પેરિસ, લંડન, હોંગ કોંગઃ વિશ્વના ૧૦૦ દેશો પર ૧૨મી મેની રાત્રે એકસાથે ૧,૩૦,૦૦૦થી વધુ સાયબર એટેક થતાં ખળભળાટ મચી ગયો છે. આ રેન્સમવેર એટેકમાં અમેરિકા, ફ્રાન્સ, નોર્વે, સ્વિડન, ભારત, યુકે, બ્રિટન, તુર્કી, વિયેતનામ, ફિલિપાઈન્સ, રશિયા અને જાપાન સહિતના દેશોનાં લાખો કમ્પ્યૂટર્સને હેક કરાયાં છે.
સાયબર એટેકના શિકાર દરેક કમ્પ્યુટરના સ્ક્રીન પર ૩૦૦ ડોલરની ખંડણી માગવાના મેસેજ છે. બિટકોઇન્સ સ્વરૂપે આ રકમ માગ થઈ છે, જેથી વર્ચ્યુઅલ કરન્સીને કારણે હેકર્સને શોધી શકાય નહીં. જો ખંડણી આપવામાં વિલંબ થાય છે તો ત્રણ દિવસમાં આ રકમ બમણી કરીને ૬૦૦ ડોલર કરાય છે અને સાત દિવસમાં પૈસા ન મળે તો ફાઇલો ડિલિટ કરવાની ધમકી અપાય છે.
આખા વિશ્વને સાયબર એટેકે હચમચાવ્યા પછી બીજા દિવસે શનિવારે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સે અસરગ્રસ્ત સિસ્ટમને ફરી કાર્યરત કરવામાં સમય વિતાવ્યો હતો.
રશિયાની બેન્કો, ભારતનાં પોલીસ સ્ટેશન, બ્રિટનની એનએચએસ હોસ્પિટલ્સ અને ફ્રાન્સની કાર બનાવતી કંપનીઓ આ સાયબર એટેકનો ભોગ બની હતી.
હેલસિન્કીની સાયબર સિક્યુરિટી કંપની એફ સિક્યોરનાં વડા મિક્કો હાયપોનને કહ્યું હતું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર એટેક હતો. તેમણે કહ્યું કે, રશિયા સૌથી વધુ પ્રભાવિત થયો હતો. ૧,૩૦,૦૦૦થી વધુ સિસ્ટમ કારણે ખોરવાઈ ગઈ હતી. રશિયા અને ભારતમાં જૂની વિન્ડોઝ એક્સપી સિસ્ટમનો ઉપયોગ થાય છે જે સુરક્ષિત ન હોવાનો દાવો તેમણે કર્યો હતો.
સાઈબર સુરક્ષા એજન્સીઓ હવે આ હેકર્સને શોધવા સક્રિય બની છે. આ સાઈબર એટેક અણધાર્યો હતો. વિશ્વમાં તમામ પ્રકારની કંપનીઓ અને બિઝનેસ તેની ઝપટમાં આવી ગયા હતા.
રશિયામાં સૌથી વધુ અસર
આ મેલવેર એક એન્ક્રિપ્ટેડ કોમ્પ્રેસ્ડ ફાઇલસ્વરૂપે ઈમેલથી મોકલવામાં આવ્યો છે. જેમાં ટાર્ગેટેડ કમ્પ્યુટર મેલવેરને ઇન્સ્ટોલ્ડ કરવામાં આવે એટલે કમ્પ્યુટર તેનો શિકાર બને છે. યુરોપના અનેક દેશો, એશિયા, રશિયા અને બ્રિટન સહિત અન્ય દેશોની હોસ્પિટલ્સ તેમજ સંદેશવ્યવહાર સિસ્ટમ આને કારણે ઠપ થઈ ગઈ છે.
સ્પેનની ટેલિફોનિકા અને રશિયાની મેગાફોન કંપનીની સિસ્ટમ, સેન્ટ્રલ બેન્ક અને રેલવેની સિસ્ટમ, જર્મનીની ડોઈશ બાહન અને રેલવે સિસ્ટમ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અમેરિકાની ફેડએક્સ વગેરેને વધારે માઠી અસર થઈ છે. ફ્રાન્સની કાર બનાવતી કંપની રેનોને આને કારણે ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી. ફ્રાન્સ અને સ્લોવેનિયાનાં પ્લાન્ટની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.
ચીનમાં લાખો કમ્પ્યુરને અસર
સપ્તાહના અંત પછી સોમવારે આખી દુનિયામાં બિઝનેસ શરૂ થયો પરંતુ જેવો ભય હતો એવી અસર જોવામાં આવી નથી. ચીનમાં જરૂર સરકારી એજન્સીઓ સહિત ૩૦ હજાર સંસ્થાઓના લાખો કમ્પ્યુટર રેન્સમવેર વાઇરસની અડફેટમાં આવી ગયા. સરકારી સેવાઓ, પેમેન્ટ સિસ્ટમ ઓફલાઇન થઇ ગઇ. જાપાનમાં પણ મામલા સામે આવ્યા છે. બાકી એશિયામાં ઓછી અસર જણાઇ. જોકે, નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે હજી વધુ ગંભીર સામે આવી શકે છે.
