ભારતીય ન્યાયતંત્રના આંતરકલહની સાથે જ ન્યાયતંત્રના સરકાર (કારોબારી) સાથેના ટકરાવે સમગ્ર દેશની એકતા અને અખંડિતતા માટે ખૂબ જ નિર્ણાયક એવા અદાલતી ખટલાઓનું ભવિષ્ય પણ હાલકડોલક અવસ્થામાં અટવાયું લાગે છે.
વડાં પ્રધાન ઈંદિરા ગાંધીના શાસનમાં એમને કહ્યાગરું ન્યાયતંત્ર ખપતું હતું, છતાં સ્વામિભાની ન્યાયાધીશોએ બઢતીના અધિકાર છતાં લાડકા ન્યાયાધીશોને આગળ વધવાની તક અપાઈ ત્યારે રાજીનામાં ધરી દેવાનું પસંદ કર્યું હતું. શ્રીમતી ગાંધીએ ન્યાયતંત્રમાં જ નહીં, લશ્કરી દળના વડાની પસંદગીમાં પણ લેફ્ટ. જનરલ એસ. કે. સિંહાના અધિકારને ડૂબાડ્યો અને જનરલ અરુણ કુમાર વૈદ્યને વડા બનાવાયા હતા. વૈદ્ય પણ સિંહાના અંગત મિત્ર હતા એટલે એમણે સરકારી નોકરી છોડીને સ્વમાનને વહાલું કર્યું હતું. પ્રત્યેક રાજકીય શાસકને નોકરશાહી કે ન્યાયતંત્રની સ્વતંત્રતા કઠતી હોય છે. એટલે જ ન્યાયાધીશોની નિમણૂકો માટેના સુપ્રીમ કોર્ટના કોલેજિયમની પ્રણાલીને સ્થાને ન્યાયાધીશોની નિમણૂકો માટે રાષ્ટ્રીય પંચની તરફેણ અગાઉની કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર થકી કરાઈ હતી અને છતાં એના અમલ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધને કારણે હજુ કોલેજિયમ પ્રણાલી ચાલુ તો છે, પણ દેશના મુખ્ય ન્યાયાધીશના વડપણવાળા આ કોલેજિયમ થકી સુપ્રીમ કોર્ટ કે હાઈ કોર્ટોના ન્યાયાધીશોની નિમણૂકો માટે નામાવલિઓ કેન્દ્રની સરકારના કાયદા વિભાગને મોકલવામાં આવતાં એમાંના અડધાં નામ તો ઈન્ટેલિજન્સના અહેવાલ પ્રતિકૂળ આવ્યા હોવાના નામે નકારવામાં આવે છે.
ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે આ ટકરાવ છતાં મોદીયુગમાં ઘણાબધા ન્યાયાધીશોની નિમણૂકો શક્ય બની છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જે. એસ. ખેહર થકી અદાલતો અને સરકાર પોતપોતાની બંધારણીય મર્યાદામાં રહીને કામ કરે એવા સંકેત અપાયા પછી આ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન નહીં થાય એ અભિપ્રેત હતું.
ન્યાયમૂર્તિ કર્ણન પ્રકરણથી ગરિમાલોપ
ભારતીય ન્યાયતંત્રમાં વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક થયા પછી એમને હોદ્દા પરથી દૂર કરવાનું ખાસ્સું મુશ્કેલ બનાવી દઈને સ્વતંત્રતા બક્ષવાનું પસંદ કરાયું છે. ભ્રષ્ટ ન્યાયાધીશોને હોદ્દેથી દૂર કરવાના ત્રણેક પ્રસંગ આવ્યા, ત્યારે બે ન્યાયાધીશોએ તો પોતાની રીતે જ રાજીનામાં આપી દીધાં હતાં, પણ જસ્ટિસ રામાસ્વામી પ્રકરણમાં મામલો સંસદમાં મહાઅભિયોગ (ઈમ્પિચમેન્ટ) સુધી ગયો, પણ રામાસ્વામીને દૂર કરવા માટે જરૂરી સમર્થન યોજી શકાયું નહોતું.
એ ત્રણ પ્રસંગોથી ન્યાયાધીશ સી. એસ. કર્ણનનો કેસ નોખો છે. એ તો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા નથી પણ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના સાથી ન્યાયાધીશો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવાથી લઈને પોતાના ઉપરી ન્યાયાધીશોને પોતાની અદાલતમાં હાજર થવાનો આદેશ કરવા ઉપરાંત પોતે દલિત હોવાથી પોતાની સાથે અણછાજતું વર્તન કરાઈ રહ્યાનું જણાવીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારે છે! સુપ્રીમ કોર્ટની બેંચ આ ન્યાયાધીશનું મગજ ઠેકાણે નહીં હોવાનું માની એને માટે પશ્ચિમ બંગાળ સરકારને મેડિકલ બોર્ડની રચના કરીને તેમની માનસિક અવસ્થા તપાસવા આદેશ આપે છે. તબીબો અને પોલીસ એ માટે જાય છે ત્યારે જસ્ટિસ કર્ણન એમને ધમકી આપે છે. વિવિધ કેસમાં સીબીઆઈને તપાસના આદેશ આપે છે.
