મુંબઇઃ આઇપીએલ સિઝન-૧૦ આગળ વધી રહી છે તેમ તેમ રસાકસી અને રોમાંચક્તા વધી રહી છે. આઇપીએલના દસ સિઝનના ઇતિહાસમાં ૧૪ એપ્રિલે એક જ દિવસમાં બે હેટ્રિકની અનોખી ઘટના નોંધાઈ હતી. પહેલી હેટ્રિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેરેબિયન સ્પિનર સેમ્યુઅલ બદ્રીએ મુંબઈ સામે જ્યારે ગુજરાત લાયન્સના ઓસ્ટ્રેલિયન મીડિયમ પેસર એન્ડ્રુ ટાયે પૂણે સામે હેટ્રિક ઝડપી હતી.
બેંગ્લોરના સ્પિનર બદ્રીએ હેટ્રિકની સાથે સાથે જ ૪ ઓવરમાં ૧ મેઇડન ૯ રન અને ૪ વિકેટની મેજિકલ ફિગર્સ મેળવી હતી. જ્યારે એન્ડ્રુ ટાયે ૪ ઓવર ૧૭ રન અને ૫ વિકેટની અસરકારક બોલિંગ ફિગર્સ પ્રાપ્ત કરી હતી. આઇપીએલના ઇતિહાસમાં હેટ્રિક ઝડપનારા ૧૩મા બોલર તરીકે બદ્રીએ અને ૧૪મા બોલર તરીકે એન્ડ્રુ ટાયે રેકોર્ડબુકમાં સ્થાન મેળવ્યું હતું. આઇપીએલમાં હેટ્રિકની ૧૫મી અને ૧૬મી ઘટના એક જ દિવસે નોંધાઇ હતી.
કેકેઆરનો રોમાંચક વિજય
મનીષ પાંડે તથા યુસુફ પઠાણે અડધી સદી નોંધાવવા ઉપરાંત બંનેએ નોંધાવેલી ૧૧૦ રનની ભાગીદારી વડે કોલકતા નાઇટ રાઇડર્સે ૧૭ એપ્રિલે દિલ્હીમાં રમાયેલી લીગ મેચમાં ભારે રસાકસી બાદ એક બોલ બાકી રાખીને દિલ્હી ડેરડેવિલ્સને ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની ટીમે સાત વિકેટે ૧૬૮ રન નોંધાવ્યા હતા. જવાબમાં કોલકતાએ ૧૯.૫ ઓવરમાં વિકેટના ભોગે ૧૬૯ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. પાંડેને મેન ઓફ મેચ થયો હતો. રનચેઝમાં કોલકતાએ એક સમયે ૨૧ રનના સ્કોરે સુકાની ગંભીર (૧૪), ગ્રાન્ડ હોમી (૧) તથા ઉથપ્પાની (૪) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પઠાણ તથા પાંડેએ ધીમે ધીમે ઇનિંગ્સને આગળ વધારીને ટીમને વિજય તરફ દોરી હતી. પઠાણે ૩૯ બોલમાં બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૫૯ રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ પાંડેએ અણનમ ૬૯ રન બનાવીને ટીમને વિજય અપાવી દીધો હતો. અગાઉ દિલ્હીની ટીમે સંજૂ સેમસન (૩૯) તથા બિલિંગ્સ (૨૧)ની પ્રથમ વિકેટ માટે નોંધાયેલી ૫૩ રનની ભાગીદારી વડે આક્રમક શરૂઆત કરી હતી. રિષભ પંતે ૩૮ રન બનાવ્યા હતા.
રસાકસી બાદ હૈદરાબાદનો વિજય
સુકાની ડેવિડ વોર્નરે અણનમ ૭૦ રનની ઇનિંગ્સ રમ્યા બાદ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ઝડપેલી પાંચ વિકેટની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૭ એપ્રિલે હૈદરાબાદમાં રમાયેલી અત્યંત રોમાંચક બનેલી લીગ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ રને પરાજય આપ્યો હતો. હૈદરાબાદના ૧૫૯ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબની ટીમ ૧૦ વિકેટે ૧૫૪ રન નોંધાવી શકી હતી. મુશ્કેલ પિચ પર રનચેઝ માટે મેદાને પડેલી પંજાબની ટીમે ૬૨ રનના સ્કોર સુધીમાં સુકાની મેક્સવેલ (૧૦) સહિત પાંચ વિકેટ ગુમાવી હતી. પાંચ રન માટે સદી ચૂકેલા મનન વોહરાએ ૫૦ બોલમાં નવ બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર વડે ૯૫ રન કર્યા હતા. હૈદરાબાદ માટે ભુવનેશ્વરે ૧૯ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. અગાઉ હૈદરાબાદની ઇનિંગ્સમાં વોર્નરે ૫૪ બોલમાં સાત બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે અણનમ ૭૦ રન ફટકાર્યા હતા. તેણે નમન ઓઝા સાથે ૬૦ રનની ભાગીદારી નોંધાવી હતી.