ભારત પણ ઝપટે ચઢ્યું
ભારતમાં આંધ્ર પ્રદેશના પોલીસ વિભાગ પર રેન્સમવેર એટેકની અસર થઈ છે. ચિત્તુર, કૃષ્ણા, ગુન્ટુર, વિશાખાપટ્ટનમ્, શ્રીકાકુલમ જિલ્લામાં ૧૮ પોલીસ વિભાગોનાં કમ્પ્યુટર્સ ઠપ્પ થઈ ગયાં હતાં. ૨૫ ટકા સિસ્ટમ પર કામ અટકી ગયું છે. વિન્ડોઝથી ચાલતાં સ્ટેન્ડઅલોન કમ્પ્યુટર્સ ઠપ્પ થયાં છે. જેને હમણાં લોગઓફ કરાયાં છે. Apple iOS દ્વારા ચાલતી સિસ્ટમ સુરક્ષિત છે તેને કોઈ અસર થઈ નથી. ભારતમાં કોઈ મોટા સર્વર હેકિંગપ્રૂફ નથી તેથી ગમે ત્યારે આવા સાયબર હુમલાથી ગમે તે સિસ્ટમને હેક કરી શકાય છે અને સિસ્ટમ ઠપ્પ થવાના જોખમો વધે છે.
રેન્સમવેર વાયરસ રોકવો અશક્ય
યુરોપની સૌથી મોટી સાયબર સિક્યોરિટી એજન્સી યુરોપોલે જણાવ્યું છે કે, હેકરોએ કરેલા રેન્સમવેર સાયબર હુમલાથી ૧૫૦ જેટલા દેશ પ્રભાવિત થયા છે. આ હુમલાના કારણે દુનિયાભરની બે લાખથી પણ વધુ સંસ્થાઓના સર્વરને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, ફ્રાંસ સરકારે પણ રેન્સમવેરના કારણે બેંકિંગ સિસ્ટમ સહિતની સેવાને ગંભીર ખતરો હોવાની કબૂલાત કરી છે. આ હુમલા પછી દુનિયાભરની સાયબર સિક્યોરિટી એજન્સીઓ ઉંઘતી ઝડપાઈ છે.
દુનિયાભરની સાયબર સિક્યોરિટી એજન્સીઓ આ હુમલાને ખાળવા કે હળવો કરવા પ્રયત્નશીલ છે. આ વાયરસ અનેક ફાઈલોને પહેલેથી જ પોતાના કબ્જામાં લઈ ચૂક્યો છે, જેના માટે હેકરો ખંડણી પણ માગી રહ્યા છે. આ વાયરસ બ્રિટન, ફ્રાંસ અને રશિયામાં ખૂબ જ ઝડપથી ફેલાયો છે.
દરમિયાન બ્રિટીશ સાયબર સિક્યોરિટી એજન્સીએ 'માલવેર ટેક'એ ટ્વિટ કરી હતી કે, અમે 'વન્નાક્રાય'ના વર્ઝન વનને રોકી દીધું છે, પરંતુ વર્ઝન-ટુને ભાગ્યે જ રોકી શકાશે. અત્યાર સુધી તો તમે બધા સુરક્ષિત છો. એટલે ખૂબ જ ઝડપથી પોતપોતાના સર્વરની સુરક્ષા વધારી દો અને બની શકે એટલા મજબૂત અગમચેતીના પગલાં લો.
હાલ દુનિયાભરની સાયબર સિક્યોરિટી એજન્સીઓ અજાણ્યા હેકરોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ હેકરોએ પોતાની ઓળખ 'વન્નાક્રાય' અને 'વન્ના ડિક્રિપ્ટર' જેવા ટેકનિકલ નામે આપી છે. આ એજન્સી સાથે સંકળાયેલા એક નિષ્ણાતે કહ્યું હતું કે, અમે આ હુમલાને રોકી દીધો છે, પરંતુ જો બીજી વાર હુમલો થશે તો અમે રોકી નહીં શકીએ.
યુએસની નેશનલ સિક્યુરિટી એજન્સીનું પાપ?
સાયબર વિશેષજ્ઞોના માનવા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્રીય એજન્સી દ્વારા વિકસિત આ પ્રોગ્રામને હેકર્સે ચોરી લીધો છે. દરમિયાન વ્હીસલ બ્લોઅર એડવર્ડ સ્નોડેને વૈશ્વિક સાઈબર હુમલો નહીં રોકવા માટે એનએસએને જવાબદાર ગણાવી છે.
સ્નોડેનના કહેવા પ્રમાણે આ પ્રકારના પ્રોગ્રામ્સ અંગે અનેક વાર ચેતવણી અપાઈ પછી પણ તેની દરકાર ન કરવામાં આવી તેનું પરિણામ આ રેન્સમવેર એટેક છે.
એક ડમ્પના માધ્યમથી ‘શેડો બ્રોકર્સ’ નામના એક જૂથે ૧૪ એપ્રિલે આ માલવેર ઓનલાઈન ઉપલબ્ધ કરાવ્યો હતો. આ જૂથે ગત વર્ષે એનએસએમાંથી ‘સાયબર હથિયાર’ ચોર્યાનો દાવો કર્યો હતો. તેથી એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે કદાચ આ જૂથે જ દુનિયાભરમાં રેન્સમવેરનો આતંક ફેલાવ્યો હોય કે કોઈ રીતે તેમાં સામેલ હોય.

