીનની ચાલબાજી અને પરિણામ સ્વરૂપ સંભવિત ભયસ્થાનોની ચર્ચા આગળ ધપાવશું. તેની શું નબળાઇ છે? ને શું સબળાઇ છે? ભારતનું નામ આવતાં જ તેને પેટમાં કેમ દુઃખે છે? વગેરે વાતો હવે પછી... (ક્રમશઃ)