સાથી ન્યાયાધીશો વિરુદ્ધના એમના આવા વર્તનને પગલે મદ્રાસ હાઈ કોર્ટથી કોલકાતા હાઈ કોર્ટમાં એમની બદલી કરાઈ, કોઈ ન્યાય તોળવાનું કામ નહીં કરવા આદેશ અપાયો તો એ ઘરેથી અદાલત ચલાવતા રહ્યા. જ્યારે એમણે સુપ્રીમના ન્યાયાધીશોને પાંચ-પાંચ વર્ષની કેદની સજા સુણાવી ત્યારે ખિન્ન સુપ્રીમે એમને જ છ મહિના કેદમાં રાખવાનો આદેશ આપ્યો. પોલીસતંત્ર એમને પકડવા ગયું ત્યારે ન્યાયાધીશ કર્ણન અલોપ થઈ ગયા, પણ એમને છ મહિનાની ફરમાવાયેલી સજા સામે એમની વતી સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારની અપીલ કરાઈ. હવે સુપ્રીમ કોર્ટ એ વિશે વિચારણા કરી રહી છે. પણ ન્યાયાધીશ કર્ણન વિદેશ ચાલ્યા ગયાની ચર્ચા છે. જોકે વકીલોમાં પણ ઈંદિરા જયસિંહ જેવાં આગેવાન વકીલે ન્યાયમૂર્તિ કર્ણન વિરુદ્ધના આદેશથી ખતરનાક પરંપરા સ્થપાયાનું કહીને એની યોગ્યતા સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
નવાઈ એ વાતની છે કે ભારતીય પ્રજાને હજુ જે તંત્રમાં વિશ્વાસ ટક્યો છે એ ન્યાયતંત્રના આવા વલણ પછી એના ભણીની શ્રદ્ધા પણ ડગી જવાના સંજોગો સર્જાતા લાગે છે. અને આ બધું એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે દેશ સમક્ષ મહત્ત્વના ખટલાઓ ચાલી રહ્યા છે અને લોકો સુપ્રીમ ભણી મીટ માંડીને બેઠાં છે. કમનસીબે આવા વરવા ટકરાવમાં કોઈ મધ્યસ્થી પણ નથી કરતું.
ત્રિપલ તલાક મુદ્દે પંચ-ધર્મી બેંચ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખેહરે પાંચ ન્યાયાધીશોની બનેલી પંચ-ધર્મી ખંડપીઠ રચીને ત્રિપલ તલાક સહિતના મુદ્દે ચુકાદો આપવા મક્કમ નિર્ધાર કર્યો છે. એમાં ખેહર (શીખ), જસ્ટિસ કુરિયન જોસેફ (ખ્રિસ્તી), જસ્ટિસ આર. એફ. નરીમાન (જરથોસ્ત), યુ. યુ. લલિત (હિન્દુ) અને જસ્ટિસ એસ. અબ્દુલ્લ નઝીર (મુસ્લિમ)ની સમક્ષ આ કેસ ચલાવવાનું નક્કી કર્યું છે. મુસ્લિમોમાં છૂટાછેડા માટે એકસાથે ત્રણ વાર તલાક-તલાક-તલાક કહીને પરિણીતાઓને અસલામત સ્થિતિમાં મૂકવાની પરંપરા સામે તલાકશુદા મહિલાઓ જ હવે સુપ્રીમ કોર્ટમાં લડી લેવા તૈયાર થઈ છે.
૧૯૮૬માંના શાહબાનો કેસનું સ્મરણ કરાવે તેવા અત્યારના સાયરાબાનો વિરુદ્ધ ભારત સરકારના સુપ્રીમમાં કરાયેલા કેસમાં અનેક મુસ્લિમ મહિલા સંગઠનો અને તલાકશુદા મુસ્લિમ મહિલાઓ પણ ફરિયાદ પક્ષે જોડાઈ છે. મામલો સુપ્રીમમાં હતો એટલે સુપ્રીમે ભારત સરકારને નોટિસ આપીને એના વલણને જાણવા ચાહ્યું. મોદી સરકારે ત્રિપલ તલાકને અમાનવીય લેખાવીને તલાકશુદા મહિલાઓના પક્ષમાં સોગંદનામું કર્યું. એટલે મુલ્લા-મૌલવીઓનો એક વર્ગ ભાજપ અને કેન્દ્ર સરકાર સામે ભડક્યો છે, પરંતુ મુસ્લિમ મહિલાઓ ખુશ છે.
