એમેઝોનના જંગલમાં ભૂલો પડ્યો, વાંદરાની મદદથી બહાર નીકળ્યો!

Wednesday 19th April 2017 06:41 EDT
 
 

લા પાઝઃ એમેઝોનના જંગલોમાં ખોવાયેલો પ્રવાસી નવ દિવસ પછી ચમત્કારિક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો છે અને તે પણ વાંદરાઓની મદદથી. મીકૂલ અકુના નામનો ચીલીનો પ્રવાસી સાઉથ અમેરિકાના ખંડના દેશ બોલિવિયામાં જંગલો ખૂંદવા ગયો હતો. એ અન્ય પ્રવાસીઓ સાથે હતો, પરંતુ જંગલના કેમ્પમાંથી એક દિવસ ગુમ થઈ ગયો હતો. એ પછી છેક નવ દિવસ બાદ મળી શક્યો હતો.
૨૫ વર્ષનો અકુના એવા જંગલમાં ખોવાયો હતો, જ્યાં સતત પાણી ભરાયેલું રહે છે. અહીં કેટલાક વિસ્તારોમાં તો માત્ર હોડી લઈને જઈ શકાય છે. અહીંથી બહાર નીકળેલા અકુનાએ કહ્યું હતું કે જંગલમાં ભટકી ગયા પછી મને કોઈ વાતે રસ્તો મળતો નહોતો. વહેતી નદી મળી આવે તો તેના સહારે કોઈ વિસ્તાર સુધી પહોંચી શકાય તેવી મારી ગણતરી હતી. પરંતુ ચોતરફ કાદવકિચડ અને અત્યંત ગાઢ જંગલ વચ્ચે વહેતી નદી સુધી પહોંચવું મુશ્કેલ હતું. એ વખતે વાનરોનાં ટોળાં મારી મદદે આવ્યા હતા.
વાંદરાઓ જાણે અકુનાની મુશ્કેલી સમજી ગયા હોય એમ ઉપરથી ફળો ફેંકતા હતા. જે અકુના ખાઈ લેતો હતો. અકુનાએ સતત વાંદરાઓના ટોળાની પાછળ રહેવાનો નિર્ણય કર્યો હતો. જેથી વાંદરાઓ નદી સુધી જાય કે કોઈ રહેણાંક વિસ્તાર તરફ જાય તો પોતે બહાર નીકળી શકે. આખરે વાનરોની પાછળ રહીને તેને શોધવા નીકળેલી ટુકડી સુધી તે પહોંચી શક્યો હતો.
કેમ્પમાંથી અકુના અચાનક ગુમ થઇ ગયા બાદ તેની તપાસ શરૂ થઈ પરંતુ અતોપતો મળ્યો નહોતો. બીજા દિવસે ૨૦ હજાર ચોરસ કિમી.માં ફેલાયેલા નેશનલ પાર્કમાં રેન્જર્સે અકુનાને શોધવા કામે લાગ્યા હતા. દિવસો સુધી તપાસ કર્યા પછી એક દિવસ શોધકર્તાઓને દૂરથી કોઈ માનવનો અવાજ સંભળાતો હોવાનું લાગ્યું હતું. એ દિશળામાં તપાસ કરતા અકુના ત્યાંથી મળી આવ્યો હતો. અકુના મળ્યો ત્યારે તેના શરીર પર મચ્છર સહિતના અનેક જીવ-જંતુઓએ ચટકાં ભરી લીધા હતા. તેની શારીરિક શક્તિ પણ ઓછી થઈ ગઈ હતી. એમેઝોનના જંગલોમાં અગાઉ પણ ઘણા પ્રવાસીઓ ભૂલા પડી ચૂક્યા છે. કેટલીક વખત લાખો પ્રયાસો કરવા છતાં ગુમ થયેલા પ્રવાસીઓ મળી શકતાં નથી.


comments powered by Disqus