મુંબઈનો સતત ચોથો વિજય
મેન ઓફ ધ મેચ નીતિશ રાણાની અડધી સદી (૫૩), રોહિત શર્માના અણનમ ૪૦ અને કિરોન પોલાર્ડના ૩૯ રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે ૧૬ એપ્રિલે ઘરઆંગણે રમાયેલી મેચમાં ગુજરાત લાયન્સ સામે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. આમ મુંબઇ ચાર જીત સાથે ૮ અંક મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચના ક્રમે પહોંચી ગયું છે. મુંબઈનો આ સતત ચોથો વિજય હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઈએ ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને પડકાર મેળવી લીધો હતો. રાણા (૫૩) અને બટલરે (૨૬) ૮૫ રનની અને રોહિત શર્મા (૪૦) તથા પોલાર્ડે (૩૯) ૬૮ રનની ભાગીદારી નોંધાવી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
દિલ્હીનો દમદાર વિજય
શેમ બિલિંગ્સની અડધી સદી (૫૫) અને કોરી એન્ડરસનના આક્રમક અણનમ ૩૯ રન બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે ઘરઆંગણે રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૫૧ રને ઝમકદાર વિજય મેળવ્યો હતો. ૧૫ એપ્રિલે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૭ રન બનાવી શક્યું હતું. પંજાબ તરફથી અક્ષર પટેલે સૌથી વધારે ૪૪ રન બનાવ્યા હતા. પંજાબે નિયમિત અંતરે વિકેટો ગુમાવતા પરાજય નિશ્ચિત બન્યો હતો.
કોલકતા નાઇટ રાઇડર્સની આગેકૂચ
રોબિન ઉથપ્પાની અડધી સદી (૬૮) અને મનિષ પાંડે (૪૬)ની ઉપયોગી બેટિંગ બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે આઈપીએલ-૧૦ની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧૭ રને વિજય મેળવ્યો હતો. ૧૫ એપ્રિલે રમાયેલી મેચમાં કોલકતાનો ઘરઆંગણે આ સતત ૧૨મો વિજય હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકતાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૫ રન બનાવી શક્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી યુવરાજ સિંહ અને ડેવિડ વોર્નરે સૌથી વધારે ૨૬-૨૬ રન બનાવ્યા હતા. કોલકતા તરફથી વોકિસે ૨ વિકેટ, જ્યારે બાઉલ્ટ, નરૈન, કુલદીપ અને યૂસુફે ૧-૧ વિકેટ ઝડપી હતી.
લાયન્સે વિજયનું ખાતું ખોલ્યું
એન્ડ્રયુ ટાયે હેટ્રિક સહિત પાંચ વિકેટ ઝડપ્યા બાદ બેટ્સમેનોના ઉપયોગી રનની મદદથી ગુજરાત લાયન્સે ૧૪ એપ્રિલે રાજકોટમાં રમાયેલી આઇપીએલ-૧૦ની લીગ મેચમાં રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટને સાત વિકેટે હરાવીને આખરે ટૂર્નામેન્ટમાં વિજયનું ખાતું ખોલ્યું હતું. પૂણેના આઠ વિકેટે ૧૭૧ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ગુજરાતે ૧૮ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે વિજય હાંસલ કરી લીધો હતો. ઓપનર સ્મિથ (૪૭) તથા મેક્કુલમે (૪૯) પ્રથમ વિકેટ માટે ૯૪ રનની ભાગીદારી નોંધાવીને ગુજરાત માટે રનચેઝની આક્રમક શરૂઆત કરી હતી. ત્યારબાદ સુકાની રૈનાએ ૨૨ બોલમાં ૩૫ તથા એરોન ફિન્ચે અણનમ ૩૩ રનનું યોગદાન આપીને ગુજરાતનો વિજય નિશ્ચિત કરી લીધો હતો. આ અગાઉ પૂણે માટે સ્મિથે ૪૩, તિવારીએ ૩૨ તથા ત્રિપાઠીએ ૩૩ રન નોંધાવીને ટીમને સંગીન સ્કોર સુધી પહોંચાડી હતી. ટાયે ૧૭ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ટી૨૦ ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
પોલાર્ડ પાવરથી મુંબઈનો વિજય
કિરોન પોલાર્ડે ધમાકેદાર બેટિંગ કરી સેમ્યુઅલ બદરીની હેટ્રિક પર પાણી ફેરવ્યું હતું. ૧૪ એપ્રિલે મુંબઇમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન વિરાટ કોહલીના ૬૨ રનની મદદથી ૨૦ ઓવરના અંતે પાંચ વિકટે ગુમાવી ૧૪૨ રન બનાવ્યા હતા. જવાબમાં પોલાર્ડના ૭૦ અને કૃણાલ પંડ્યાના અણનમ ૩૭ રનની મદદથી મુંબઇ ઇંડિયન્સે ૧૮.૫ ઓવરમાં છ વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો હતો. નિર્ણાયક સમયે ૪૭ બોલમાં ૭૦ રન બનાવી ટીમને વિજય અપાવનાર પોલાર્ડને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
૧૪૨ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર બટલરને સાત રનના કુલ સ્કોરે સ્ટુઅર્ટ બિન્નીએ પેવેલિયન મોકલ્યા બાદ સેમ્યુઅલ બદરીએ ત્રીજી જ ઓવરમાં પાર્થિવ પટેલ, મિશેલ મેકલેનધન અને રોહિત શર્માને આઉટ કરી પ્રથમ હેટ્રિક ઝડપી હતી. સાત રનનાં ચાર વિકેટ ગુમાવ્યા બદા દબાણમાં આવી ગયેલી મુંબઈ ઇન્ડિયન્સને ફોર્મમાં રહેલા નીતિશ રાણા અને પોલાર્ડે સંભાળવાનો પ્રયાસ કરતાં પાંચમી વિકેટ માટે ૨૬ રન જોડ્યા હતા. તે સમયે બદરીએ ચોથો શિકાર ઝડપતાં નીતિશને ૧૧ રને આઉટ કરી મુંબઈને પાંચમો ઝટકો આપ્યો હતો. બેકફૂટ પર ધકેલાઈ ગયેલી મુંબઈ ટીમને ત્યારબાદ પોલાર્ડ અને કૃણાલ પંડ્યાએ સંભાળતં છઠ્ઠી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી નોંધાવી ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી.