જોકે, કેન્દ્ર સરકાર તરફથી આ ખટલામાં અદાલતના પ્રતિનિધિ તરીકે એટલે કે amicus curiae તરીકે કામ કરવા પસંદ કરાયેલા જાણીતા ધારાશાસ્ત્રી અને ડો. મનમોહન સરકારમાં વિદેશપ્રધાન રહેલા સલમાન ખુરશીદ તો મુલાકાતોમાં ત્રિપલ તલાકને ભાજપી નેતાઓ રાજકીય મુદ્દો બનાવી રહ્યાનું કહીને મોદી સરકારની ટીકા કરે છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સમયસર નિર્ણય પર આવતા પૂરતી તટસ્થતા જાળવીને આગળ વધવા ઈચ્છે છે.
ત્રિપલ તલાક અથવા તલાક-એ-બિદ્દત એટલે કે એક સાથે ત્રણ વાર તલાક-તલાક-તલાક કહીને લગ્નસંબંધમાંથી છૂટા થવાની પ્રણાલી ઉપરાંત નિકાહ-હલાલા એટલે કે એક વાર પતિથી તલાક અપાયેલી મહિલાએ એ જ પતિ સાથે ફરી લગ્ન કરવા હોય તો પણ એણે બીજા કોઈ સાથે લગ્ન કરીને, એ લગ્ન ભોગવ્યા પછી તલાક મેળવીને જ થઈ શકે. અને ત્રીજો મુદ્દો બહુપત્નીત્વનો એટલે કે મુસ્લિમ પુરુષ ચાર પત્ની કરી શકે એ મુદ્દો સુપ્રીમ કોર્ટની ખાસ બંધારણીય બેંચ હાથ ધરશે. આ ખંડપીઠ સમાન નાગરી ધારા (યુનિફોર્મ સિવિલ કોર્ડ)ના મુદ્દાને હાથ ધરશે નહીં, કારણ કે એ મામલો ભારતનું કાયદા પંચ હાથ ધરી રહ્યું છે. મુસ્લિમોના ધર્મ અને લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક્ક, દત્તકપ્રથા અને તલાકશુદા મહિલાની ખાધાખોરાકી સહિતના મુદ્દા અદાલત હાથ ધરશે.
વેકેશન પછી જુલાઈથી ડિજિટલ-કોર્ટ
અદાલતોમાં વિચારાધીન ખટલાઓના ભરાવાને ખાળવા માટે વડા પ્રધાન મોદી તથા તેમના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ કામે વળ્યા છે. શક્ય તેટલા વધુ ન્યાયાધીશોની નિમણૂક કરીને ખાલી જગ્યાઓ ભરવા ઉપરાંત ભારતની સુપ્રીમ કોર્ટથી લઈને નીચેની અદાલતોને ડિજિટલ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ છે. હમણાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ખેહર અને બીજા ન્યાયાધીશો સાથે જાહેર સમારંભમાં વડા પ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વેકેશન પછી જુલાઈથી અદાલત એકદમ ડિજિટલ થઈ જાય અને કાગળોના ઢગલાંને બદલે મોટાભાગની કાર્યવાહી ઓનલાઈન થાય એવી વ્યવસ્થા કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
વડા પ્રધાનની દૃષ્ટિએ આનાથી પાણી અને વૃક્ષો બચશે અને પર્યાવરણની રક્ષા થશે. મુખ્ય ન્યાયાધીશ ખેહરના કહેવા મુજબ, ન્યાયતંત્ર વધુ પારદર્શક બને અને વિચારાધીન ખટલાઓના ઝડપી નિકાલ માટે ડિજિટલાઈઝેશન અમલમાં આવે તે જરૂરી છે.
અદાલતમાં જનવિશ્વાસ ટકાવવાનો છે
અદાલતોમાં વરવાં દૃશ્યો સર્જાઈ રહ્યાં છે ત્યારે પ્રજાનો વિશ્વાસ ડગી જાય એવા સંજોગો છે. ભારતીય પ્રજાને હજુ રાજકીય નેતાઓ કરતાં ન્યાયતંત્રમાં વધુ વિશ્વાસ છે છતાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર અને સગાવાદનો સડો જરૂર પેઠો છે. ન્યાયાધીશ કર્ણન જેવાએ ન્યાયાધીશોના ભ્રષ્ટાચારને દૂર કરવા માટે જંગ છેડ્યો છે, પરંતુ વ્યવસ્થાના તંત્રને તોડીને એ કામે વળ્યા છે. એટલે ફરિયાદી થઈને આરોપીનો અનુભવ કરી રહ્યા છે. વળી ન્યાયતંત્રમાં અત્યાર લગી દલિત અને સવર્ણના ભેદ વર્તાયા નહોતા પણ ન્યાયાધીશ કર્ણને એ ભેદરેખાને પ્રકાશમાં આણવા માંડી છે. એમની દૃષ્ટિએ ન્યાયતંત્રમાં સવર્ણવાદ પ્રભાવી હોવાથી એમના જેવા દલિતોને અન્યાય થઈ રહ્યો છે. જોકે, આ બાબત વધુ વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરે એ પહેલાં વિવાદનું સમાધાન શક્ય બનાવવા માટે સરકાર અને ન્યાયતંત્રના વડીલોએ આગળ આવવાની જરૂર છે, અન્યથા સ્થિતિ કાબૂ બહાર જશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)

